BMWમાં બેસીને લૂંટ કરવા નીકળ્યા લૂંટારા, પણ ખબરીએ ખેલ ઊંધો વાળી દીધો

03 June, 2025 06:54 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

એક જણ ભાગી જતાં પોલીસે ૪ જણને ઝડપીને તેમની સામે ગુનો નોંધ્યો છે. તેમની પાસેથી હથિયારો અને લૂંટ કરવા માટે લીધેલું અન્ય મટીરિયિલ જપ્ત કરવામાં આવ્યું હતું.

લૂંટારાઓ પાસેથી મળી આવેલાં હથિયારો.

ભિવંડીમાં પાંચ લૂંટારાઓ BMW કારમાં બેસી પૂરતી તૈયારી સાથે હથિયારો લઈને લૂંટ કરવા નીકળ્યા હતા, પણ ખબરીએ એ લોકો લૂંટ કરે એ પહેલાં જ પોલીસને માહિતી આપી દેતાં પકડાઈ ગયા હતા. તેમની પાસેથી ​હથિયારો અને અન્ય વસ્તુ​ઓ જપ્ત કરવામાં આવી છે. કારમાં કુલ પાંચ જણ હતા. એમાંથી એક જણ ભાગી જતાં પોલીસે ૪ જણને ઝડપીને તેમની સામે ગુનો નોંધ્યો છે. તેમની પાસેથી હથિયારો અને લૂંટ કરવા માટે લીધેલું અન્ય મટીરિયિલ જપ્ત કરવામાં આવ્યું હતું.

આ કેસની વિગતો આપતાં શાંતિનગર પોલીસ-સ્ટેશનના સિનિયર પોલીસ-ઇન્સ્પેક્ટર વિનાયક ગાયકવાડે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ ટોળકી લૂંટના ઇરાદે નીકળી હતી અને કારમાં હથિયારો હતાં. ખબરીએ માહિતી આપતાં અમારી ટીમ તેમનો પીછો કર્યો હતો અને ચાંવિદ્રા રોડ પર તેમની કાર આંતરીને ચાર જણને ઝડપી લેવાયા હતા. તેમની પાસેથી લોખંડનો રૉડ, સ્ક્રૂ-ડ્રાઇવર, પક્કડ, દોરી, મરચાંનો પાઉડર, ગ્લવ્ઝ મળ્યાં હતા. આ ઉપરાંત કારમાં છુપાવેલી બે દેશી પિસ્ટલ અને બે દેશી રિવૉલ્વર પણ મળી આવી હતી. અમે તેમની અરેસ્ટ કરી હતી.’

તપાસ બાદ કારના ઓનરને પણ ઝડપી લેવામાં આવ્યો હતો. એ વિશે માહિતી આપતાં પોલીસ-ઑફિસરે કહ્યું હતું કે ‘આ ‍‌કાર જેની છે તે પણ આ ટોળકી સાથે સંકળાયેલો હતો. તેની પણ ધરપકડ કરવામાં આવી છે. તે જૂની ફૉલ્ટી કાર અને મોબા​ઇલ ખરીદે છે, રિપેર કરે છે અને વેચી નાખે છે. અમને જે હથિયારો મળ્યાં છે એના ફોટો તેના મોબાઇલમાંથી મળી આવ્યા છે. પકડાયેલા બીજા બે જણ પ્લમ્બરનું કામ કરે છે. તેમની સામે કોઈ જૂનો રેકૉર્ડ નથી. તેમના એક સાથી સામે એકાદ કેસ આ પહેલાં નોંધાયેલો છે. એ લોકો કોને ત્યાં લૂંટ કરવા જઈ રહ્યા હતા કે આ પહેલાં ક્યાંય લૂંટ કરી છે કે નહીં એની અમે તપાસ ચલાવી રહ્યા છીએ.’

bhiwandi crime news news mumbai crime news mumbai police mumbai news