હે ભગવાન આ કેવી ટ્રૅજેડી

04 December, 2012 04:24 AM IST  | 

હે ભગવાન આ કેવી ટ્રૅજેડી




(પ્રીતિ ખુમાણ)


ભાઇંદર, તા. ૪


પુત્રને પરણાવવાની હોંશ પૂરી થાય એ પહેલાં જ ભાઇંદરમાં રહેતા બાબુભાઈ સરવૈયા દુનિયા છોડીને ચાલ્યા ગયા : પતિના અવસાનના સમાચાર સાંભળીને બીમાર રહેતી પત્નીની તબિયત પણ વધુ બગડી : જેની બાઇકની અડફેટે આવ્યા તે ગુજરાતી યુવાન પણ જખમી થઈને આઇસીયુમાં


ઘણાં વર્ષો પછી ઘરમાં ખુશી આવવાની રાહ જોઈ રહેલા એક ગુજરાતી સિનિયર સિટિઝન દીકરાને જોવા છોકરીવાળાઓ આવવાના હતા એટલે એક સંબંધીના ઘરે આમંત્રણ આપવા જઈ રહ્યા હતા પણ રસ્તામાં બાઇક-ઍક્સિડન્ટનો ભોગ બનતાં જીવ ગુમાવી બેઠા હતા. બીમાર પત્નીને થોડા દિવસ પહેલાં જ હૉસ્પિટલમાંથી રજા મળી હતી, પણ આ સમાચાર મળતાં તેમની પણ તબિયત વધુ ખરાબ થઈ છે. જે ગુજરાતી યુવકની બાઇકથી ઍક્સિડન્ટ થયો છે તેની હાલત ગંભીર હોવાથી તેને આઇસીયુમાં દાખલ કરવામાં આવ્યો છે.

ભાઈંદર (ઈસ્ટ)ના નવઘર રોડ પર આવેલા શ્રીપાલનગરમાં રહેતા દેસાઈ સઈ સુથાર સમાજના ૬૩ વર્ષના બાબુભાઈ સરવૈયા કાશીમીરામાં આવેલા તેમના એક સંબંધીના ઘરે રવિવારે રાતે લગભગ સાડાનવ વાગ્યાની આસપાસ જઈ રહ્યા હતા. તેમણે ભાઈંદર (ઈસ્ટ)થી કાશીમીરા જવા બસ પકડી હતી. કાશીમીરા રોડ પર તાતાની ગૅલેરી પાસે આવેલા બસ-સ્ટૉપ પાસે તેઓ બસમાંથી ઊતર્યા અને થોડે દૂર પહોંચ્યા ત્યારે ત્યાંથી પસાર થઈ રહેલી પ્રતીક ઠક્કર નામના ૧૮ વર્ષના ગુજરાતી ટીનેજરની પલ્સર બાઇકે તેમને પાછળથી ઉડાડ્યા હતા. સિનિયર સિટિઝનને ગંભીર હાલતમાં નજીકની હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. તેમને માથા પર ભારે માર વાગ્યો હોવાથી બ્રેઇન-હેમરેજ થયું હતું અને થોડી વારમાં જ તેઓ મૃત્યુ પામ્યા હતા.

પરિવારમાં આઘાત

આ વિશે વધુ માહિતી આપતાં બાબુભાઈના મોટા દીકરા અમિત સરવૈયાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ ઍક્સિડન્ટે અમારા આખા પરિવારને એટલા આઘાતમાં નાખી દીધો છે કે કોઈ બોલી ન શકીએ એવી હાલત છે. મારી બન્ને બહેનોનાં લગ્ન થઈ ગયાં છે અને અમે  બન્ને ભાઈઓનાં લગ્ન થયાં નથી એટલે ઘરમાં કોઈ મહિલા નથી. મારી મમ્મીને ૧૧ મહિના પહેલાં સ્પાઇનલ ર્કોડમાં ટીબી થયો હતો એટલે તેઓ મોટા ભાગે બીમાર જ રહે છે. ત્રણથી ચાર દિવસ પહેલાં જ મમ્મીને હૉસ્પિટલમાંથી ડિસ્ચાર્જ મળ્યો હતો. મારા પપ્પા જ હતા જે મમ્મીનું બધું કામ કરતા હતા. મારી મમ્મી ઊભી પણ નથી થઈ શકતી એટલે કોઈ પણ કામ તે બેડ પર જ કરે છે. ગઈ કાલે સાંજે ચારથી પાંચ વાગ્યાની આસપાસ મને છોકરીવાળા જોવા આવવાના હતા. હું ૩૨ વર્ષનો છું એટલે મારા પિતા મારાં લગ્ન વિશે ખૂબ ઉત્સાહિત હતા. કાશીમીરામાં વાગડનગરમાં રહેતા મારા પપ્પાના દૂરના એક ભાઈ વચ્ચે રહીને એક છોકરીનું માગું લાવ્યા હતા એટલે તેમને આમંત્રણ આપવા પપ્પા તેમના ઘરે ગયા હતા, પણ રવિવારે રાતે અમને ફોન આવ્યો અને આ અકસ્માત વિશે જાણ થતાં હું તરત જ હૉસ્પિટલ ગયો હતો. ડૉક્ટરે મને દવા લેવા મોકલ્યો અને હું ઉપર દવા લઈને આવ્યો એટલી વારમાં તો તેઓ મૃત્યુ પામ્યા હતા. મારી મમ્મીને આ વાત કેમ કહેવી એ જ અમને સમજાતું નહોતું. પહેલાં તો અમે કહેવાના નહોતા, પણ ઘરે લોકો પૂછવા આવવા લાગ્યા એટલે મન મક્કમ રાખીને તેમને આ સમાચાર આપવામાં આવ્યા હતા. તેમની તબિયત પહેલાંથી જ ખૂબ ખરાબ હતી અને આ સમાચાર મળતાં તેમની હાલત વધારે ખરાબ થઈ ગઈ છે. ગઈ કાલે સાંજે નવઘર રોડ પર આવેલી સ્મશાનભૂમિમાં સાંજે પાંચ વાગ્યે મારા પિતાના અંતિમ સંસ્કાર કરવામાં આïવ્યા હતા અને એ જ સમયે મને છોકરીવાળા જોવા આવવાના હતા.’

યુવક પણ ગંભીર

પ્રતીક ઠક્કરની મમ્મી લીના ઠક્કરે ઍક્સિડન્ટ વિશે માહિતી આપતાં ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અત્યારે પ્રતીકને રિદ્ધિ-સિદ્ધિ હૉસ્પિટલમાં આઇસીયુમાં રાખવામાં આવ્યો છે. તેને બ્રેઇનમાં માર વાગતાં ખૂબ ઇન્ટર્નલ બ્લીડિંગ થયું હતું. તેને નાક પર પણ ભારે માર વાગતાં ફ્રૅક્ચર આવ્યું છે. મારો દીકરો માતૃછાયા કૉલેજમાં બારમા ધોરણમાં ભણી રહ્યો છે. તે તેના મિત્ર સાથે બાઇક લઈને ભાઈંદરના મૅક્સેસ મૉલથી મીરા રોડના બેવર્લી પાર્કમાં ઘરે આવી રહ્યો હતો. અમને નથી લાગતું કે અમારા દીકરાએ આ ઍક્સિડન્ટ કર્યો હોય, એમ છતાં અત્યારે તો અમે કંઈ બોલવાની હાલતમાં પણ નથી.’

પોલીસ શું કહે છે?

નવઘર પોલીસે ઍક્સિડન્ટ વિશે જણાવ્યું હતું કે ‘અત્યારે તો પ્રતીકની હાલત ખરાબ હોવાથી તે હૉસ્પિટલમાં ઍડ્મિટ છે એટલે અમે તેની અટક નથી કરી, પણ તે સાજો થતાં અમે આગળની કાર્યવાહી કરીશું. પ્રતીક ખૂબ જ સ્પીડમાં બાઇક ચલાવી રહ્યો હોવાથી આ અકસ્માત થયો હતો.’