મુંબઈના રસ્તાઓમાં પડ્યા હતા ૭૨૧૧ ખાડા

10 July, 2022 10:30 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બીએમસીએ ૧ એપ્રિલથી ૭ જુલાઈ સુધીમાં આટલા ખાડા પૂર્યા : વરસાદ અટકતાં યુદ્ધના ધોરણે આખા શહેરમાં ખાડા પૂરવાનું કામ શરૂ કર્યું : ગયા વર્ષે ૧૦,૧૯૯ ખાડા સામે આ વર્ષે રસ્તા ઓછા ખરાબ થયા હોવાનો કર્યો દાવો

વરસાદ બંધ થતાં બીએમસીએ રસ્તામાં પડેલા ખાડા ભરવાનું કામ યુદ્ધના ધોરણે શરૂ કર્યું છે

ચોમાસામાં મુંબઈમાં ખાડા નહીં પડે એવો દાવો દર વર્ષે કરવામાં આવે છે, પરંતુ વરસાદ પડ્યા બાદ તરત જ શહેરભરના રસ્તાઓમાં અસંખ્ય ખાડા પડવાને લીધે ઘણી વાર લોકોનો જીવ જાય છે અને ટ્રાફિક જૅમનો પણ સામનો કરવો પડે છે. બીએમસીએ દાવો કર્યો છે કે આ વર્ષે ૧ એપ્રિલથી ૭ જુલાઈ સુધીમાં ૭૨૧૧ ખાડા પૂરવામાં આવ્યા છે. અત્યારે વરસાદે વિરામ લીધો હોવાથી બાકીના ખાડા પૂરવાનું કામ યુદ્ધના ધોરણે હાથ ધરાયું છે. ગયા વર્ષે આ સમયગાળા દરમ્યાન ૧૦,૧૯૯ ખાડા પડ્યા હોવાનું પણ જણાવ્યું હતું. આ વર્ષે ૧૨,૬૯૫ ચોરસ મીટર ખાડાઓને ભરવામાં આવ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. ચોમાસાની શરૂઆતમાં જ આટલા ખાડા પડ્યા છે તો આખી સીઝનમાં ખાડાઓની સંખ્યા કેટલી થશે? એવો સવાલ કરાઈ રહ્યો છે.

ચોમાસામાં રસ્તામાં ખાડા દેખાય તો એની ફરિયાદ કરવા માટે મુંબઈ બીએમસીએ વેબસાઇટ, મોબાઇલ ઍપ, સોશ્યલ મીડિયા, ટોલ-ફ્રી નંબર વગેરે જાહેર કર્યાં છે. મુંબઈ શહેરમાં આવેલા ૨૦૫૫ કિલોમીટરના રસ્તામાંથી ૧૨૫૫ રસ્તા ડામરના અને ૮૦૦ કિલોમીટર રસ્તા કૉન્ક્રીટના છે.

બીએમસીના ઍડિશનલ મ્યુનિસિપલ કમિશનર (પ્રોજેક્ટ્‌સ) પી. વેલારાસુએ આપેલી માહિતી મુજબ દર વર્ષની જેમ આ ચોમાસામાં પણ રસ્તામાં પડેલા ખાડાને પૂરવા માટેની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. રસ્તા પરના ખાડાની સમસ્યા બાબતે બીએમસી દ્વારા સ્પેશ્યલ ટીમ બનાવવામાં આવી છે, જે ખાડા શોધીને એ ભરવાનું કામ યુદ્ધના ધોરણે કરે છે. ખાડો પડ્યો હોવાની ફરિયાદ મળ્યાના ૪૮ કલાકમાં એ ભરવાની મુદત હોવા છતાં કોલ્ડમિક્સ ટેક્નૉલૉજીની મદદથી ૨૪ કલાકમાં એ ભરી દેવામાં આવે છે.

ખાડા તાત્કાલિક ભરવા માટે વરલી ખાતેના આસ્ફાલ્ટ પ્લાન્ટમાંથી શહેરના તમામ ૨૪ વૉર્ડમાં મળેલી ફરિયાદ મુજબ ડ્રાય કોલ્ડ મિક્સ પૂરું પાડવામાં આવે છે. આ ચોમાસામાં અત્યાર સુધી ૨૪૨૨ મેટ્રિક ટન ડ્રાય મિક્સ કોલ્ડની સપ્લાય કરવામાં આવી છે. દર વર્ષે શહેરની તમામ વૉર્ડ-ઑફિસ દ્વારા રસ્તામાં પડેલા ખાડા ભરવાનું કામ કરવામાં આવે છે. આ માટે બે કરોડ રૂપિયાનું ભંડોળ ઉપલબ્ધ કરવામાં આવે છે.

ખાડાની અહીં ફરિયાદ કરી શકો છો

રસ્તામાં ખાડો દેખાય તો એની ફરિયાદ કરવા માટે MyBMCpotholefixit ઍપ ઉપરાંત ડિઝૅસ્ટર મૅનેજમેન્ટનો નંબર ૧૯૧૬ જાહેર કર્યો છે. આ સિવાય શહેરના તમામ ૨૪ વૉર્ડમાં સિટિઝન ફૅસિલિટી સેન્ટરમાં અથવા તો ૧૮૦૦૨૨૧૨૯૩ ટોલ-ફ્રી નંબર કે ટ્‌વિટર હૅન્ડલ @mybmcroads કે બીએમસીનો વૉટસઍપ નંબર ૮૯૯૯૨ ૨૮૯૯૯ જાહેર કરવામાં આવ્યા છે.

mumbai mumbai news brihanmumbai municipal corporation mumbai rains mumbai monsoon