ઇલાજ માટે રાખેલા પૈસા ફ્રૉડમાં ગુમાવ્યા

06 August, 2022 11:28 AM IST  |  Mumbai | Priti Khuman Thakur

ભાઈંદરનાં ૭૬ વર્ષનાં જૈન સિનિયર સિટિઝનના અકાઉન્ટમાંથી ઇલેક્ટ્રિ​સિટીનું બિલ ભરવાના નામે પોણાચાર લાખ રૂપિયા જતા રહ્યા : કીમોથેરપી અને અન્ય ઇલાજ માટે બચાવેલા પૈસા આવી રીતે ગુમાવતાં ચિંતામાં તબિયત લથડી

મહેનતથી ભેગા કરેલા પૈસા જતા રહેતાં બા ચિંતાતુર ચહેરે અને જલદી પાછા મળી જશે એ આશાએ બેઠાં છે.

ભાઈંદર-વેસ્ટમાં દેવચંદનગરમાં બાવન જિનાલયની પાછળ રહેતાં ૭૬ વર્ષનાં ગુજરાતી સિનિયર સિટિઝને પોતાના ઇલાજ માટે રાખેલી જમાપૂંજી સાઇબર ફ્રૉડમાં ગુમાવી દીધી હોવાથી તેઓ ખૂબ ચિંતામાં આવી જતાં તેમની તબિયત લથડી ગઈ છે. જોકે પોતાના પૈસા જલદી મળશે એ આશામાં આ બા રાહ જોઈને બેઠાં છે.

ભાઈંદરનાં ૭૬ વર્ષનાં ગુજરાતી બા પ્રજ્ઞા જગદીશ દોશીનું તેમના દીકરા રાકેશ દોશી સાથે જૉઇન્ટ અકાઉન્ટ છે. મમ્મીને બ્રેસ્ટ-કૅન્સર હોવાથી ઑપરેશન કરાવ્યા બાદ પણ થોડો વખત કીમોથેરપી લેવી પડે છે એમ જણાવીને રાકેશે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મમ્મીને કૅન્સર હોવાથી ઑપરેશન પણ કર્યું હતું, પરંતુ અમુક વખતે તેમને કીમો આપવો પડે છે. એથી તેમની તબિયત બરાબર રહેતી નહોતી. મમ્મીના અમુક દાગીના વેચીને જૉઇન્ટમાં અકાઉ‌ન્ટ શરૂ કર્યું હતું. આ પૈસાથી મમ્મીનો ઇલાજ વગેરે થતું હતું.’

રાકેશભાઈએ વધુમાં કહ્યું હતું કે ‘લાઇટબિલ માટે ૧૧ જુલાઈએ સાંજે સાત વાગ્યે ફોન આવ્યો અને બિલ ભરવા કસ્ટમર કૅરના નંબર પર ફોન કરો એમ કહેતાં અમે ઑનલાઇન નંબર શોધ્યો, પરંતુ એ મળ્યો નહીં. એથી ફરી અમે જ્યાંથી ફોન આવ્યો હતો એને જાણ કરી કે ફોન લાગતો નથી. એથી તેમણે અમને એક લિન્ક મોકલી હતી અને એ લિન્ક પર ક્લિક કરીને બિલ ભરવાની કોશિશ કરી હતી. દરમ્યાન અમારા અકાઉન્ટમાંથી થોડા-થોડા પૈસા કપાવા લાગ્યા હતા. સામેવાળાએ કહ્યું કે ચિંતા ન કરતા, બિલ કરતાં બાકીના પૈસા તમને પાછા આપી દેવામાં આવશે. એમ કહીને તેણે ફોન મૂકી દીધો હતો. ગણતરીની મિનિટોમાં મેસેજ આવવા લાગ્યા અને ૧૦,૦૦૦ રૂપિયા, ૨૪,૯૯૦ રૂપિયા એમ કરીને ૩ લાખ ૪૦ હજાર રૂપિયા જતા રહ્યા હતા. થોડો વખત તો અમને સમજાઈ જ રહ્યું નહોતું કે આ શું થઈ રહ્યું છે? ત્યાર બાદ તરત જ અમે અકાઉન્ટ બ્લૉક કરાવી દીધું હતું. પોલીસના જણાવ્યા પ્રમાણે અમે રાતે સાઇબર પોલીસમાં ઑનલાઇન ફરિયાદ કરી હતી. પોલીસની પાછળ પડીને છેક પાંચ દિવસ બાદ અમારી પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધી હતી. આટલા દિવસો વીતી ગયા છતાં કંઈ નક્કર પોલીસના હાથમાં લાગ્યું નથી. મમ્મીને આ વાતની ખૂબ ચિંતા થઈ રહી હોવાથી તેની તબિયત પણ લથડી ગઈ છે.’

 

mumbai mumbai news bhayander mumbai crime news Crime News preeti khuman-thakur