✕

સીમા ગાયકવાડને સલામ

23 October, 2026 07:28 AM IST  |  Mumbai | Rohit Parikh

ભુલેશ્વરના ત્રીજા ભોઈવાડામાં આવેલા કાકાકૌઆ બિલ્ડિંગમાં લટકતા વાયરોમાં શૉર્ટ સર્કિટ થવાથી લાગી આગ, વી.પી. રોડ પોલીસ-સ્ટેશનનાં લેડી સિનિયર ઇન્સ્પેક્ટર સીમા ગાયકવાડની સમયસૂચકતા અને બહાદુરીને કારણે બિલ્ડિંગમાં ફસાયેલા ૩૨ કારીગરો સુરક્ષિત બહાર આવ્યા

સીમા ગાયકવાડ, ભુલેશ્વરના ત્રીજા ભોઈવાડામાં કાકાકૌઆ બિલ્ડિંગમાં ગઈ કાલે સવારે લાગેલી આગ અને અતુલ ધનેશા

ઇમિટેશન જ્વેલરી મૅન્યુફૅક્ચરર્સ ઍન્ડ ડીલર્સ અસોસિએશનના ચૅરમૅન અતુલ ધનેશાએ કહ્યું કે આવાં બહાદુર પોલીસ-ઑફિસર પહેલી વાર જોયાં

સાઉથ મુંબઈના ભુલેશ્વરમાં ત્રીજા ભોઈવાડા વિસ્તારમાં આવેલા કાકાકૌઆ બિલ્ડિંગ (ત્રીજો ભોઈવાડો, બિલ્ડિંગ-નંબર ૧૧૦)માં ગઈ કાલે સવારે અંદાજે ૯.૩૦ વાગ્યાની આસપાસ બિલ્ડિંગની બહાર લટકી રહેલા ઇલેક્ટ્રિક વાયરોમાં અચાનક શૉર્ટ સર્કિટ થતાં આગ ફાટી નીકળી હતી. ગ્રાઉન્ડ પ્લસ ૩ માળના આ બિલ્ડિંગમાં પહેલા માળથી ત્રીજા માળના વાયરોમાં આગ પકડી લેતાં પહેલાથી ત્રીજા માળની ૩ ઇમિટેશન જ્વેલરીની દુકાનોમાં જ્વેલરી અને ફર્નિચર બળી જતાં અંદાજે ૪૫ લાખ રૂપિયાનું નુકસાન થયું હતું.
જોકે વી. પી. રોડ પોલીસ-સ્ટેશનનાં સિનિયર ઇન્સ્પેક્ટર સીમા ગાયકવાડની સમયસૂચકતા અને બહાદુરીને કારણે બિલ્ડિંગમાં ફસાયેલા ૩૨ કારીગરો સુરક્ષિત બહાર આવી જતાં કોઈ જાનહાનિ થઈ નહોતી.

મળેલી માહિતી પ્રમાણે આ ઘટનાની જાણ થતાં મુંબઈ ફાયર-બ્રિગેડનાં ૪ ફાયર-વાહનો ઘટનાસ્થળે પહોંચ્યાં હતાં. સલામતીનાં પગલાંરૂપે BEST અન્ડરટેકિંગ દ્વારા આ વિસ્તારનો વીજપુરવઠો બંધ કરવામાં આવ્યો હતો. સવારે આશરે ૧૧.૧૨ વાગ્યા સુધીમાં આગ પર કાબૂ મેળવી લેવાયો હતો. પ્રાથમિક અહેવાલો મુજબ આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નહોતી.

આ બાબતની માહિતી આપતાં ઇમિટેશન જ્વેલરી મૅન્યુફૅક્ચરર્સ ઍન્ડ ડીલર્સ અસોસિએશનના ચૅરમૅન અતુલ ધનેશાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘કાકાકૌઆ મારા ભાઈનું જ બિલ્ડિંગ છે. ભુલેશ્વરમાં અઠવાડિયામાં બે-ત્રણ વાર લાઇટ જવી એ એક સામાન્ય ઘટના છે. બુધવારે પણ સાંજના ૪ વાગ્યે આ બિલ્ડિંગની લાઇટ જતી રહી હતી જેને રિપેર કરવા બૃહન્મુંબઈ ઇલેક્ટ્રિક સપ્લાય ઍન્ડ ટ્રાન્સપોર્ટ (BEST) અન્ડરટેકિંગના માણસો આવ્યા હતા. તેઓ સાંજના ૭ વાગ્યે કોઈ પણ જાતનું રિપેરિંગ કર્યા વગર ડાયરેક્ટ લાઇટનું કનેક્શન આપીને જતા રહ્યા હતા. સાંજના ૭ વાગ્યે લાઇટ આવી ગઈ, પણ માર્કેટ બંધ થવાથી એની કોઈ અસર થઈ નહીં. જોકે ગઈ કાલે સવારે અંદાજે ૯.૧૫ વાગ્યાની આસપાસ જે સ્પૉટમાં ડાયરેક્ટ કનેક્શન આપ્યું હતું એ લટકતા વાયરોમાં ભડકા થવાના શરૂ થયા હતા. ફાયર-બ્રિગેડ પહોંચે એ પહેલાં તો પહેલા માળથી ત્રીજા માળ સુધી બહારના ભાગમાં લટકતા વાયરોમાં આગ પકડાઈ હતી જે ભયંકર બની ગઈ હતી. આ આગ નીચેની કોઈ દુકાનમાં લાગી નહોતી, પરંતુ પહેલાથી ત્રીજા માળ સુધી ફેલાઈ ગઈ હતી.’

નસીબજોગે નીચેની દુકાનો આગમાં નહોતી લપેટાઈ, જો ગ્રાઉન્ડ ફ્લોર પર આગ લાગી હોત તો ભયંકર નુકસાન થયું હોત.

આ સમયે આ બિલ્ડિંગમાં દુકાન ધરાવતા અમારા ઇમિટેશન જ્વેલરીના ૬૦ વેપારીઓના ૩૨ કારીગરો બિલ્ડિંગમાં ફસાયેલા હતા એમ જણાવીને અતુલ ધનેશાએ કહ્યું હતું કે ‘અમારા અને કારીગરોના જીવ અધ્ધર થઈ ગયા હતા. જોકે એ સમયે બે મહિના પહેલાં જ વી. પી. રોડ પોલીસ-સ્ટેશનમાં ફરજ પર આવેલાં સિનિયર ઇન્સ્પેક્ટર સીમા ગાયકવાડ સૌના માટે દેવદૂત બનીને ઘટનાસ્થળે પહોંચ્યાં હતાં. બિલ્ડિંગના મેઇન એન્ટ્રન્સ પર આગ લાગેલી હતી. કોઈ અંદર જવાની કે બહાર આવવાની હિંમત કરે નહીં એવી પરિસ્થિતિમાં સીમા ગાયકવાડ તેમના જીવના જોખમે આગની અંદર કૂદી ગયાં હતાં. અંદર જઈને તેમણે તેમના સ્ટાફને બોલાવીને બિલ્ડિંગના પાછળના દરવાજેથી કાળા ધુમાડાના ગોટેગોટા વચ્ચે અમારા કારીગરોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા. તેમનો યુનિફૉર્મ બળી ગયો હતો. મારા ૬૮ વર્ષના જીવનમાં મેં અનેક મોટી આગ જોઈ છે, પણ આવાં બહાદુર પોલીસ-ઑફિસર પહેલી વાર જોયાં. આગમાં દુકાનને કે માલને નુકસાન થાય એ તો વેપારીઓ કમાઈ લેશે, પણ કોઈ જાનહાનિ થાય તો વેપારીઓના માથે કલંક લાગી જાય. સીમા ગાયકવાડને કારણે અમારા કારીગરોના જીવ બચી ગયા હતા અને કોઈને ઈજા પણ થઈ નહોતી.’

ભુલેશ્વરમાં ઇલેક્ટ્રિકના કેબલો રોડ પર છે જે માનવીની જિંદગી માટે અત્યંત જોખમકારક છે એમ જણાવતાં અતુલ ધનેશાએ કહ્યું હતું કે ‘આના માટે હું છેલ્લાં ૩ વર્ષથી સંબંધિત વિભાગો સાથે લડી રહ્યો છું. અનેક પત્રવ્યવહાર પછી પણ અમારા વિસ્તારની આ સમસ્યા દૂર કરવા કોઈ આગળ આવતું નથી. અગાઉ પણ વાયરોમાં આવા ભડકા થયા છે. સંબંધિત વિભાગો કહે છે કે અમારી પાસે ટેક્નિકલ સ્ટાફ અને કર્મચારીઓની શૉર્ટેજ છે. ભોઈવાડામાં અમારી ૨૧૦૦ દુકાનો છે. અમે કરોડો રૂપિયા રેવન્યુ આપીએ છીએ, પણ ભોઈવાડાના બિઝનેસ હબમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો અભાવ છે જેના માટે અમારી લડત ચાલુ રહેશે.’

fire incident mumbai fire brigade south mumbai mumbai news mumbai mumbai police