ભુલેશ્વરમાં ઝેરી ધુમાડાની સમસ્યાનો અંત ક્યારે?

22 December, 2014 03:31 AM IST  | 

ભુલેશ્વરમાં ઝેરી ધુમાડાની સમસ્યાનો અંત ક્યારે?




દક્ષિણ મુંબઈના એકદમ વ્યસ્ત અને ગીચ વિસ્તાર ભુલેશ્વરમાં ઝવેરાત બનાવવાની વર્કશૉપોમાંથી નીકળતા કેમિકલયુક્ત ધુમાડાએ લોકોનું જીવવું હરામ કરી નાખ્યું છે. ભુલેશ્વરની એક જોઈ ન શકતી વ્યક્તિ કહે છે કે ‘અમારી લડાઈ આવનારી પેઢીઓ માટે છે. અમે જિંદગીભર ઝેરીલી હવામાં શ્વાસ લીધો છે, પરંતુ અમે અમારાં બાળકોને આ નરકમાંથી છોડાવીને રહીશું.’

દરરોજ સવારે ભુલેશ્વરના રહેવાસીઓ જ્યારે તેમની બારી ખોલે ત્યારે તેમનાં ઘરોમાં કેમિકલયુક્ત ધુમાડો ફરી વળે છે. આ ધુમાડો તેમનાં ઘરોની નજીક આવેલી ચીમનીઓમાંથી નીકળે છે. આ ચીમનીઓ ઝવેરાતનું ગાળવું, પૉલિશ કરવું અને તેને ઘડવાની વર્કશૉપોની છે. આ વિસ્તારના રહેવાસીઓ છેલ્લાં દસ વર્ષથી આ વર્કશૉપોને અન્યત્ર ખસેડવા માટે કાનૂની લડાઈ લડી રહ્યા છે અને સરકારી એજન્સીઓને આ વર્કશૉપો રહેવાસી વિસ્તારની બહાર ખસેડવા વિનંતી કરી રહ્યા છે, પરંતુ અહીના રહેવાસીઓ દાવો કરે છે કે તેમની ફ્રિયાદો સામે સરકારી એજન્સીઓ આંખ આડા કાન કરે છે. હકીકતમાં છેલ્લાં કેટલાંક વષોર્માં આવી વર્કશૉપોની સંખ્યા વધી છે અને સલ્ફરડાયોક્સાઇડ, અમોનિયમ નાઇટ્રેટ, અમોનિયા હાઈડ્રો ક્લોરિક ઍસિડ જેવાં કેમિકલો આવી વર્કશૉપોમાં વાપરવામાં આવે છે. સરકારી એજન્સીઓની પકડમાંથી બચવા આ વર્કશૉપો સૂર્યાસ્ત પછી અથવા વહેલી સવારે ધુમાડો છોડે છે.

ધુમાડાનાં ગંભીર પરિણામો

સુધરાઈ, મહારાષ્ટ્ર રાજ્ય માનવાધિકાર કમિશને એકમત થઈ જણાવ્યું છે કે આ વર્કશૉપમાંથી નીકળતો ધુમાડો અહીંના રહેવાસીઓના આરોગ્યને હાનિ પહોંચાડે છે. ૨૦૦૫માં કિંગ ઍડવર્ડ મેમોરિયલ (KEM) હૉસ્પિટલે એક આરોગ્ય સર્વેક્ષણ કર્યું હતું જેમાં જાણવા મળ્યું હતું કે આ વિસ્તારમાં રહેતા ૫૫ ટકા લોકો  દમ, બ્રોનકાઇટીસ અને  ફેફસાંની તકલીફો અનુભવે છે. જોઈ ન શકતા અને ભુલેશ્વર રેસિડન્ટ્સ અસોસિએશનના પદાધિકારી દેવેન્દ્ર શાહે જણાવ્યું હતું કે ‘રહેવાસીઓએ ૨૦૦૧માં વિરોધ શરૂ કર્યો હતો જ્યારે એક રિફાઇનિંગ ફેક્ટરીમાં ગૅસનું સિલિન્ડર ફાટ્યુ હતું જેમાં ૨૪ જણ મૃત્યુ પામ્યા હતા. કેટલાક મહિના પહેલાં પર્યાવરણ સચિવે અહીના પ્રદૂષણની તપાસ કરવા એક સમિતિ નીમી હતી, જેમાં નૅશનલ એનવાયર્નમેન્ટલ એન્જિનિયરિંગ રિસર્ચ ઇન્સ્ટિટયુટ (NEERI), મહારાષ્ટ્ર રાજ્ય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને રહેવાસીઓ તેમજ ફેકટરીના માલિકોના પ્રતિનિધિઓ સામેલ હતા. આ વાતને છ મહિના વીતી ગયા છતાં સમિતિની એક પણ બેઠક થઈ નથી.

ફૅક્ટરીમાલિકો શું કહે છે? 


મુંબઈ સુવર્ણકાર સંઘના જનરલ સેક્રેટરી રમેશ ગુજરાતીએ જણાવ્યું હતું કે ‘અમારી વર્કશૉપને લીધે પ્રદૂષણ ઓછું છે. કામદારો દ્વારા વાપરવામાં આવતા ઍસિડને કારણે થોડું પ્રદૂષણ થાય છે, પરંતુ તે નુકસાનદાયક નથી. જે ચીમનીઓ નીચી છે તેમની ઊંચાઈ વધારવી જોઈએ તેમ છતાં આ ઉદ્યોગને માટે અન્ય કોઈ સારી જગ્યા હોય તો ત્યાં સ્થળાંતર કરવા અમે તૈયાર છીએ.’

સુધરાઈ શું કહે છે?

જ્યારે સુધરાઈના કમિશનર સીતારામ કુંટેને આ વિશે પ્રશ્ન કરવામાં આવ્યો ત્યારે તેમણે જણાવ્યું હતું કે આ બાબતે હું મારા હાથ નીચેના અધિકારીઓને સલામતીનાં પગલાં લેવા જણાવીશ.

મહારાષ્ટ્ર રાજ્ય પ્રદૂષણ કન્ટ્રોલ બોર્ડના અસિસ્ટન્ટ સેક્રેટરી (ટેક્નિકલ) પી. કે. મિરાશેએ જણાવ્યું હતું કે ‘ઍસિડને લીધે પ્રદૂષણ ફેલાય છે. અમે મળીને આ બાબતે ચર્ચા કરશું. આ સમિતિમાં NEERI અને પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના નિષ્ણાતો છે. તેમનાં સૂચનોને ધ્યાનમાં લઈ નિર્ણય લેશું.’ વારંવાર પ્રયાસ કર્યા છતાં ઘ્ વૉર્ડના અસિસ્ટન્ટ સુધરાઈ કમિશનર ડૉ. સંગીતા હંસાલેએ અમારા ફોન કોલ્સ અને મેસેજોનો જવાબ આપ્યો નહોતો.