ભગત સિંહ કોશ્યારી પર બીજેપીની તરફેણ કરવાનો આક્ષેપ

14 February, 2021 12:17 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ભગત સિંહ કોશ્યારી પર બીજેપીની તરફેણ કરવાનો આક્ષેપ

ભગત સિંહ કોશ્યારી

મહારાષ્ટ્રની સત્તાધારી મહા વિકાસ આઘાડીના મુખ્ય પક્ષ શિવસેનાએ રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારી પર બીજેપી તરફ પક્ષપાતનો આરોપ મૂકતાં તેમને પાછા બોલાવવાનો અનુરોધ કેન્દ્ર સરકારને કર્યો છે. શિવસેનાના મુખપત્ર ‘સામના’ના ગઈ કાલના અંકના તંત્રીલેખમાં જણાવવામાં આવ્યું હતું કે ‘કેન્દ્ર સરકાર જો દેશના બંધારણને બચાવવા ઇચ્છતી હોય તો ભગત સિંહ કોશ્યારીને મહારાષ્ટ્રના રાજ્યપાલપદેથી હટાવવા જરૂરી છે.’

‘સામના’ના તંત્રીલેખમાં વધુમાં જણાવવામાં આવ્યું હતું કે ‘કોશ્યારી ઘણાં વર્ષથી રાજકારણમાં છે. તેઓ મુખ્ય પ્રધાન અને કેન્દ્રના પ્રધાનના હોદ્દા પર પણ રહ્યા છે. તેઓ વારંવાર વિવાદાસ્પદ બને છે અને સમાચારોમાં ચમકતા રહે છે. હંમેશાં તેઓ વિવાદમાં શા માટે ફસાય છે એ સવાલ છે. તાજેતરમાં રાજ્ય સરકારના વિમાનના ઉપયોગ બાબતે તેઓ સમાચારોમાં ચમક્યા છે. તેઓ દેહરાદૂન જવા માટે રાજ્ય સરકારના વિમાનમાં બેઠા હતા, પરંતુ સરકારની મંજૂરી નહીં હોવાથી તેમણે એ વિમાનમાંથી ઊતરીને કમર્શિયલ ફ્લાઇટમાં દેહરાદૂન જવું પડ્યું હતું. બીજેપી આ બાબતે વાંધા ઊભા કરે છે, પરંતુ રાજ્ય સરકારની મંજૂરી ન હોય તો તેઓ વિમાનમાં બેઠા શા માટે? કાયદેસર રીતે પ્રાઇવેટ ટૂર માટે રાજ્યપાલ કે મુખ્ય પ્રધાન સરકારી વિમાનનો ઉપયોગ કરી ન શકે. એ સંજોગોમાં આટલો ઊહાપોહ શા માટે કરવો જોઈએ?’

mumbai mumbai news bharatiya janata party bhagat singh