ભિવંડીમાં ગૌરક્ષક વકીલ પર થયેલા હુમલાના વિરોધમાં બંધ પાળીને કાઢવામાં આવ્યો મોરચો

07 August, 2012 05:22 AM IST  | 

ભિવંડીમાં ગૌરક્ષક વકીલ પર થયેલા હુમલાના વિરોધમાં બંધ પાળીને કાઢવામાં આવ્યો મોરચો

ગૌરક્ષાના આ મોરચામાં ચાર ગાયને પણ સામેલ કરવામાં આવી હતી. આ મોરચો ડેપ્યુટી પોલીસ-કમિશનર એમ. કે. ભોસલેની ઑફિસ સુધી લઈ જવામાં આવ્યો હતો. આ મોરચામાં ગુજરાતી જૈન સમાજના ૧૦૦૦થી વધુ લોકો સામેલ થયા હતા. ભિવંડીમાં ઝોન-બેની પોલીસે બીજેપીના નેતાઓ સંજય કેળકર, વિષ્ણુ સાવરા તથા શિવસેનાના નેતા રૂપેશ મ્હાત્રે સહિત ૧૩૨ લોકોની ધરપકડ કરી હતી. ડેપ્યુટી પોલીસ-કમિશનર એમ. કે. ભોસલેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ભિવંડી બંધ અને મોરચાને પગલે ગઈ કાલે અમે ચુસ્ત પોલીસ-બંદોબસ્ત ગોઠવી દીધો હતો. મોરચામાં સામેલ લોકોએ ભિવંડીમાં બે બસ પર પથ્થર પણ ફેંક્યા હતા. આ સંદર્ભે અમે જુદા-જુદા છ કેસ નોંધીને ૧૩૨ લોકોની ધરપકડ કરી હતી.’

 

મુંબઈમાં એક પત્રકાર-પરિષદને સંબોધતાં વીએચપીના કેન્દ્રીય સહ-સંગઠન મંત્રી વ્યન્કટેશ આબદેવે કહ્યું હતું કે આ કેસમાં પોલીસે તમામ આરોપીઓની ધરપકડ કરીને ગુનેગારોને સજા કરવી જોઈએ.

નાલાસોપારામાં પણ મોરચો અને દુકાનો બંધ

મનોજ રાયચા પર ભિવંડીમાં થયેલા હુમલાના વિરોધમાં ગઈ કાલે નાલાસોપારામાં મોરચો કાઢવામાં આવ્યો હતો અને પછી પોલીસ-સ્ટેશન સામે ધરણાં કરવામાં આવ્યાં હતાં. ગઈ કાલે આ હુમલાના વિરોધમાં નાલાસોપારામાં ભારતીય ગૌસંરક્ષણ સંવર્ધન પરિષદ અને હિન્દુ બજરંગ દળે મોરચો કાઢ્યો હતો. આ મોરચામાં ૨૫૦થી પણ વધુ લોકો સામેલ થયા હતા. એમાં મહિલાઓ પણ જોડાઈ હતી. નાલાસોપારામાં મોરચો કાઢ્યા બાદ તેમણે નાલાસોપારા પોલીસ-સ્ટેશનની સામે બે કલાક ધરણાં કર્યા હતાં તેમ જ પોલીસ-સ્ટેશનમાં નિવેદન આપીને આ હુમલાનો વિરોધ કર્યો હતો. વિરોધ દર્શાવવા નાલાસોપારાની ઘણી દુકાનો પણ બંધ હતી. મોરચાને કારણે નાલાસોપારામાં ટ્રાફિક જૅમ પણ જોવા મળ્યો હતો.   

- તસવીર : હનીફ પટેલ