૬૬ બિલ્ડિંગોના રહેવાસીઓ પર ઝળૂંબતો મોતનો ઓછાયો

29 September, 2011 07:53 PM IST  | 

૬૬ બિલ્ડિંગોના રહેવાસીઓ પર ઝળૂંબતો મોતનો ઓછાયો

 

 

પ્રીતિ ખુમાણ

 

સમગ્ર મીરા-ભાઈંદર વિસ્તારમાં ટ્રાન્ઝિટ કૅમ્પની સુવિધા ન હોવાથી રહેવાસીઓ જોખમી ઈમારતો છોડતા જ નથી

આ ૬૬ ઇમારતોમાંની કેટલીયે ઇમારતોના કેટલીય વાર સ્લૅબ પણ પડી ગયા હોવા છતાં લોકો પાસે કોઈ વિકલ્પ ન હોવાથી હજી પણ તેઓ આવી જ ઇમારતોમાં રહી રહ્યા છે. ૬ મહિના પહેલાં જ ભાઈંદર-ઈસ્ટમાં બી. પી. રોડ પર આવેલી લક્ષ્મીગંગાસદન નામની ઇમારતનો ફૅનની સાથે સ્લૅબ પડતાં બે મહિનાની એક છોકરીએ જીવ ગુમાવ્યો હતો. આ ઇમારતને ૯ વાર નોટિસ મોકલવામાં આવી હોવા છતાં તેઓ હજી સુધી ત્યાં જ રહે છે.

આવી જ રીતે ચાર વર્ષ પહેલાં ભાઈંદર-વેસ્ટમાં આવેલી અલ્પેશ અપાર્ટમેન્ટ નામની જોખમી ઇમારતનો સ્લૅબ પડતાં એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું. તાજેતરમાં જ લતા અપાર્ટમેન્ટમાં ૬ જણનાં મોત થયાં હતાં અને ૪ જખમી થયા હતા. ઉપરાંત લતા અપાર્ટમેન્ટની બાજુમાં જ ભારતી વિદ્યા મંદિર સ્કૂલ છે એ પણ જોખમી ઇમારતોની યાદીમાં સામેલ છે; એમ છતાંય ત્યાં બાળકોને ભણાવવામાં આવી રહ્યાં છે. દર વખતે પાલિકા જોખમી બિલ્ડિંગોની સૂચિ જાહેર કરે છે, પણ પાલિકા પાસે કોઈ પર્યાયી વ્યવસ્થા (ટ્રાન્ઝિટ કૅમ્પ) નથી.  તાજેતરમાં લતા અપાર્ટમેન્ટ પડી હોવાથી એના રહેવાસીઓને પાલિકાની સ્કૂલનો આશરો આપ્યો હતો, પણ સ્કૂલ ચાલુ થઈ એટલે એ આશરો પણ તેમની પાસેથી છીનવાઈ ગયો હતો.


જોખમી તેમ જ જૂની ઇમારતોના પુનર્વિકાસ માટે મીરા-ભાઈંદર પાલિકા પાસે ૨.૫ એફએસઆઇ છે તેમ જ નવી ઇમારતો માટે ૧.૩૩ એફએેસઆઇ છે; પરંતુ ભાઈંદર-ઈસ્ટમાં ખારીગાંવ, બી. પી. રોડ, કૅબિન ક્રૉસ રોડ પરિસરમાં ૨૦થી ૩૦ વર્ષ પહેલાંની ઇમારતો છે.


ગ્રામપંચાયત સમય દરમ્યાન બાંધવામાં આવેલી આ ઇમારતો માટે ૪થી ૫ એફએસઆઈ વાપરવામાં આવી હતી. આ પરિસરમાં કેટલીયે જગ્યાએ તો ટૂ-વ્હીલર વેહિકલ સુધ્ધાં બરાબર જઈ શકતાં નથી એવી ગંભીર સ્થિતિ છે. પરંતુ હવે રીડેવલપમેન્ટ વિષય પર પ્રશાસન કોઈ યોજના વિશે જલદી વિચારણા કરશે નહીં તો આગળ લતા અપાર્ટમેન્ટ જેટલી કેટલીય ઇમારતો છે જે પડવાની કગાર પર છે. આવી ઇમારતોમાં કેટલાય માસૂમ પરિવારો રહે છે. તેમનાં જીવન પણ જોખમમાં છે.

શું કારણ છે જોખમી ઇમારતોમાં રહેવાનું?


ભાઈંદરની મોટા ભાગની બધી જ ઇમારતો ડેવલપમેન્ટ રાઇટ્સ પર ભી કરવામાં આવી છે. એટલે કે લૅન્ડ ઓનર પાસેથી તેમની જગ્યા પર ડેવલપમેન્ટ કરવા માટે લેવામાં આવી હતી. એના કારણે જોખમી ઇમારતોમાં રહેતા લોકો પોતાની પ્રૉપર્ટી ખોઈ બેસે એના ભયથી ઘર ખાલી કરતા નથી. આનો સરળ મતલબ એમ થાય છે કે ઇમારતની જગ્યાનો ઓનર લૅન્ડ ઓનર છે અને ઇમારતના સ્ટ્રક્ચર (ઘર) પર રહેવાસીઓ ઓનર છે. ઉપરાંત શાસન પાસે પણ કોઈ પણ પ્રકારની વ્યવસ્થા ન હોવાથી રહેવાસીઓ બેઘર થવાના ભયના કારણે ખૂબ ચિંતિત છે.

ભાઈંદર-ઈસ્ટમાં લતા અપાર્ટમેન્ટની દુર્ઘટના બન્યા પછી ફરી આ જોખમી જાહેર થયેલી ઇમારતોને નોટિસ મોકલવામાં આવી છે એમ છતાંય રહેવાસીઓ પોતાની પ્રૉપર્ટી ખોઈ બેસવાના ભયે અને પ્રશાસન પાસે ઇમારત ખાલી કરાવ્યા બાદ પણ નિરાશ્રિતોને રહેવા માટે ટ્રાન્ઝિટ કૅમ્પની વ્યવસ્થા ન હોવાથી રહેવાસીઓ રસ્તા પર આવી જશે એવા ભયના કારણે પોતાનો જીવ જોખમમાં નાખીને પણ જીવલેણ ઇમારતોમાં રહી રહ્યા છે. ઉપરાંત મીરા-ભાઈંદરની જૂની ઇમારતો માટે એફએસઆઇ ધોરણમાં બદલાવ લાવવાની માગણી આમદાર ગિલ્બર્ટ મેન્ડોન્સાએ કેટલાય વખત પહેલાં જ શાસનને કરી હતી, પણ આ વિષય પર કોઈ પણ પ્રકારની હિલચાલ જોવા મળી નહોતી.

મીરા-ભાઈંદરમાં સત્તાવાર રીતે જોખમી જાહેર કરેલી કુલ ૬૬ ઇમારતો છે. એમાં લગભગ ૧૫ હજારથી પણ વધારે લોકો રહેતા હશે. આ જાહેર કરેલી ઇમારતો સિવાય મીરા-ભાઈંદરમાં ૨૦૦થી ૨૫૦ ઇમારતો એવી છે કે જેની હાલત ખૂબ જ ખરાબ છે છતાંય લોકો એમાં રહે છે.




૯ વખત જોખમી જાહેર થયા બાદ લતા અપાર્ટમેન્ટ તૂટી પડ્યો,
ત્યાર પછીના ક્રમે ૮ વખત જોખમી જાહેર કરાયેલું નટવર
બિલ્ડિંગ તસવીર : પ્રમોદ દેઠે

 


લતા બિલ્ડિંગમાંથી પોતાનો સામાન ઉતારી રહેલા લોકો.
તસવીર : પ્રમોદ દેઠે