યુવતીનું સોશ્યલ મીડિયા પર બોગસ અકાઉન્ટ બનાવીને બીભત્સ ફોટો અને ચૅટ વાઇરલ કર્યાં

03 December, 2022 11:14 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સાત વર્ષ પહેલાં કૉલેજમાં સાથે ભણતા યુવકે ભાઈંદરમાં રહેતી યુવતી સાથે આવું કરતાં પોલીસે ફરિયાદ નોંધી

પ્રતીકાત્મક તસવીર

ભાઈંદરમાં રહેતી ૨૫ વર્ષની યુવતીનું એક વર્ષ પહેલાં સોશ્યલ મીડિયા પર તેના ફોટોનો ઉપયોગ કરીને બોગસ અકાઉન્ટ તૈયાર કરવામાં આવ્યું હતું. એટલું જ નહીં, એ અકાઉન્ટથી યુવતીના સંબંધીઓ સાથે બોલ્ડ ચૅટ પણ કરવામાં આવતી હતી. યુવતીને આ વિશે જાણ થતાં તેણે સાઇબર પોલીસ-સ્ટેશનમાં આ ઘટનાની ફરિયાદ કરી હતી. એના આધારે ટેક્નિકલ તપાસ કરીને આશરે સાત વર્ષ પહેલાં કૉલેજમાં તેની સાથે અભ્યાસ કરતા યુવકે માત્ર યુવતીને બદનામ કરવા આવું કૃત્ય કર્યું હોવાનું જણાતાં પોલીસે તેની સામે ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી છે. આરોપી યુવાન હાલમાં ગુજરાત નાસી ગયો હોવાનું પોલીસને જાણવા મળ્યું છે.

ભાઈંદર-ઈસ્ટમાં કૅબિન ક્રૉસ રોડ પરની એક સોસાયટીમાં રહેતી ૨૫ વર્ષની સવિતા ઠક્કરે કરેલી ફરિયાદ અનુસાર છેલ્લાં પાંચ વર્ષથી તે ઇન્સ્ટાગ્રામ પર અકાઉન્ટ ધરાવે છે. ડિસેમ્બર ૨૦૨૧માં એક બોગસ અકાઉન્ટ તૈયાર કરીને એમાં સવિતાના તમામ ફોટો અપલોડ કરવામાં આવ્યા હતા, જેના પરથી સવિતાના કેટલાક સંબંધીઓ અને મિત્રોને રિક્વેસ્ટ મોકલવામાં આવી હતી. થોડા દિવસ બાદ બોગસ અકાઉન્ટથી તમામને મેસેજ પણ આવવાની શરૂઆત થઈ હતી, જેની જાણ સવિતાને થતાં તેણે મીરા રોડના સાઇબર વિભાગમાં ફરિયાદ નોંધાવી હતી. એ પછી પોલીસે ટેક્નિકલ તપાસ કરીને જે આઇપી ઍડ્રેસ પરથી અકાઉન્ટ ઑપરેટ થતું હતું એની માહિતી મેળ‍વી હતી. એમાં ભાઈંદરમાં બી. પી. રોડ પર રહેતો રાહુલ દરજી અકાઉન્ટ ઑપરેટ કરતો હોવાનું જણાતાં સાઇબર વિભાગે આ ઘટનાનો એફઆઇઆર શુક્રવારે સાંજે નવઘર પોલીસ-સ્ટેશનમાં નોંધાવ્યો હતો.

મીરા રોડના સાઇબર વિભાગના સિનિયર ઇન્સ્પેક્ટર સુજિતકુમાર ગુંજકરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમારી પાસે ફરિયાદ આવતાં અમે તમામ ટેક્નિકલ તપાસ કરીને આરોપીની ઓળખ મેળ‍વી વધુ તપાસ માટે નવઘર પોલીસ-સ્ટેશનમાં યુવતીને ફરિયાદ નોંધાવવા જણાવ્યું છે. આરોપીની ધરપકડ અને વધુ તપાસ હવે નવઘર પોલીસ કરશે.

નવઘર પોલીસ-સ્ટેશનના તપાસ અધિકારી ઇન્સ્પેક્ટર પ્રકાશ મસલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગઈ કાલે સાંજે અમે ફરિયાદ નોંધી છે. આરોપી હાલમાં ગુજરાત ગયો હોવાથી તેની વધુ માહિતી મેળવીને તેની ધરપકડ કરીશું.’

mumbai mumbai news Crime News mumbai crime news