30 June, 2025 06:55 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
હેમલ ઝાલાવાડિયા (પટેલ)
ભિવંડીના અંજુર ફાટા નજીક વિહાર કામતઘર રોડ પરની એક સોસાયટીમાં રહેતા મેકૅનિકલ એન્જિનિયર હેમલ ઝાલાવાડિયા (પટેલ)ની બાઇક શુક્રવારે સવારે ભિવંડીના માનકોલી નજીક સામેથી સ્પીડમાં આવતી કાર સાથે અથડાતાં તેનું મૃત્યુ થયું હતું. આ મામલે ભિવંડીના નારપોલી પોલીસે બેદરકારીપૂર્વક કાર ચલાવવા બદલ કૈલાસ સત્વે સામે ફરિયાદ નોંધીને તેની ધરપકડ કરી છે.
શુક્રવારે સવારે ૩૨ વર્ષનો હેમલ ઘરેથી બાઇક પર પવઈમાં આવેલી ઑફિસ જઈ રહ્યો હતો ત્યારે સામેથી આવતી કાર સાથે બાઇક અથડાઈ હતી જેમાં ગંભીર ઈજા થતાં તેનું મૃત્યુ થયું હતું. નાની ઉંમરે હેમલનું મૃત્યુ થતાં લેઉવા પટેલ સમાજમાં શોકની લાગણી પ્રસરી છે.
હેમલના મોટા પપ્પા રમેશ ઝાલાવાડિયાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘હેમલ પવઈમાં આવેલી કંપનીમાં મેકૅનિકલ એન્જિનિયર હતો. રોજ સવારે ઘરેથી આઠ વાગ્યે નીકળીને પોતાની બાઇક પર માનકોલી જતો હતો અને ત્યાંથી તેની કંપનીની કાર તેને લેવા માટે આવતી હતી. શુક્રવારે સવારે પોતાની બાઇક પર માનકોલી જવા માટે ઘરેથી સાડાસાત વાગ્યે નીકળ્યો હતો. સવારે ૧૦ વાગ્યે નારપોલી પોલીસ-સ્ટેશનના અધિકારીઓએ મને ફોન કરીને હેમલનો માનકોલી વળપાડા નજીક અકસ્માત થયો હોવાની માહિતી આપતાં કહ્યું હતું કે અમે હેમલને હૉસ્પિટલ લઈ જઈએ છીએ, તમે તાત્કાલિક ત્યાં પહોંચો. થોડી વારમાં અમે હૉસ્પિટલ પહોંચ્યા હતા જ્યાં હાજર ડૉક્ટરે હેમલને મૃત્યુ પામેલો જાહેર કર્યો હતો. ડૉક્ટરના કહેવા મુજબ અકસ્માતમાં હેમલની પાંસળીઓ તૂટી ગઈ હતી. એ ઉપરાંત કમરમાં પણ ગંભીર ઈજા થઈ હતી એને કારણે આંતરિક બ્લીડિંગ મોટા પ્રમાણમાં થતાં તેનું મૃત્યુ થયું હતું. હેમલનાં લગ્ન ચાર વર્ષ પહેલાં થયાં હતાં. હાલમાં તેની પત્નીને સારા દિવસો ચાલી રહ્યા છે. દુઃખ હેમલના મૃત્યુનું તો છે જ પણ એનાથી વધુ દુઃખ એનું છે કે તે પોતાના બાળકનું મોઢું પણ જોઈ ન શક્યો. આ ઘટના બાદ તેની પત્ની ભારે શોકમાં છે. આજે સાંજે ૪થી ૬ વાગ્યા દરમ્યાન ભિવંડીના શિવાજી ચોકના ભાવે કમ્પાઉન્ડના સ્વામીનારાયણ મંદિરમાં તેનું બેસણું રાખવામાં આવ્યું છે.’