ઉઘરાણી કરવા ગયા, મળ્યું મોત

23 September, 2022 11:13 AM IST  |  Mumbai | Bakulesh Trivedi

આરોપી પાસેથી ઘણા વખતથી ચાર લાખ રૂપિયા લેવાના બાકી હતા : ભાઈંદરના જ્વેલર કીર્તિ કોઠારીની રત્નાગિરિમાં હત્યા : ગળું દબાવી હત્યા કરી મૃતદેહ ગૂણીમાં ભરીને રાઇ-ભાતગાવની ખાડીમાં ફગાવી દેવાયો : રત્નાગિરિ પોલીસે તપાસ કરીને ત્રણ આરોપીઓને ઝડપ્યા

કીર્તિ કોઠારી

ધંધાની ઉઘરાણી માટે રત્નાગિરિ ગયેલા ભાઈંદરના ૫૫ વર્ષના જ્વેલર કીર્તિ કોઠારીનો હત્યા કરાયેલો મૃતદેહ રત્નાગિરિના રાઇ-ભાતગાવની ખાડીમાંથી બુધવારે મળી આવ્યો હતો. રત્નાગિરિ પોલીસે આ કેસમાં ત્રણ જણની ધરપકડ કરી છે.

કીર્તિ કોઠારી અવારનવાર રત્નાગિરિ ધંધાના કામ માટે જતા હતા. એક પાર્ટી પાસેથી તેમની ઉઘરાણી નીકળતી હતી એ પણ તેમણે કઢાવવાની હતી. રત્નાગિરિ આવ્યા બાદ તેઓ આઠવડા બજારની હંમેશાં ઊતરતા હતા એ શ્રદ્ધા લૉજમાં ઊતર્યા હતા. દિવસ દરમિયાન તેમણે રામઆળીમાં આવેલા જ્વેલર્સની દુકાનોની મુલાકાત લીધી હતી. સોમવારે રાતે તેઓ એમ. જી. રોડથી રાધાકૃષ્ણ નાકા સુધી પગે ચાલીને જઈ રહ્યા હોવાનું સીસીટીવી કૅમેરાનાં ફુટેજમાં જોવા મળ્યું હતું. એ પછી તેમનો કોઈ પત્તો નહોતો. તેમની પાસે એ વખતે ૧૦ લાખના દાગીના હોવાનું કહેવાય છે.  
સોમવાર રાતથી તેમનો ફોન પર સંપર્ક ન થતાં તેમના દીકરાએ રત્નાગિરિના જ્વેલર્સને ફોન કરીને તેમના વિશે પૃચ્છા કરી હતી. જોકે કોઈ સંતોષકારક જવાબ ન મળતાં મંગળવારે નીકળીને બુધવારે તે રત્નાગિરિ આવી પહોંચ્યો હતો. તેણે રત્નાગિરિ સિટી પોલીસ સ્ટેશનમાં તેમના મિસિંગની ફરિયાદ નોંધાવી હતી. 

ઉઘરાણીનો તકાદો લાવતાં મર્ડર 

રત્નાગિરિ સિટી પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર વિનીત ચૌધરીએ આ કેસ વિશ માહિતી આપતાં ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ કેસમાં અમે ​િત્રમૂર્તિ જ્વેલર્સના ૪૬ વર્ષના ભૂષણ ખેડેકર અને તેના બે સાગરીતની ધરપકડ કરી છે. ભૂષણ ખેડેકરે કીર્તિ કોઠારીને કેટલીક રકમ ચૂકવવાની હતી અને એ માટે કીર્તિ કોઠારીએ તેમની પાસે તકાદો કર્યો હતો એટલે ભૂષણ ખેડેકરે લાગ જોઈને કી​ર્તિ કોઠારીનું ગળું ઘોંટીને તેમની હત્યા કરી હતી અને ત્યાર બાદ તેના રિક્ષાવાળા મિત્ર અને અન્ય એક જણની મદદ લઈને તેમનો મૃતદેહ ગૂણીમાં નાખીને ખાડીમાં ફગાવી દીધો હતો. અમે તપાસ કરી ત્રણેને ઝડપી લીધા છે. તેમને કોર્ટમાં હાજર કરતાં કોર્ટે તેમને સાત દિવસની પોલીસ-કસ્ટડી આપી છે. તેમની સામે હત્યા સહિત અન્ય કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.’

ચાર લાખની ઉઘરાણી બે-ત્રણ વર્ષથી બાકી હતી

​કી​ર્તિ કોઠારીના બનેવી રાકેશ મહેતાએ આ વિશે વધુ માહિતી આપતાં ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘​કીર્તિભાઈએ આરોપી જ્વેલર પાસેથી ચાર લાખ રૂપિયા લેવાના નીકળતા હતા, જે તે ત્રણ-ચાર વર્ષથી આપી નહોતો રહ્યો. તે પૈસા આપવાની જ ના પાડતો હતો. કીર્તિભા​​ઈ તેની પાસે ઉઘરાણી કરી રહ્યા હતા. કીર્તિભાઈ તેમનાં પત્ની, બે દીકરા અને એક દીકરી સાથે ભાઈંદર-વેસ્ટના ૬૦ ફીટ રોડ પર આવેલા જેન મંદિર પાસેના ચૈતન્ય બિલ્ડિંગમાં રહેતા હતા. કીર્તિભાઈ ભાઈંદરના ભાજપના નેતા નરેન્દ્ર મહેતાનાં સગાં માસીના દીકરા ભાઈ થાય. સોમવારે રાતે છેલ્લે તેમણે તેમનાં વાઇફ સાથે વાત કરી હતી. એ પછી તેમનો ફોન બંધ આવતો હતો. તેમનો મૃતદેહ ગઈ કાલે રાતે જ લઈને મુંબઈ આવવા અમારા સંબંધી નીકળી ગયા હતા. આજે સવારે ૧૦ વાગ્યે તેમની અંતિમયાત્રા નીકળશે. તેમના અંતિમ સંસ્કાર મૅક્સસ મૉલની બાજુમાં આવેલી સ્મશાનભૂમિમાં કરવામાં આવશે.’

mumbai mumbai news ratnagiri bhayander bakulesh trivedi