પત્નીએ સંયમમાર્ગે જવાની આજ્ઞા માગી તો પતિ અને સંતાનો પણ ચાલ્યા એ જ પંથ

12 January, 2019 10:24 AM IST  |  મુંબઈ | Rohit Pareekh

પત્નીએ સંયમમાર્ગે જવાની આજ્ઞા માગી તો પતિ અને સંતાનો પણ ચાલ્યા એ જ પંથ

બિઝનેસમેન રાકેશ કોઠારીનો પરિવાર

ભિવંડીના ગોકુલનગરમાં રહેતા ટેક્સટાઇલના કરોડો રૂપિયાનો કારોબાર કરી રહેલા રાજસ્થાની વેપારી ૪૫ વર્ષના રાકેશ કોઠારીનાં પત્ની ૪૩ વર્ષનાં સીમા કોઠારીને સંયમમાર્ગે જવાના ભાવ થયા હતા. તેમના ભાવની અનુમોદના કરતાં-કરતાં રાકેશ કોઠારી અને તેમનો ૨૧ વર્ષનો પુત્ર મીત અને ૧૯ વર્ષની દીકરી શૈલી પણ સંયમમાર્ગે પ્રયાણ કરવા તૈયાર થઈ ગયાં હતાં. કરોડપતિ રાકેશ કોઠારીનો પરિવાર શનિવારે ૯ ફેબ્રુઆરીએ સુરતના કૈલાસનગર સંઘમાં જૈનાચાર્ય પ્રેમસૂરીશ્વરજી મહારાજસાહેબના સમુદાયના આચાર્ય ગુણરત્નસૂરીશ્વરજી મહારાજસાહેબની નિશ્રામાં દીક્ષા ગ્રહણ કરશે. સંયમમાર્ગે જવા માટે રાકેશ કોઠારીએ ફક્ત છ મહિનાના સમયમાં તેમના કરોડો રૂપિયાના કારોબારને આટોપી લીધો હતો.

રાકેશ કોઠારી વષોર્થી ગોકુલનગરના જૈન દેરાસરની બાજુમાં રહે છે. પરિવારનો રોજનો નિયમ કે સવારે ભગવાનની પૂજા કર્યા વગર ચા-પાણી (જૈનો એને નવકારશી કહે છે) પીવાનાં નહીં. સાંજના આખો પરિવાર સૂર્યાસ્ત પહેલાં જમી લેવાનો એટલે કે ચોવિહાર કરવાનો નિયમ. કંદમૂળ તો બંધ પણ આ પરિવાર હોટેલમાં પણ ગયો નથી. આમ આ પરિવાર જૈનોના શ્રાવકોના બધા જ નિયમોનું ચુસ્તપણે પાલન કરતો રહ્યો છે. મીત અને શૈલી વ્યાવહારિક શિક્ષણની સાથે ધાર્મિક શિક્ષણ પણ લેતાં રહ્યાં છે. નાનપણથી જ મીત અને શૈલી દેરાસરમાં ચાલતી પાઠશાળામાં ધાર્મિક શિક્ષા લેવા જતાં હતાં.

સવારના સમય ન મળે તો સાંજની પાઠશાળામાં જાય, પણ પાઠશાળામાં એક પણ રજા લેતાં નહોતાં. મીત ચાર્ટર્ડ અકાઉન્ટનો અભ્યાસ કરી રહ્યો છે, જ્યારે ગાવાની શોખીન અને ઇન્ડિયન આઇડલની મ્યુઝિક કૉમ્પિટિશનમાં જવા માગતી શૈલી એચએસસી પછી ધાર્મિક અભ્યાસમાં વ્યસ્ત થઈ ગઈ છે.

ત્રણ વર્ષ પહેલાં સીમા કોઠારીએ ઉપધાન તપની આરાધના કરી હતી. જૈનોમાં ઉપધાન તપ એટલે મિની સાધુજીવન જેમાં આરાધકોએ સાધુ કરતાં પણ કડક નિયમોનું તપ દરમ્યાન પાલન કરવાનું હોય છે. સીમા કોઠારીએ ઉપધાન તપની આરાધના કર્યા પછી તેને સંયમમાર્ગે જવાના ભાવ થયા હતા.

સીમાના ભાવ અને સીમાને કારણે રાકેશ અને તેનાં બાળકોએ કરેલાં સયંમમાર્ગના નિર્ધારની માહિતી આપતાં રાકેશ કોઠારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘હું મારા કારોબારમાં રચ્યોપચ્યો રહેતો હોવા છતાં સીમા સાથે રોજ ધાર્મિક ચર્ચાઓ કરતો અને સીમા જે કોઈ સાધુસંતોનાં પ્રવચનો સાંભYયાં હોય એ પ્રવચનોનો સાર મને કહેતી હતી. આમ અમારી વચ્ચે સાંસારિક વાતોની સાથે ધાર્મિક વાતો કરવાની પણ આદત હતી.

અમે બન્ને બાળકોમાં તો નાનપણથી જ ધાર્મિક સંસ્કાર રેડ્યા હતા. સીમાએ ઉપધાન તપ પછી સંયમમાર્ગે

જવાની વાત કરી ત્યારે હું કે મારાં બાળકોએ એક પળ બગાડ્યા વગર તરત જ તેને હા પાડી દીધી હતી એટલું જ નહીં, તેના ભાવોની અનુમોદના કરતાં-કરતાં અમને પણ સંયમમાર્ગે જવાના ભાવ જાગ્યા હતા.’

મોક્ષની પ્રાપ્તિ સંયમમાર્ગથી જ મળે છે એમ જણાવતાં રાકેશ કોઠારીએ કહ્યું હતું કે ‘જેમ-જેમ ધર્મમાં ઊંડે ઊતરતો ગયો અને ધાર્મિક અભ્યાસ કરતો ગયો એમ જૈન ધર્મનો મર્મ સમજતો ગયો હતો. શાશ્વત સુખ સાધુજીવનમાં જ મળી શકે છે એટલે જ મારા આખા પરિવારે સાથે દીક્ષા લેવાનો નિર્ધાર કર્યો છે.’

આ પણ વાંચોઃ મુંબઈઃ હાઈકોર્ટના નિર્દેશ છતાં બેસ્ટની હડતાળ આજે પણ ચાલુ રહેશે

છેલ્લા થોડા દિવસથી આ ચારેય મુમુક્ષુઓના દીક્ષા પ્રસંગ પૂર્વેના વરસીદાનના અને અન્ય કાર્યક્રમો ધામધૂમથી ઊજવાઈ રહ્યા છે. ગુરુવારે ગોકુલનગરમાં બિરાજમાન પરમ પૂજ્ય પંન્યાસ શ્રીજયભૂષણ વિજ્યજી મહારાજસાહેબની નિશ્રામાં ગિરનાર યાત્રા પછી દીક્ષા માટે વીરતી વંદના કાર્યક્રમ યોજાયો હતો.