ભિવંડીની ઘટનામાં સમયસૂચકતાને લીધે ૨૩ કામગારો બચી ગયા

02 February, 2021 12:49 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ભિવંડીની ઘટનામાં સમયસૂચકતાને લીધે ૨૩ કામગારો બચી ગયા

પ્રતીકાત્મક તસવીર

મુંબઈથી નજીક ભિવંડીના માનકોલી નાકાના હરિહર કમ્પાઉન્ડમાં આવેલું મેસર્સ શેડોફેક્સ ગોડાઉન પ્રાઇવેટ લિમિટેડનું ગ્રાઉન્ડ પ્લસ વનનું ગોડાઉન ગઈ કાલે સવારે ૧૦.૨૫ વાગ્યે તૂટી પડ્યું હતું. મૂળ એ ગોડાઉન નીલેશ પાટીલની માલિકીનું છે જે ત્યાર બાદ સંજય રાઠોડને ચલાવવા આપવામાં આવ્યું હતું. ૧૫ વર્ષ જૂના આ ગોડાઉનના કાટમાળ હેઠળ આઠ લોકો ફસાઈ ગયા હતા. આ દુર્ઘટનામાં ૩૫ વર્ષના સિક્યૉરિટી ગાર્ડ સૌરભ ત્રિપાઠીનું ગંભીર ઈજા થવાથી ઘટનાસ્થળે જ મોત થયું હતું, જ્યારે અન્ય સાત લોકોને નાની-મોટી ઈજા થઈ હતી.

આ ઘટના બની ત્યારે ગોડાઉનમાં ૩૧ જેટલા કામદારો કામ કરી રહ્યા હતા. ગોડાઉન  પડી રહ્યું છે એની જાણ થતાં ૨૩ કામદારો બહાર દોડી ગયા હતા, જ્યારે અન્ય આઠ જણ કાટમાળ હેઠળ ફસાઈ ગયા હતા.

ઘટનાની જાણ થતાં જ ફાયરબ્રિગેડનાં ત્રણ ફાયર-એન્જિન અને પાંચ ઍમ્બ્યુલન્સ ઘટનાસ્થળે ધસી ગયાં હતાં. એ સિવાય થાણે ડિઝૅસ્ટર રિસ્પૉન્સ ફોર્સના પંદર જવાનો અને એનડીઆરએફ (નૅશનલ ડિઝૅસ્ટર રિસ્પૉન્સ ફોર્સ)ના ૧૫ જવાનો બચાવકાર્ય માટે દોડી ગયા હતા. પોલીસ અને ટીએમસી (થાણે મ્યુનિસિપલ કૉર્પોરેશન)ના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. જેસીબી અને પોક્લેઇન મશીનની મદદથી કલાકોની જહેમત બાદ આઠ જણને બહાર કાઢવામાં આવ્યા હતા. ઘાયલ લોકોને ભિવંડીની ઇન્દિરા ગાંધી મેમોરિયલ હૉસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે.

mumbai mumbai news bhiwandi