ડિપ્રેશનમાં સરી પડેલા ભાઈંદરના ગુજરાતી બિઝનેસમૅન મિસિંગ

16 June, 2023 12:23 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પરિવારે ભાઈંદર-ઈસ્ટના નવઘર પોલીસ સ્ટેશનમાં તેમના મિસિંગ થવાની ફરિયાદ પણ નોંધાવી છે

વિપુલ વલ્લભભાઈ ગોહિલ

ભાઈંદર-ઈસ્ટના ન્યુ ગોલ્ડન નેસ્ટમાં રહેતા ૪૦ વર્ષના વિપુલ વલ્લભભાઈ ગોહિલ ડિપ્રેશનની અસર હેઠળ ૪ જૂને બપોરે ૩.૩૦ વાગ્યે ઘરે કોઈને કંઈ પણ કહ્યા વગર નીકળી ગયા છે. ત્યાર બાદ તેમનો કોઈ પત્તો નથી. તેઓ પિતા, પત્ની અને બાળકોને આ રીતે મૂકીને નીકળી જતાં પરિવાર મૂંઝાઈ ગયો છે. પરિવારે ભાઈંદર-ઈસ્ટના નવઘર પોલીસ સ્ટેશનમાં તેમના મિસિંગ થવાની ફરિયાદ પણ નોંધાવી છે. પોલીસ અને પરિવાર બન્ને તેમને બને એટલી જગ્યાએ શોધી રહ્યા છે.

વિપુલના મિસિંગ થવા બદલ માહિતી આપતાં તેના પિતા વલ્લભભાઈએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે ન્યુ ગોલ્ડન નેસ્ટમાં ૧૫ વર્ષથી રહીએ છીએ. હું અને વિપુલ બંને સાથે જ ઘરના ધંધામાં છીએ. અમારું વસઈમાં ફૅબ્રિકેશનનું કામ છે, પણ હાલ મંદી હોવાથી કામ ઓછું રહે છે. વિપુલ પરિણીત છે અને તેને બે બાળકો પણ છે. વિપુલ થોડો થોથવાય છે. તે હંમેશાં વિચારોમાં ખોવાયેલો રહે છે. તેને એમ થાય કે આમ કરીએ તો ધંધો વધે, તેમ કરીએ તો ધંધો વધે; પણ ઍક્ચ્યુઅલમાં તે જેવું વિચારે એ પ્રમાણે થાય નહીં એથી વધુ ને વધુ ડિપ્રેશનમાં સરતો જાય. ઘટનાના દિવસે પણ તે વિચારોમાં જ હતો અને બપોરે ૩.૩૦ વાગ્યે મોબાઇલ ઘરમાં જ મૂકીને નીકળી ગયો છે. તેની પાસે બહુ-બહુ તો ૨૦૦થી ૫૦૦ રૂપિયા જ હશે.’

મૂળ અમરેલી જિલ્લાના ખાંભા ગામના લુહાર સુતાર જ્ઞાતિના વલ્લભભાઈએ ​વધુ માહિતી આપતાં કહ્યું હતું કે ‘વિપુલ ઘરે પાછો ન આવતાં અમે તેની શોધ શરૂ કરી હતી. અમે નવઘર પોલીસમાં પણ ફરિયાદ કરી છે. સોસાયટીના સીસીટીવી કૅમેરાનાં ફુટેજ ચેક કર્યાં તો તે સોસાયટીમાંથી નીકળીને રિક્ષામાં બેસતો જોવા મળ્યો હતો. ત્યાર બાદ તેનો કોઈ પત્તો નથી. અમે મિત્રો, સંબંધી બધે જ તેની તપાસ કરી છે, પણ તે નથી મળી રહ્યો. પોલીસ પણ તપાસ કરી રહી છે. હું હવે ગામ તરફ જૂનાગઢ આવ્યો છું અને અમે ત્યાં પણ તેની શોધ ચલાવી રહ્યા છીએ.’
જો કોઈને વિપુલ ગોહિલ વિશે કોઈ પણ માહિતી હોય તો વલ્લભભાઈ અને તેમના પરિવારનો ૯૮૨૦૦૭૩૦૩૮ / ૭૭૩૮૮૦૦૬૮૮ / ૮૦૮૭૭૨૩૩૯૮ / ૮૮૭૯૩૧૬૧૩૭ નંબર પર સંપર્ક કરવા વિનંતી છે. 

bhayander gujarati community news mumbai mumbai news