૪ ડિસેમ્બર સુધી બન્નેને જ્યુડિશ્યલ કસ્ટડીમાં મોકલાયાં

23 November, 2020 10:59 AM IST  |  Mumbai | Mumbai correspondent

૪ ડિસેમ્બર સુધી બન્નેને જ્યુડિશ્યલ કસ્ટડીમાં મોકલાયાં

કૉમેડિયન ભારતી સિંહ અને પ​તિ હર્ષ લિમ્બાચિયાને કોર્ટમાં રજૂ કરાયાં હતાં.

કૉમેડિયન ભારતી સિંહની નશીલા પદાર્થ ગાંજાનું સેવન કરવાના આરોપસર શનિવારે ધરપકડ કરાયા બાદ આ મામલાની તપાસ કરી રહેલી ઍન્ટિ નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરો (એનસીબી)એ ગઈ કાલે તેના પતિ હર્ષ લિમ્બાચિયાની પણ ધરપકડ કરી હતી. બન્નેને કોર્ટમાં રજૂ કરાતાં ૪ ડિસેમ્બર સુધીની જ્યુડિશ્યલ કસ્ટડીમાં રાખવાનો આદેશ અપાયો હતો. જોકે બન્નેએ જામીન મેળવવા માટે અરજી કરી હોવાથી આજે સુનાવણી હાથ ધરાવાની શક્યતા છે.
એનસીબીના વકીલ અતુલ સરપાંડેએ કહ્યું હતું કે નશીલો પદાર્થ ગાંજો બન્નેના અંધેરી ખાતેના ઘરેથી મળ્યા બાદ કાર્યવાહી હાથ ધરાઈ હતી. ભારતી સિંહ અને તેના પતિ હર્ષ લિમ્બાચિયાની ધરપકડ બાદ તેમને મૅજિસ્ટ્રેટ કોર્ટમાં રજૂ કરાયા હતા. ૪ ડિસેમ્બર સુધી કોર્ટે તેમને જ્યુડિશ્યલ કસ્ટડીમાં રાખવાનો આદેશ આપ્યો હતો.
એનસીબીની કાર્યવાહીમાં આરોપીઓના ઘરમાંથી ૮૬.૫ ગ્રામ ગાંજો મળ્યો હતો. બૉલીવુડમાં મોટા પ્રમાણમાં નશીલા પદાર્થનું સેવન અને વેચાણ થતું હોવાની માહિતી સામે આવ્યા બાદ તપાસ કરી રહેલી એજન્સીએ બાતમી અને અગાઉ ધરપકડ કરાયેલા ડ્રગ્સ પેડલર પાસેથી મળેલી માહિતીને આધારે કૉમેડિયન ભારતી સિંહના ઘરે શનિવારે દરોડો પાડ્યો હતો.
શનિવારે કૉમેડિયન ભારતી સિંહ અને તેના પતિ હર્ષ લિમ્બાચિયાને એનસીબીની બેલાર્ડ એસ્ટેટમાં આવેલી ઑફિસમાં પૂછપરછ માટે બોલાવાયા હતા. બન્નેએ કથિત રીતે નશીલા પદાર્થ ગાંજાનું સેવન કર્યું હોવાનું કબૂલતા પહેલાં ભારતી સિંહ અને બાદમાં ગઈ કાલે કલાકો સુધી પૂછપરછ બાદ હર્ષની પણ ધરપકડ કરાઈ હતી.
એનસીબીના ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડેએ કહ્યું હતું કે ‘બન્ને સામે નશીલા પદાર્થનું સેવન કરવાની કલમો લગાવીને કાર્યવાહી કરાઈ છે.’

mumbai mumbai news bharti singh