ભીમા કોરેગાંવ કેસ: તપાસ પંચ સમક્ષ હાજર થયા શરદ પવાર, આપ્યું આ નિવેદન

05 May, 2022 07:09 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

નિવેદનમાં તેમણે કાર્યકરો સામે IPCની કલમ 124A (રાજદ્રોહ) લગાવવા બદલ પોલીસ કાર્યવાહીની નિંદા કરી હતી.

ફાઇલ તસવીર

રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટીના વડા શરદ પવાર ગુરુવારે મુંબઈના સહ્યાદ્રી ગેસ્ટ હાઉસમાં ભીમા કોરેગાંવ હિંસાની તપાસ કરી રહેલા ન્યાયિક પંચ સમક્ષ હાજર થયા હતા. તેમના નિવેદનમાં તેમણે કાર્યકરો સામે IPCની કલમ 124A (રાજદ્રોહ) લગાવવા બદલ પોલીસ કાર્યવાહીની નિંદા કરી હતી.

ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન પવારે કહ્યું હતું કે “રાજદ્રોહ જેવા પગલાં વ્યક્તિગત સ્વતંત્રતાનું ઉલ્લંઘન કરે છે. શાંતિપૂર્ણ અને લોકતાંત્રિક રીતે અસંમતિ વ્યક્ત કરવાનો અધિકાર છીનવી લે છે. ન્યાયિક તપાસ પંચ સમક્ષ પોતાના નિવેદનમાં પવારે કહ્યું કે “ભારતીય દંડ સંહિતાની કલમ 124A (રાજદ્રોહ) સ્વતંત્રતાને દબાવવા અને શાંતિપૂર્ણ અને લોકતાંત્રિક રીતે ઊઠેલા કોઈપણ અસંમતિના અવાજને દબાવવા માટે કરવામાં આવે છે. રાજ્યસભાના સભ્ય તરીકે, હું આ મુદ્દો સંસદ જેવા યોગ્ય મંચ પર ઉઠાવવાનું વચન આપું છું.”

પવારે કહ્યું કે કાયદો અને વ્યવસ્થા જાળવવી અને અસામાજિક તત્વોને ઘૂસણખોરી કરતા અને શાંતિપૂર્ણ વિરોધમાં વિક્ષેપ ઊભો કરતા અટકાવવા પગલાં લેવા પોલીસની જવાબદારી છે. પવારે કહ્યું કે “જ્યારે પણ કોઈ રાજકીય નેતા લોકોને સંબોધિત કરે છે ત્યારે તેમણે જરૂરી સાવચેતી રાખવી જોઈએ. નેતાના ભાષણમાં કોઈ ઉશ્કેરણીજનક બાબતો ન હોવી જોઈએ. જો કોઈ નેતા આવા ભાષણો કરે છે, તો તેણે તેના પરિણામો માટે તૈયાર રહેવું જોઈએ.”

તમને જણાવી દઈએ કે 1 જાન્યુઆરી, 2018ના રોજ, ભીમા કોરેગાંવ યુદ્ધની 200મી વર્ષગાંઠના દિવસે, લાખો લોકો પુણેના બહારના ભાગમાં આવેલા ભીમા કોરેગાંવ ગામમાં ગયા હતા. જ્યારે લોકો રસ્તામાં હતા ત્યારે હિંસા ફાટી નીકળી હતી જેમાં ઘણા લોકો ઘાયલ થયા હતા. મહારાષ્ટ્ર પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, બે અગ્રણી નેતા મિલિંદ એકબોટે અને મનોહર ઉર્ફે સંભાજી ભીડે કથિત રીતે હુમલાના માસ્ટરમાઇન્ડ હતા.

mumbai mumbai news sharad pawar nationalist congress party