ભાઇંદર: સીડી વગરના બિલ્ડિંગના ચોથા માળે એક દંપતી નીચે ઉતરવા તૈયાર નથી

29 December, 2012 07:25 AM IST  | 

ભાઇંદર: સીડી વગરના બિલ્ડિંગના ચોથા માળે એક દંપતી નીચે ઉતરવા તૈયાર નથી



ભાઈંદર (વેસ્ટ)માં જય અંબે રોડ પર આવેલા ૩૩ વર્ષ જૂના પાર્વતી સ્મૃતિ નામના ચાર માળના ત્રણ વિંગવાળા બિલ્ડિંગની બી વિંગની સીડીનું છેલ્લા ચાર દિવસથી કામ ચાલી રહ્યું હતું. ગુરુવારે અચાનક જ આખેઆખી સીડી ચોથા માળથી નીચે પડી ગઈ હતી

એટલે બિલ્ડિંગના રહેવાસીઓને ફાયર-બ્રિગેડના કર્મચારીઓએ ચાર કલાકની મહેનત પછી નીચે ઉતાર્યા હતા. જોકે પોલીસ, મેયર અને ફાયર-બ્રિગેડના કર્મચારીઓ દ્વારા ઘણી વિનંતી કરવામાં આવ્યા પછી પણ ચોથા માળ પર રહેતું એક દંપતી નીચે ઊતરવા તૈયાર જ નથી. એ ઘરનો દરવાજો લૉક કરીને અંદર જ બેઠું છે.

૩૩ વર્ષ જૂના આ બિલ્ડિંગને મીરા-ભાઈંદર મહાનગરપાલિકા દ્વારા ૨૦૧૦માં જર્જરિત જાહેર કરવામાં આવ્યું હતું. બિલ્ડિંગ ખાલી ન કરવામાં આવતાં બેથી ત્રણ વખત નોટિસ પણ આપવામાં આવી હતી. એમ છતાં રહેવાસીઓએ બિલ્ડિંગ ખાલી કર્યું નહોતું અને બિલ્ડિંગની સીડીનું કામ શરૂ કર્યું હતું. અચાનક જ આ બિલ્ડિંગની સીડીઓ આખેઆખી નીચે આવી જતાં રહેવાસીઓને બિલ્ડિંગની બારીઓ કાપીને નીચે ઉતારવામાં આવ્યા હતા. જોકે ફાયર-બ્રિગેડના કર્મચારીઓ ચોથા માળે પહોંચ્યા ત્યારે ત્યાં રહેતા ૬૦ વર્ષના જૉન પરેરા અને ૫૦ વર્ષનાં શકીરા પરેરાએ ચપ્પુ બતાવીને કર્મચારીઓને અંદર આવવાની ના પાડી દીધી હતી. બે-ત્રણ વાર પ્રયાસ કર્યા બાદ પણ તેઓ નીચે આવવા તૈયાર ન થતાં પોલીસ ઉપર ગઈ હતી. પોલીસે તેમને વિનંતી કરવા છતાં તેઓ નીચે ઊતરવા તૈયાર નહોતાં. શકીરાએ ચપ્પુ બતાવીને પોલીસને ધમકી આપી કે કોઈ અમને અહીંથી હટાવશે તો અમે આત્મહત્યા કરીશું. મીરા-ભાઈંદરનાં મેયર તેમ જ બીજા બધાએ વિનંતી કરવા છતાં એ દંપતી નીચે નથી ઊતર્યું.

મીરા-ભાઈંદર મહાનગરપાલિકાના સાર્વજનિક વિભાગના ચીફ એક્ઝિક્યુક્ટિવ એન્જિનિયર દીપક ખાંભિતે બિલ્ડિંગ વિશે વધુ માહિતી આપતાં ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘૨૦૧૦માં અમે બિલ્ડિંગ જર્જરિત હોવાનું જાહેર કર્યું હતું. બેથી ત્રણ વાર નોટિસ પણ મોકલી હતી છતાં રહેવાસીઓએ બિલ્ડિંગ ખાલી કર્યું નહોતું. હાલમાં અમે તેમને ફાયર-બ્રિગેડના કાર્યાલયમાં રહેવા માટે જગ્યાની વ્યવસ્થા કરી આપી છે. બિલ્ડિંગ જર્જરિત હોવાથી એને તોડી પાડવામાં આવશે.’