મુંબઈમાં ભારત બંધ બેઅસર

09 December, 2020 08:16 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મુંબઈમાં ભારત બંધ બેઅસર

સાયન-પનવેલ હાઇવે પર માનખુર્દ પાસે ટ્રાન્સપોર્ટરોએ દેખાવો કર્યા હતા. (તસવીર: અતુલ કાંબળે)

ખેડૂતોએ દેશભરમાં ગઈ કાલે કરેલા ભારત બંધની મુંબઈમાં કોઈ અસર નહોતી જોવા મળી. સામાન્ય રીતે ભારત બંધની હાકલ થાય છે ત્યારે મુંબઈમાં કેટલાક રાજકીય પક્ષો દ્વારા જબરદસ્તી દુકાનો બંધ કરવાથી માંડીને તોડફોડની ઘટનાઓ બને છે, પરંતુ ગઈ કાલે આવી એકેય ઘટના પોલીસને ચોપડે નહોતી નોંધાઈ. આથી ભારત બંધ હોવા છતાં મુંબઈમાં ગઈ કાલે સામાન્ય દિવસ રહ્યો હતો.

ખેડૂતોના ભારત બંધના સમર્થનમાં કૉન્ગ્રેસ, એનસીપીના કાર્યકરો દ્વારા કેટલાંક વિરોધ-પ્રદર્શન કરાયાં હતાં પરંતુ તેમણે કે બીજા કોઈએ જબરદસ્તી બંધ કરાવવાની કોશિશ ન કરી હોવાનું જાણવા મળ્યું હતું. જેમણે બંધને સમર્થન આપ્યું હતું તેમના સિવાય મોટા ભાગનાં કામકાજ રાબેતા મુજબ ચાલતાં જોવા મળ્યાં હતાં.

ખેડૂતોના સમર્થકોએ અંધેરીના લોખંડવાલામાં વિરોધ-પ્રદર્શન કર્યું હતું. (તસવીર: શાદાબ ખાન)

બોરીવલીમાં બધું ચાલુ

ખેડૂતોના દેશભરમાં કરાયેલા બંધના એલાનની બોરીવલીમાં કોઈ અસર નહોતી જોવા મળી. બોરીવલીમાં દુકાનો ખુલ્લી હતી. સામાન્યપણે દરેક રસ્તારોકોના આંદોલન વખતે બોરીવલી (ઈસ્ટ)માં નૅશનલ પાર્ક પાસે વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર પ્રદર્શનકારીઓ મોટી સંખ્યામાં રસ્તા પર બેસી જઈ મોટે-મોટેથી નારાબાજી કરી જબરદસ્ત પ્રદર્શન કરી હાઇવે જૅમ કરી દેતા હોય છે. પોલીસ પણ તેમને થોડી વાર એ પ્રદર્શન કરી ખસેડી લેતી હોય છે. જોકે આ જે ભારત બંધનું એલાન હોવી છતાં એવું કંઈ જ જોવા નહોતું મળ્યું. નૅશનલ પાર્ક સામેના ફ્લાયઓવરની નીચે જ ટ્રાફિક-પોલીસની ચોકી છે અને ત્યાં બહાર બેન્ચિસ પર સ્થાનિક કસ્તુરબા પોલીસ સ્ટેશનના પોલીસ-કર્મચારીઓ બેઠા હતા પણ કોઈ વિરોધ-પ્રદર્શન ન થયું હોવાથી તેમણે પણ હાશકારો અનુભવ્યો હતો. ટ્રાફિક સ્મૂધલી ચાલી રહ્યો હતો. વળી કોઈ પણ દુકાનદારોને દુકાનો બંધ કરવા કોઈ ફરજ પડાઈ નહોતી.

સાંતાક્રુઝ-વિલે પાર્લે-અંધેરીમાં મિશ્ર પ્રતિસાદ

ભારત બંધને અંધેરી-વિલે પાર્લેમાં મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો. અંધેરી ઈસ્ટ અને વેસ્ટમાં શાકભાજી વેચતા ફેરિયાઓ અને મોટા ભાગની દુકાનો ખુલ્લી હતી, જ્યારે વિલે પાર્લે (ઈસ્ટ)માં સ્ટેશનની સામે સવારે અગિયાર વાગ્યાની આસપાસ એક રાજકીય પક્ષના ત્રણ છોકરાઓએ આવીને બધી દુકાનો સહિત બધું બંધ કરાવ્યું હતું. વિલે પાર્લે (વેસ્ટ)માં સ્ટેશનની આસપાસની બધી દુકાનો સહિત બધું ચાલુ હતું, જ્યારે સાંતાક્રુઝ (વેસ્ટ)માં સ્વામી વિવેકાનંદ માર્ગ પરની મોટા ભાગની દુકાનો ચાલુ હોવાની સાથે રસ્તા પર રોજ બેસતા ફેરિયાઓ પણ બેસેલા નજરે ચડ્યા હતા. સાંતાક્રુઝ-વિલે પાર્લે-અંધેરીમાં ભારત બંધની અસર ક્યાંક જોવા મળી હતી તો ક્યાંક જોવા ન મળતાં ભારત બંધને મિશ્ર પ્રતિસાદ સાંપડ્યો હતો.

મુલુંડમાં દુકાનો બંધ

મુલુંડમાં રાજકીય પાર્ટીઓના કાર્યકરો દ્વારા ભારત બંધને પ્રતિસાદ આપવા મુલુંડના મુખ્ય રસ્તાઓની દુકાનો અને કારખાનાંઓ બંધ કરાવ્યાં હતાં. જોકે કોઈ વિસ્તારમાં તોડફોડ જેવી ઘટના કે કોઈની ધરપકડ કરવામાં નહોતી આવી. મોટા ભાગના વેપારીઓ અને દુકાનદારો કામકાજ ચાલુ રાખવા માગતા હતા, પરંતુ રાજકીય પક્ષોએ જબરદસ્તી બંધ કરાવ્યું હોવાથી વેપારીઓમાં નારાજગી જોવા મળી હતી.

મીરા રોડ બંધ તો ભાઈંદર ચાલુ

ભારત બંધમાં મીરા રોડમાં ગઈ કાલે સવારના સમયે દુકાનોથી માંડીને ઑફિસ વગેરે ખૂલી હતી, પરંતુ કૉન્ગ્રેસના કાર્યકરોએ બંધ કરાવ્યું હોવાનું જાણવા મળ્યું હતું. બપોરના ચાર વાગ્યા બાદ જોકે દુકાનો ખૂલી ગઈ હતી. ભાઈંદર (વેસ્ટ)માં સવારથી સાંજ સુધી બધું ખુલ્લું રહ્યું હતું. કોઈ રાજકીય પક્ષોએ કે સંગઠનોએ અહીં કામકાજ બંધ કરાવવાની ફરજ ન પાડી હોવાનું જાણવા મળ્યું હતું.

સામાન્ય વાહનવ્યવહાર

મુંબઈ અને મહારાષ્ટ્રના મોટા ભાગમાં ભારત બંધને લીધે એપીએમસી બંધ રહી હતી, પરંતુ પબ્લિક ટ્રાન્સપોર્ટ સર્વિસ રાબેતા મુજબ રહી હતી. ટ્રેનો, પ્રાઇવેટ અને સરકારી બસો, ટૅક્સી અને ઑટોરિક્ષા રાબેતા મુજબ રહ્યાં હતાં. જોકે રાજ્યમાં કેટલાંક સ્થળે વિરોધ-પ્રદર્શનને લીધે તથા પૅસેન્જરોને અભાવે એસ.ટી. બસો બંધ રહી હતી. સેન્ટ્રલ રેલવેના મુખ્ય પ્રવક્તા શિવાજી સુતારના જણાવ્યા મુજબ લોકલ ટ્રેનોની સાથે બહારગામની ટ્રેનો નિયમિત રહી હતી. આવી જ રીતે મુંબઈ અને આસપાસના વિસ્તારમાં બેસ્ટની કુલ ૩૪૨૫ બસોમાંથી ૨૯૧૩ એટલે કે ૮૫ ટકા બસો રસ્તાઓ પર રાબેતા મુજબ દોડી હતી. બંધમાં કોઈ હિંસાની ઘટના નહોતી બની.

એપીએમસી બજારો બંધ રહી

કેન્દ્ર સરકારના કૃષિ ક્ષેત્રમાં સુધારા માટેના ત્રણ કાયદાના વિરોધમાં વિવિધ રાજકીય પક્ષોએ આપેલા ભારત બંધના એલાનને પ્રતિસાદ આપતાં મહારાષ્ટ્રનાં અનેક ક્ષેત્રોની ઍગ્રિકલ્ચર પ્રોડ્યુસ માર્કેટિંગ કમિટીઓનાં બજારો બંધ રહ્યાં હતાં. બંધના એલાનના પ્રતિસાદ રૂપે પુણે, નાશિક, નાગપુર અને ઔરંગાબાદનાં જથ્થાબંધ બજારો બંધ રહ્યાં હતાં અને ઘણાં શહેરોમાં છૂટક દુકાનો બંધ રહી હતી. જથ્થાબંધ વેપારીઓ અને ટ્રેડર્સે બંધને ટેકો આપ્યો હોવાથી મુંબઈને શાકભાજી અને ફળોનો પુરવઠો આપતાં કલ્યાણ, વાશી અને નવી મુંબઈના એપીએમસી બજારો ગઈ કાલે બંધ રહ્યાં હતાં. સામાન્ય રીતે રોજ ફળો અને શાકભાજીના પુરવઠા માટે હજારો ટ્રકો આખા રાજ્યમાં ફરતી હોય છે. પરંતુ ગઈ કાલે એવી ટ્રકોની અવરજવરમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો. મુંબઈ મેટ્રોપૉલિટન રીજનના ભાગરૂપ થાણે અને પાલઘરમાં સાર્વજનિક સેવાઓને બંધની અસર થઈ હતી.

ભારત બંધમાં સાત કરોડ દુકાન-શોરૂમ ખુલ્લાં રહ્યાં

ખેડૂતોએ ભારત બંધની હાકલ કરી હોવા છતાં ગઈ કાલે દરરોજની જેમ બજારો સહિત કારોબારી લેવડ-દેવડ શરૂ રહી હોવાનો વેપારીઓની સૌથી મોટી સંગઠન કન્ફેડરેશન ઑફ ઑલ ઈન્ડિયા ટ્રેડર્સ (કૅઈટ)અે દાવો કર્યો હતો. ટ્રાન્સપોર્ટેશન ચાલુ રહ્યું અને દેશભરમાં થોક અને રિટેલ માર્કેટમાં સામાન્ય દિવસોની જેમ કારોબાર પણ શરૂ રહ્યો હતો. આમ ભારત બંધ હોવા છતાં દેશભરની આશરે સાત કરોડ દુકાન અને શોરૂમ ચાલુ રહ્યાં હતાં. કૅઈટે બંધને સમર્થન ન આપવાની પહેલેથી જ જાહેરાત કરી હતી.

કૅઈટના રાષ્ટ્રીય અધ્યક્ષ બી. સી. ભારતિયા અને રાષ્ટ્રીય જનરલ સેક્રેટરી પ્રવીણ ખંડેલવાલે કહ્યું હતું કે દેશભરમાં અંદાજે ૭ કરોડથી વધુ દુકાનો અને શોરૂમ ખુલ્લાં રહ્યાં અને એમાં કારોબાર પણ ચાલી રહ્યો હતો. દેશનાં બધાં મુખ્ય રાજ્યો જેમાંથી પ્રમુખરૂપથી મહારાષ્ટ્ર, ગુજરાત, દિલ્હી, રાજસ્થાન વગેરેમાં થોક અને રિટેલ બજાર પૂરી રીતે ખુલ્લાં રહ્યાં. દેશભરમાં માલની અવરજવર કરતાં વાહનો અન્ય દિવસોની જેમ ચાલુ રહ્યાં હતાં. દેશમાં આશરે ૩૦,૦૦૦ ટ્રાન્સપોર્ટ અસોસિએશન અને લગભગ એક કરોડ ટ્રાન્સપોર્ટ કંપની અને કુરિયર કંપની છે. અંદાજે ૯૦ લાખ ટ્રક અને અન્ય પરિવહન વાહન પ્રતિ દિવસ રસ્તા પર નીકળે છે જેમાંથી અંદાજે ૨૦ લાખ પ્રતિદિન વિવિધ રાજ્યોની વચ્ચે ઉપયોગમાં લેવાય છે અને ગઈ કાલે પણ અવરજવર સામાન્ય દિવસોની જેમ રહી હતી.

mumbai mumbai news bharat bandh