શૉકિંગ : વાઈની સારવાર માટે પેરન્ટ્સે બાળકને આપ્યા ડામ

13 October, 2012 05:44 AM IST  | 

શૉકિંગ : વાઈની સારવાર માટે પેરન્ટ્સે બાળકને આપ્યા ડામ




૧૧ વર્ષના ભુવન (નામ બદલ્યું છે)ને ૯ ઑક્ટોબરે વાઈનાં લક્ષણો અને નાકમાં થયેલી ઈજાની સારવાર માટે સાયન હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. બાળકોના વિભાગમાં ડૉક્ટરોએ ભુવનની તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે આ છોકરાના બન્ને હાથ પર દાઝ્યાનાં નિશાન હતાં. આ મામલામાં જ્યારે માતા-પિતાને સવાલ કરવામાં આવ્યો ત્યારે પહેલાં તો પિતાએ તેમને કાંઈ ખબર ન હોવાનું જણાવ્યું હતું, પણ માતાએ માહિતી આપી કે વાઈને કારણે ખેંચ આવતાં ભુવન પડી ગયો હતો એથી તેને આ ઈજાઓ થઈ હતી.

ભુવનના પિતા સ્વપન ગાડગે ભાઈંદરમાં મજૂર છે અને માતા શુકાંતા પરિવારનો ખર્ચ ચલાવવા લોકોનાં ઘરકામ કરે છે. પોતાનાં માતા-પિતા અને નાના ભાઈ સાથે પાલઘરમાં રહેતો ભુવન છેલ્લાં ચાર વર્ષથી વાઈની બીમારીથી પીડાઈ રહ્યો છે. તેનાં માતા-પિતાએ આપેલી માહિતી પ્રમાણે છેલ્લા કેટલાક સમયથી આની તીવ્રતામાં વધારો થયો છે. દીકરાને થયેલી ઈજા વિશે માહિતી આપતાં ભુવનના પિતાએ કહ્યું હતું કે ‘મારા દીકરાને સોમવારે રાત્રે વાઈનો હુમલો આવતાં તે પડી ગયો હતો જેને લીધે તેના માથા પર અને નાકના હાડકાને ઈજા થઈ હતી. રાતે બહુ મોડું થઈ ગયું હોવાથી મારી પત્ની તેને ડૉક્ટર પાસે નહોતી લઈ ગઈ અને આસપાસ કોઈ તબીબી સારવાર પણ ઉપલબ્ધ નથી. હું રાતે કામના સ્થળે જ રહું છું અને મારી ગેરહાજરીમાં પત્નીએ અમારી પરંપરાગત માન્યતા પ્રમાણે મારા દીકરાના હાથ પર ગરમ સળિયાના ડામ દીધા હતા.’

આ દાઝ્યાનાં નિશાન વિશે વધારે તપાસ કરતાં ભુવનની માતાએ માહિતી આપી હતી કે ‘અમારા ગામ નાંદેડમાં અમે માનીએ છીએ કે વ્યક્તિના હાથ પર ગરમ ડામ આપવાથી વાઈથી મુક્તિ મળે છે. એને લીધે જ્યારે મારા દીકરા પર આવેલા વાઈના હુમલા વખતે હું તેને કાબૂમાં નહોતી રાખી શકી એટલે મેં અમારી માન્યતા પ્રમાણે તેના હાથ પર ગરમ સળિયાના ડામ આપ્યા હતા. જોકે આમ છતાં વાઈનો હુમલો અટક્યો નહોતો.’

સાયન હૉસ્પિટલના ડૉક્ટરને બાળકના હાથ પર દાઝ્યાનાં નિશાન જોઈને શંકા જતાં તેણે પોલીસમાં ફરિયાદ કરી હતી એને પગલે આખી ઘટના પ્રકાશમાં આવી હતી.