ભાઇંદરમાં દેશનો પહેલો સ્ટેનલેસ સ્ટીલ બ્રિજ બંધાશે

30 May, 2020 01:30 PM IST  |  Mumbai | Rajendra B Aklekar

ભાઇંદરમાં દેશનો પહેલો સ્ટેનલેસ સ્ટીલ બ્રિજ બંધાશે

ભાઇંદર સ્ટેશને કુલ ત્રણ ફુટઓવરબ્રિજ છે

લૉકડાઉનના માહોલમાં રેલવે તંત્ર મુંબઈની ઉપનગરીય રેલવે સર્વિસના ભાઈંદર રેલવે-સ્ટેશન પર દેશનો પ્રથમ સ્ટેનલેસ સ્ટીલનો ફુટ ઓવરબ્રિજ બાંધવાની તૈયારી કરે છે. મુંબઈમાં રેલવે-બ્રિજ તૂટી પડવાની અનેક દુર્ઘટનાઓ પછી કાટ અને ઘસારો લાગવાની સમસ્યાથી છુટકારા માટે રિસર્ચ ડિઝાઇન્સ ઍન્ડ સ્ટાન્ડર્ડ્સ ઑર્ગેનાઇઝેશન (RDSO)ના તંત્રે લૉકડાઉનના દિવસોમાં મંજૂર કરેલો બ્રિજ રેલવે મંત્રાલયની કંપની બ્રેઇથવેઇટ કંપની લિમિટેડ સાથે મળીને પશ્ચિમ રેલવે આ બ્રિજ બાંધશે. કલકત્તાનો હાવડા બ્રિજ બાંધનારી બ્રેઇથવેઇટ કંપનીને દેશનો પ્રથમ સ્ટેનલેસ સ્ટીલ ફુટ ઓવરબ્રિજ બાંધવાનું કામ સોંપાશે.

૨.૭ મીટર પહોળા બ્રિજના સ્થાને ૧૦ મીટર પહોળો અને ૬૭ મીટર લાંબો બ્રિજ ભાઈંદર રેલવે-સ્ટેશનનાં તમામ પ્લૅટફૉર્મ્સને આવરી લેશે. આ બ્રિજનું બાંધકામ શરૂ થયા પછી જૂનો બ્રિજ પ્રવાસીઓ માટે બંધ કરવામાં આવશે. સ્ટીલના બ્રિજનું બાંધકામ આ વર્ષના અંત સુધીમાં પૂરું થવાની શક્યતા છે. સ્ટેનલેસ સ્ટીલને કારણે પ્રોજેક્ટમાં ૨૫ ટકા વધારે ખર્ચની શક્યતા છે, પરંતુ એ ખર્ચની સામે બ્રિજના માળખાને કાટ કે ઘસારો લાગવાની સંભાવના ઘટી જશે.

ઇન્ડિયન સ્ટેનલેસ સ્ટીલ ડેવલપમેન્ટ અસોસિએશન (ISSDA)ના પ્રમુખ કે. કે. પાહુજાએ જણાવ્યું હતું કે ‘અમારું અસોસિએશન બ્રિજના બાંધકામ માટે ટેક્નિકલ માહિતી અને સહકાર આપવા તૈયાર છે. ભારતના ૧,૩૫,૦૦૦ રેલવે-બ્રિજમાંથી ૨૫ ટકા બ્રિજ ૧૦૦ વર્ષ કરતાં વધારે જૂના છે. એ બધા બ્રિજની જગ્યાએ નવા બ્રિજ બાંધવાની જરૂર છે. દર વર્ષે જૂના બ્રિજની જગ્યાએ સરેરાશ ૧૦૦૦ નવા બ્રિજ બંધાય છે છતાં નબળા પડેલા જૂના બ્રિજના સ્થાને નવા બ્રિજ બાંધવાની કામગીરી ઝડપથી આગળ ધપાવવાની જરૂર છે.’

mumbai mumbai news mumbai local train bhayander rajendra aklekar