ફીવધારાના મુદ્દે પેરન્ટ્સની યુનિટી સામે ભાઇંદરની સ્કૂલ ઝૂકી

09 February, 2021 11:56 AM IST  |  Mumbai | Prakash Bambhrolia

ફીવધારાના મુદ્દે પેરન્ટ્સની યુનિટી સામે ભાઇંદરની સ્કૂલ ઝૂકી

ભાઈંદરમાં નારાયણ ટેક્નૉ સ્કૂલની બહાર વિરોધ કરી રહેલા પેરન્ટ્સ

ભાઈંદરમાં આવેલી નારાયણ ટેક્નૉ સ્કૂલ દ્વારા પણ પેરન્ટ્સ પર ફી ભરવાનું દબાણ કરાતાં ગઈ કાલે ૧૫૦ જેટલા વાલીઓએ સ્કૂલમાં પહોંચીને વિરોધ-પ્રદર્શન કર્યું હતું. જોકે પેરન્ટ્સની એકતાની સામે સ્કૂલે નમતું ઝોખીને તેમની સાથે બેઠક કરીને તેમની મોટા ભાગની માગણીઓ માન્ય રાખી હોવાનું જાણવા મળ્યું હતું.

ભાઈંદર-વેસ્ટમાં આવેલી નારાયણ ટેક્નૉ સ્કૂલમાં સમયસર ફી ન ભરી શકતા કેટલાક સ્ટુડન્ટ્સના ઑનલાઇન એજ્યુકેશન માટેની આઇડી લૉક કરી દેવાથી વાલીઓ છેલ્લા કેટલાક સમયથી પરેશાન થઈ ગયા હતા. કહેવાય છે કે એકલદોકલ પેરન્ટ્સને સ્કૂલ સરખો જવાબ ન આપતી હોવાથી પેરન્ટ્સના ગ્રુપે ૭ ફેબ્રુઆરી સુધી જો સ્કૂલ ઘટતું નહીં કરે તો વિરોધ-પ્રદર્શન કરવાની ચીમકી આપી હતી. સ્કૂલ તરફથી કોઈ જવાબ ન મળતાં ગઈ કાલે બપોરે ૧૫૦ જેટલા પેરન્ટ્સે નારાયણ ટેક્નૉ સ્કૂલમાં ફી ભરવાના દબાણ સામે વિરોધ-પ્રદર્શન કર્યું હતું.

આટલા બધા પેરન્ટ્સને જોઈને સ્કૂલનાં પ્રિન્સિપાલ રેણુકા જી.એ વાલીઓના પ્રતિનિધિ મંડળ તથા સ્થાનિક વિધાનસભ્ય ગીતા જૈન સાથે ફીથી લઈને બીજી મુશ્કેલી બાબતે વાતચીત કરી હતી. આ બેઠકમાં હાજર એક વાલીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘લૉકડાઉનને લીધે સ્કૂલો બંધ હતી. બાદમાં ઑનલાઇન એજ્યુકેશન શરૂ કરાયું હતું. વાર્ષિક ફીમાંથી ૧૦,૦૦૦ રૂપિયા ભરીને આઇડી મેળવવાનું સ્કૂલે કહેતાં અમે આ રકમ ભરી હતી. જોકે બાદમાં સ્કૂલ તરફથી ૮૦ ટકા ફી ભરવાની માગણી કરાઈ હતી. મોટા ભાગના લોકો આર્થિક મુશ્કેલીમાં હોવાથી થોડી-થોડી કરીને ફી ભરી શકે એવી સ્થિતિમાં હોવાનું અમે લેખિતમાં જણાવ્યું હતું. આમ છતાં, સ્કૂલ દ્વારા જેમણે ૮૦ ટકા ફી ભરી હોય તેમને જ ઑનલાઇન એજ્યુકેશન આપવાની આઇડી ચાલુ રાખી હતી. બાકીના સ્ટુડન્ટ્સની આઇડી લૉક કરી દેવાથી મોટા ભાગનાં બાળકો એજ્યુકેશનથી વંચિત રહ્યાં છે. અનેક વખત રજૂઆત કર્યા બાદ પણ સ્કૂલ તરફથી ફી બાબતે કોઈ ઉકેલ ન લવાતાં અમારે વિરોધ કરવો પડ્યો હતો. આ વિરોધને પગલે સ્કૂલનાં પ્રિન્સિપાલ રેણુકા જી.એ ફીથી લઈને તમામ સમસ્યાનો નિકાલ લાવવાનું આશ્વાસન આપ્યું હતું. અત્યારે તેમણે મૌખિક રીતે કહ્યું છે. જો તેઓ બાદમાં ફરી જશે તો ફરી વિરોધ કરીશું.’

નારાયણ ગ્રુપ ઑફ સ્કૂલ્સ સંચાલિત ભાઈંદરમાં નારાયણ ટેક્નૉ સ્કૂલનાં પ્રિન્સિપાલ રેણુકા જી.એ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘કેટલાક પેરન્ટ્સની ફી અને આઇડી લૉક થવા બાબતની ફરિયાદ હતી. તેઓ સ્થાનિક વિધાનસભ્ય ગીતા જૈન સાથે મને મળ્યાં હતાં. અમે તેમની વાત સમજ્યા બાદ મૅનેજમેન્ટને રજૂઆત કરી હતી. મૅનેજમેન્ટે પેરન્ટ્સની બધી માગણીઓ માન્ય રાખી છે.’

mumbai mumbai news bhayander prakash bambhrolia