01 October, 2026 07:27 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સચિન વાઝે
ડિસમિસ્ડ પોલીસ-અધિકારી સચિન વાઝેને સ્પેશ્યલ કોર્ટમાંથી મળેલા જામીન સામે મુંબઈ હાઈ કોર્ટે ગઈ કાલે કડક વલણ અપનાવ્યું છે. ઍન્ટિલિયા વિસ્ફોટક-કાંડ અને વેપારી મનસુખ હિરણ હત્યા કેસમાં સ્પેશ્યલ કોર્ટના જજ દ્વારા મંગળવારે સચિન વાઝેને આપવામાં આવેલા જામીન-આદેશ પર હાઈ કોર્ટના જસ્ટિસ ગિરીશ કુલકર્ણી અને જસ્ટિસ ડૉ. નીલા ગોખલેની ખંડપીઠે ગઈ કાલે ૭ ઑક્ટોબર સુધી સ્ટે આપવાનો આદેશ કર્યો છે. આ સાથે જ હાઈ કોર્ટે તરત આ સ્થગિત આદેશની જાણ જેલ સુપરિન્ટેન્ડેન્ટ અને રાજ્ય-પ્રશાસનને કરવાનો નિર્દેશ આપ્યો છે.
નૅશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) દ્વારા સ્પેશ્યલ કોર્ટના ઑર્ડરને પડકારવામાં આવ્યો હતો. NIA તરફથી રજૂ થયેલા ઍડિશનલ સૉલિસિટર જનરલ અનિલ સિંહે હાઈ કોર્ટમાં ધારદાર રજૂઆત કરતાં જણાવ્યું હતું કે વિશેષ કોર્ટે સચિન વાઝેને જામીન આપીને ગંભીર ભૂલ કરી છે. તેમણે દલીલ કરી હતી કે જિલેટિન સ્ટિક્સ એ વિસ્ફોટકોની શ્રેણીમાં જ આવે છે અને આ ઘટનાથી મુકેશ અંબાણીના પરિવારની સુરક્ષામાં ખલેલ પહોંચી હતી જેના સંદર્ભમાં NIA દ્વારા ત્રણ સુરક્ષારક્ષકોનાં નિવેદનો પણ નોંધવામાં આવ્યાં છે. વિશેષ કોર્ટે એવું અવલોકન કર્યું હતું કે વિસ્ફોટકો સાથે ડિટોનેટર ન હોવાથી એ અનલૉફુલ ઍક્ટિવિટીઝ પ્રિવેન્શન ઍક્ટ (UAPA) કાયદા હેઠળનો ગુનો બનતો નથી, પરંતુ NIAએ આ તર્કને સંપૂર્ણપણે ખોટો ગણાવ્યો હતો.