લૉન્ડ્રીવાળાની સમયસૂચકતાને લીધે ડબલ મર્ડર કેસમાં આરોપીની અટક

04 October, 2012 05:30 AM IST  | 

લૉન્ડ્રીવાળાની સમયસૂચકતાને લીધે ડબલ મર્ડર કેસમાં આરોપીની અટક



ભાઈંદર (વેસ્ટ)માં પોતાની સહેલીને મળવા ગયેલી ૩૮ વર્ષની ગુજરાતી મહિલા શિલ્પા ગાંધી અને તેની ૪૪ વર્ષની ક્રિશ્ચિયન ફ્રેન્ડ ફ્લોરા રૉડ્રિગ્સની એક જ ફ્લૅટમાં હત્યા કરવાના કેસમાં પોલીસે ૩૬ કલાકમાં આરોપીને પકડી પાડ્યો છે અને પૈસાના વિવાદમાં આ હત્યા કરવામાં આવી હોવાનું બહાર આવ્યું છે. પકડાયેલો આરોપી ૩૭ વર્ષનો અબ્બાસ નાસિર હુસેન સૈયદ મીરા રોડમાં રહે છે અને તે મરનાર મહિલાઓ સાથે છેલ્લા છ મહિનાથી સંબંધ ધરાવતો હતો. આ મહિલાઓ સાથે તેને શારીરિક સંબંધ હતા કે નહીં એ તો તપાસમાં બહાર આવશે, પણ તેની નજર ફ્લોરાની સંપત્તિ પર હતી અને એથી જ તેણે આ હત્યાઓ કરી હોવાનું પોલીસ સમક્ષ કબૂલ્યું છે. એક લૉન્ડ્રીવાળાની સમયસૂચકતાને કારણે આ કેસ ઝડપથી ઉકેલાઈ ગયો છે.

પોલીસે કહ્યું હતું કે ‘ભાઈંદર (વેસ્ટ)ના શશિકાંતનગરમાં આવેલા બિલ્ડિંગ નંબર-૧માં રહેતી શિલ્પા રમેશ ગાંધી રવિવારે સાંજે ભદ્રકાલી મંદિર પાસે આવેલા હેમાકુંજ બિલ્ડિંગના પહેલા માળે રહેતી તેની ફ્રેન્ડ ફ્લોરા રૉડ્રિગ્સના ઘરે ગઈ હતી. ૩૦ સપ્ટેમ્બરે રાતથી લઈ પહેલી ઑક્ટોબરે સવાર દરમ્યાન આ મહિલાઓની હત્યા આરોપીએ કરી હતી. સોમવારે રાત્રે નવ વાગ્યાની આસપાસ તેનો મોટો દીકરો નિગલ ઘરે આવ્યો ત્યારે બન્નેની હત્યા થઈ હોવાની જાણ થઈ હતી. શિલ્પા સાઉથ ઇન્ડિયન છે, પણ તેનો પતિ રમેશ ઘોઘારી સમાજનો છે. શિલ્પાને બે બાળકો છે. બીજો દીકરો ક્રિશ પંચગનીની એક હૉસ્ટેલમાં રહે છે. શિલ્પા અને ફ્લોરા છેલ્લાં ત્રણ વર્ષથી ફ્રેન્ડ હતી.

નોકરે લોહીના ડાઘ જોયા

આ ડબલ મર્ડરથી પોલીસ વિમાસણમાં હતી, પણ મીરા રોડના એક લૉન્ડ્રીવાળાએ આપેલી જાણકારીને લીધે પોલીસ અબ્બાસ સુધી પહોંચી શકી હતી. અબ્બાસ બન્નેની હત્યા કરીને સોમવારે સવારે નીકળી ગયો હતો. તેનાં કપડાં લોહીના ડાઘવાળાં હતાં એથી તેણે એ લૉન્ડ્રીવાળાને આપ્યાં હતાં. જોકે દુકાનમાં કામ કરતા નોકરે લોહીના ડાઘ જોઈને લૉન્ડ્રીના માલિકને એ વિશે જાણ કરતાં તેણે પોલીસને બોલાવી હતી અને અબ્બાસનું ઍડ્રેસ આપ્યું હતું. પોલીસ તેના ઘરે પહોંચી ત્યારે તે નહોતો મળ્યો, પણ ગઈ કાલે સવારે અગિયાર વાગ્યે પોલીસ-પૅટ્રોલિંગ દરમ્યાન તે ઝડપાઈ ગયો હતો. આમ ફક્ત ૩૬ કલાકમાં જ પોલીસે ૩૭ વર્ષના અબ્બાસની અટક કરી હતી. તે મીરા રોડના રામદેવ પાર્ક વિસ્તારમાં આવેલા રામાનંદ બિલ્ડિંગમાં રહેતો હતો. પોલીસને તેની પાસેથી નોકિયા કંપનીના ડ્યુઅલ સિમવાળા એક મોબાઇલ સાથે ૮૨૫૦ રૂપિયાની રોકડ રકમ અને હાથમાં પહેરવાની ઘડિયાળ સહિત લોહીવાળાં કપડાં મળ્યાં હતાં.’

નજર રૂપિયા પર


અબ્બાસ, ફ્લોરા અને શિલ્પા ત્રણેય મિત્રો હતાં એમ જણાવીને પોલીસે કહ્યું હતું કે ‘ફ્લોરાનો પતિ લંડનમાં રહેતો હોવાથી અને શિલ્પાના પતિ સાથે ઝઘડા થતા હોવાથી તે ફ્લોરાના ઘરે આવતી હતી. એ વખતે અબ્બાસ તેમને કંપની આપતો હતો. અબ્બાસ પાસે કામધંધો નહોતો એટલે ફ્લોરા તેને પૈસા આપતી હતી. વારંવાર પૈસા માગવા કરતાં એકસાથે આ બન્નેની હત્યા કરીને રૂપિયા અને સોનું ચોરી જવાની યોજના તેણે બનાવી હતી. ઘટનાની રાત્રે તેણે પહેલાં કિચનમાં વપરાતા ચાકુથી ફ્લોરાની હત્યા કરી હતી અને પછી શિલ્પાને મારી નાખી હતી. બન્નેની હત્યા અલગ-અલગ રૂમમાં કરવામાં આવી હતી. ફ્લોરાના પીઠ પર પાંચ ઘા જ્યારે શિલ્પાના પીઠ પર ૧૦ ઘા મારવામાં આવ્યા હતા. એ પછી આરોપી ૧૧,૭૯,૫૦૦ રૂપિયાની કિંમતનું ૩૭ તોલા સોનું લઈને નાસી છૂટ્યો હતો. અબ્બાસના શરીર પર પણ વાર થયા હોવાથી તેણે રામદેવ પાર્કની સાંઈ આંગન હૉસ્પિટલમાં સારવાર લીધી હતી. આ કેસમાં એકથી વધુ આરોપી હોવાની શક્યતા છે તેમ જ પકડાયેલો આરોપી ગુનેગાર હોવાથી તેના પર અન્ય ગુના છે કે નહીં એની પૂછપરછ કરવામાં આવી રહી છે.’

આ હત્યા પૈસાના વ્યવહારને લીધે થઈ હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે એવું થાણે ગ્રામીણના સુપરિન્ટેન્ડન્ટ ઑફ પોલીસ રવીન્દ્ર સેનગાંવકરે કહ્યું હતું. ડબલ મર્ડરના આરોપીને ખૂબ ઓછા સમયમાં પકડવા બદલ તેમણે ભાઈંદર પોલીસના ઇન્સ્પેક્ટર સુનીલ વડકે અને તેમની ટીમને રિવૉર્ડથી સન્માનિત કરવાનું જાહેર કર્યું છે. આ વિશે ભાઈંદર પોલીસ-સ્ટેશનના ઇન્સ્પેક્ટર સુનીલ વડકેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મહિલાઓની હત્યા થઈ એ રાતે અબ્બાસ ત્યાં જ હતો. તેમની વચ્ચે કોઈ પ્રકારના સંબંધ હતા એ પ્રાથમિક તપાસમાં કહી શકાય એમ નથી. આ કેસની અત્યાર સુધી પ્રાથમિક તપાસ જ થઈ છે. કેસનું ઇન્વેસ્ટિગેશન પૂરું થયું ન હોવાથી પાકી માહિતી આપવી અત્યારે થોડી મુશ્કેલ છે. કેસ ઇન્વેસ્ટિગેશન હેઠળ હોવાથી બધી માહિતી બહાર ન પાડી શકાય.’