ભિવંડીના ખેડૂતે લીધું ૩૦ કરોડનું હેલિકૉપ્ટર

16 February, 2021 08:05 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ભિવંડીના ખેડૂતે લીધું ૩૦ કરોડનું હેલિકૉપ્ટર

પ્રતીકાત્મક તસવીર

ભિવંડીના અનેક ખેડૂતોએ તેમની જમીન પર ગોડાઉન અને મકાનો બનાવી પૈસા બનાવ્યા છે અને અનેક વૈભવી કાર વસાવી છે, પણ હવે ભિવંડીના વડપેના એક ખેડૂત જનાર્દન ભોઈરેએ પોતાની જમીન પર પહેલાં ગોડાઉન બનાવ્યાં ત્યાર બાદ કન્સ્ટ્રક્શનના વ્યવસાયમાં ઝંપલાવી અન્ય ડેવલપરોને પણ જમીન વિકસાવવા આપી અને ત્યાર બાદ પોતાના દૂધના અને અન્ય ધંધા પણ વિકસાવ્યા. હવે તેમને એ ધંધા માટે ગુજરાત, પંજાબ એમ અલગ-અલગ જગ્યાએ જવું પડે છે. ત્યાંના લોકોને પણ અહીં બોલાવવા પડે છે. એથી તેમણે પોતાની અવરજવર ઝડપી અને સહેલી બને એ માટે પોતાનું જ ૩૦ કરોડ રૂપિયાના ખર્ચે હેલિકૉપ્ટર ખરીદ્યું છે.

હેલિકૉપ્ટરના લૅન્ડિંગ અને ટેક-ઑફ માટે વડપેમાં તેમણે ખાસ હૅલિપેડ બનાવ્યું છે અને એની ફરતે સંરક્ષક દીવાલ પણ તૈયાર કરાઈ છે. હેલિકૉપ્ટરની એક્ચ્યુઅલ ડિલિવરી ૧૫ માર્ચે મળવાની છે, પણ હાલમાં જ એવિએશન કંપનીના એન્જિનિયર્સ અને અન્ય ટેક્નિકલ સ્ટાફે હેલિકૉપ્ટર સાથે વડપેમાં ટેસ્ટિંગ માટે ઉતરાણ કર્યું હતું અને એનું હૅન્ગર અને અન્ય બાબતો ચકાસી હતી.

mumbai mumbai news bhiwandi