આ બધા ઉધામા પત્ની ને દીકરી પર મેં કરેલા કેસને લીધે છે : ભૂપેન્દ્ર પંડ્યાનો વળતો પ્રહાર

24 October, 2011 04:40 PM IST  | 

આ બધા ઉધામા પત્ની ને દીકરી પર મેં કરેલા કેસને લીધે છે : ભૂપેન્દ્ર પંડ્યાનો વળતો પ્રહાર



(બકુલેશ ત્રિવેદી)

 


કાંદિવલી, તા. ૨૪


તેમનું કહેવું છે કે આ બધું નર્યું જુઠ્ઠાણું છે. આ તો તેમણે કરેલી છેતરપિંડી સામે મેં પોતે જ કરેલા અગાઉના કેસમાંથી બચવાના તેમના નિષ્ફળ પ્રયાસો છે.

ગુનાહિત માનસ

પત્ની મનીષા અને પુત્રી નમસ્વી દ્વારા કરવામાં આવેલી પોલીસફરિયાદ સામે પોતાની બાજુ માંડતાં ભૂપેન્દ્રભાઈએ કહ્યું હતું કે ‘મનીષા અને નમસ્વી તેમના ગુનાઓ છાવરવા આ બધા ઉધામા કરી રહ્યાં છે. હકીકત એ છે કે મનીષાનો સ્વભાવ બહુ જિદ્દી અને આક્રમક છે. વાતવાતમાં ખોટા આક્ષેપ કરવા એ તેની આદત છે. મને હેરાન કરીને ઘરમાંથી કાઢી મૂક્યા પછી મનીષાએ આ ઉંમરે કાયદાની ડિગ્રી લીધી છે. સ્ત્રીઓની સુરક્ષા માટે ઘડાયેલા દહેજવિરોધી કાયદાનો દુરુપયોગ કરીને મને હેરાન કરવાનું કારસ્તાન તેણે ઘડ્યું છે. ૨૨ વર્ષના સહજીવન અને ત્રણ સંતાનોના જન્મ બાદ હવે તેને દહેજની સમસ્યા નડવા માંડી? આ જ બતાવે છે કે આ નર્યું જુઠ્ઠાણું છે. ગુનાહિત માનસ ધરાવતાં આ મા-દીકરીને માત્ર સંપત્તિ અને જાયદાદમાં જ રસ છે. સ્વાર્થી અને લેભાગુ ટોળકીથી ઘેરાયેલાં આ મા-દીકરી પોતાનું કે પોતાના પરિવારનું કલ્યાણ જોવાની દૃષ્ટિ ગુમાવી બેઠાં છે. સમાજના પ્રતિષ્ઠિત અને શાણા માણસોએ શાંતિપૂર્વક ફેંસલો લાવવાની આપેલી સલાહને સતત અવગણતાં રહી કેવળ લાલચુ લોકોની વાતમાં ફસાતાં રહે છે.  કોઈ પણ સંસ્કારી સ્ત્રી કે પુત્રી પોતાના પરિવારની આબરૂનો તમાશો જાહેરમાં કરવાની મૂર્ખાઈ કરે ખરી? પતિ અને પિતાની પ્રતિષ્ઠા પર કાદવ ઉછાળનાર સ્ત્રી કે પુત્રીના સ્વભાવથી સુજ્ઞ સમાજ અજાણ ન જ હોય.’

આ તો બચવાનાં હવાતિયાં

ભૂપેન્દ્રભાઈએ પોતાની વાતને સર્પોટ કરતાં કહ્યું હતું કે ‘મારી ઇન્શ્યૉરન્સ પૉલિસી પર બનાવટી સહી કરીને પૈસા ઉચાપત કરવાની તેમની ચાલ ખુલ્લી પડી જતાં ૬ ડિસેમ્બર ૨૦૧૦ના રોજ કાંદિવલી (ઈસ્ટ)ના સમતાનગર પોલીસ-સ્ટેશનમાં મનીષા, નમસ્વી અને ઇન્શ્યૉરન્સ એજન્ટ આરતી મહેતા વિરુદ્ધ ફોજદારી ગુનો દાખલ થયેલો છે, જેને કારણે ત્રણેની ધરપકડ પણ થઈ હતી. ત્યાર બાદ તેમને જામીન પર છોડવામાં આવ્યાં છે. અત્યારે તેઓ જામીન પર ફરી રહ્યાં છે. બોરીવલી મેટ્રોપૉલિટન ર્કોટમાં આ કેસની સુનાવણી નવેમ્બરમાં છે, એનાથી બચવા માટે તેમણે મારા પર ખોટા આક્ષેપ કરી બદનામ કરવાનું ષડ્યંત્ર ઘડ્યું છે. સાડાત્રણ વર્ષથી ચાલતી તેમની આ કુટિલ યોજનાઓની શરૂઆતમાં મેં પરિવારની પ્રતિષ્ઠાને લક્ષમાં રાખી ગૌરવભર્યું મૌન જાળવ્યું હતું, પરંતુ મારી ભલમનસાઈને મારી નબળાઈ સમજી તેઓ એક પછી એક કુકર્મ દ્વારા મને ઉશ્કેરવાનો પ્રયાસ કરતાં રહ્યાં, પણ હું સત્યના પક્ષે છું એથી મારે તેમના આવા ઉધામાથી વ્યથિત થવાની જરૂર નથી. મને પ્રભુમાં અને ભાવિકજનોની સમજણશક્તિમાં વિશ્વાસ છે.’

મનીષા પંડ્યા શું કહે છે?

ભૂપેન્દ્ર પંડ્યાના આવા સ્ટૅન્ડ વિશે જ્યારે તેમનાં પત્ની મનીષાબહેનનો સંપર્ક કરી તેમનો પ્રતિભાવ જાણવાની કોશિશ કરવામાં આવી ત્યારે મનીષાબહેને કહ્યું હતું કે ‘છેતરપિંડીના તેમણે કરેલા કેસથી બચવા આ ફરિયાદ કરી છે એવું કશું નથી. તેઓ અમને ત્રાસ આપતા હતા એટલે ફરિયાદ કરી છે. એ કેસ તો છે જ એની અમને જાણ છે. અમને જે ત્રાસ હતો, મુશ્કેલી હતી એ બદલ અમે ફરિયાદ કરી છે. તેમણે તેમની ફૅમિલીને તરછોડી દીધી છે અને તેમની જવાબદારીઓ નિભાવી નથી. તેમણે અમારા પર ત્રાસ ગુર્જાયો છે. પોલીસ પણ કાંઈ એમનેમ ફરિયાદ નથી લેતી.’