છેતરપિંડી કરતા વધુ ચાર પેટ્રોલ-પમ્પ પકડાયા

19 June, 2017 07:28 AM IST  | 

છેતરપિંડી કરતા વધુ ચાર પેટ્રોલ-પમ્પ પકડાયા


ગ્રાહકોને પેટ્રોલ ઓછું આપવાના રૅકેટનો થાણે ક્રાઇમ બ્રાન્ચ યુનિટ-૧ની ટીમે  શનિવારે પર્દાફાશ કરીને બે પેટ્રોલ-પમ્પો પર ગેરરીતિ પકડ્યા બાદ વધુ ચાર પેટ્રોલ-પમ્પો પર શનિવારે મોડી રાતે અને ગઈ કાલે રેઇડ પાડવામાં આવી હતી. આ પમ્પો પર ગ્રાહકો સાથે છેતરપિંડી કરવામાં આવતી હોવાનું તોલમાપ નિયંત્રણ વિભાગ અને પોલીસની તપાસમાં જણાઈ આવ્યું હતું.

ભિવંડી, ખોપોલી, પુણે અને નાશિકમાં એક-એક પેટ્રોલ-પમ્પ પર પોલીસની અલગ-અલગ ટુકડીઓએ રેઇડ પાડીને ગ્રાહકોને પેટ્રોલ ઓછું આપવાના કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો.

થાણે ક્રાઇમ બ્રાન્ચના ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ અભિષેક ત્રિમુખેએ ગઈ કાલે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘ભિવંડી-કલ્યાણ રોડ પર કોનગાવમાં બે પેટ્રોલ-પમ્પ પર રેઇડ પાડવામાં આવી હતી એમાંથી એક પમ્પ બંધ હતો, જ્યારે અન્ય એક પમ્પના ચેકિંગમાં ગેરરીતિ જોવા મળતાં એને સીલ કરી દેવામાં આવ્યો છે. એ ઉપરાંત ખોપોલી, પુણે અને નાશિકમાં એક પેટ્રોલ-પમ્પ પર ગ્રાહકોને પેટ્રોલ-ડીઝલ ઓછું અપાતું હોવાનું કૌભાંડ પકડી પાડ્યું હતું.’

પેટ્રોલ-પમ્પ પર પેટ્રોલ-ડીઝલના ડિસ્પેન્સિંગ યુનિટના અંદરના ભાગમાં પલ્સર નામના હિસ્સામાં એક ચિપ બેસાડવામાં આવે છે. એ ચિપ્સને પેટ્રોલ ભરી આપતા કર્મચારીઓ કમાન્ડ આપીને પેટ્રોલ ઓછું આપી શકે છે. ગ્રાહકોને એક પમ્પ પર પાંચ લીટરે ૭૦૦ મિલીલીટર પેટ્રોલ-ડીઝલ ઓછું અપાતું હોવાનું જણાઈ આવ્યું હતું. હજી વધુ પેટ્રોલ-પમ્પ પર અમે ચેકિંગ-ઝુંબેશ ચાલુ રાખીશું.’