ભાઈંદર : માતા-પિતાએ આધારસ્તંભ જેવો એકનો એક દીકરો ગુમાવ્યો

20 December, 2011 06:56 AM IST  | 

ભાઈંદર : માતા-પિતાએ આધારસ્તંભ જેવો એકનો એક દીકરો ગુમાવ્યો



(પ્રીતિ ખુમાણ)

ભાઈંદર, તા. ૨૦

ભાઈંદર (વેસ્ટ)ના દેવચંદનગરમાં રહેતા સાગર નરેશ મહેતાના ટ્રેનમાંથી પડી જવાથી થયેલા મૃત્યુને પગલે ત્યાં શોકની ઘેરી લાગણી ફરી વળી છે. બાવન જિનાલય પાસે આવેલા નૂતન સોના-૩ બિલ્ડિંગમાં રહેતા અને સીએ (ચાર્ટર્ડ અકાઉન્ટન્સી)ની ફાઇનલ ઍક્ઝામના રિઝલ્ટની રાહ જોઈ રહેલા ૨૫ વર્ષના સોરઠ વીસા શ્રીમાળી જૈન સમાજના સાગરનું ગઈ કાલે મૃત્યુ થયું હતું.

મૂળ ધોરાજી જિલ્લાના માણેકવાળા ગામનો વતની સાગર દરરોજ ભાઈંદર સ્ટેશનથી સવારે ૮.૪૫ વાગ્યાની ટ્રેન તેના સાતથી આઠ મિત્રોના ગ્રુપ સાથે પકડતો હતો. સાગર અને તેના મિત્રો ચર્ચગેટ સાઇડનો પહેલો ડબ્બો પકડતા હતા. ગઈ કાલે ટ્રેનમાં ભીડ વધુ હોવાથી ગેટ પાસે ઊભેલા સાગરનું બૅલેન્સ છૂટતાં અને ટ્રેન મીરા રોડ સ્ટેશન પહોંચે એ પહેલાં નીચે પડી ગયો હતો. સાગરના મિત્રો તરત જ તેને ટૅક્સીમાં નજીકમાં આવેલી ઉમરાવ હૉસ્પિટલમાં લઈ ગયા હતા. મીરા રોડ સ્ટેશને રેલવેની ઍમ્બ્યુલન્સ ન હોવાથી સાગરને ટૅક્સીમાં લઈ જવામાં આવ્યો હતો. રસ્તામાં જ તે કોમામાં જતો રહ્યો હતો. સાગરને હૉસ્પિટલમાં ૧૦.૨૦ વાગ્યે મૃત જાહેર કરવામાં આવ્યો હતો.

માતા-પિતાનો એકનો એક દીકરો

સાગર તેમના માટે આધારસ્તંભ હતો. સાગર કાલબાદેવીમાં સીએની ઑફિસમાં કામ કરતો હતો. સાથે સીએના ફાઇનલ વર્ષમાં ભણતો હતો. જાન્યુઆરી અથવા ફેબ્રુઆરીમાં તેનું રિઝલ્ટ આવવાનું છે અને એની આખો પરિવાર ખૂબ આતુરતાથી રાહ જોઈ રહ્યો હતો, પણ રિઝલ્ટ આવે એ પહેલાં જ સાગરે દુનિયાને અલવિદા કરી દીધી છે.

લગ્નની વાત ચાલતી હતી

સાગરના પિતા નરેશ મહેતા પ્રિન્સેસ સ્ટ્રીટ પર આવેલી નવનીત પબ્લિશર નામની કંપનીમાં પાર્ટનરની સાથે રીટેલર શૉપમાં કામ કરે છે. તેમની સાથે તેમની ૨૩ વર્ષની નાની દીકરી પણ કામ કરે છે. સાગર મા-બાપનો લાડકો હતો અને પરિસરમાં સૌથી શાંત સ્વભાવવાળા છોકરા તરીકે જાણીતો છે. ઘરમાં તેનાં લગ્નની અને છોકરી જોવા જવાની પણ વાતો થઈ રહી હતી. સાગરનાં માતા-પિતાને ખૂબ જ આઘાત લાગ્યો હતો અને તેઓ કંઈ પણ બોલવાની અવસ્થામાં પણ નહોતાં.

સાગરના કઝિન અને તેની સાથે ટ્રેનમાં દરરોજ જતા જયેશ મહેતાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ટ્રેનમાંથી પડી જવાથી સાગરને ખૂબ જ માર લાગ્યો હતો. તેને લોહીલુહાણ અવસ્થામાં હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.’

ચક્ષુદાન કર્યું

મારા દીકરાની આંખોથી બીજા કોઈને તો નવી જિંદગી મળશે એમ જાણીને સાગરના પિતાએ તેની બન્ને આંખોનું દાન કર્યું હતું. ઉમરાવ હૉસ્પિટલના ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર આશિષ બૅનરજીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સાગરને ટૅક્સીમાં હૉસ્પિટલ લાવવામાં આવ્યો હતો. તેને છાતીમાં અને પેટની નીચેના ભાગમાં ખૂબ જ માર વાગ્યો હતો. તેની બન્ને આંખો ડોનેટ કરવામાં આવી હતી, જે આજે બે અલગ-અલગ વ્યક્તિઓને આપવામાં આવશે.’