બેસ્ટ સ્થળાંતરિતો પાસેથી ટિકિટ ભાડું નહીં લે

30 May, 2020 12:36 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બેસ્ટ સ્થળાંતરિતો પાસેથી ટિકિટ ભાડું નહીં લે

બૃહનમુંબઇ ઇલેક્ટ્રિક સપ્લાય એન્ડ ટ્રાન્સપોર્ટ (બેસ્ટ)એ ગઈ કાલે  જાહેરાત કરી હતી કે સ્થળાંતરિતોને તેમનાં વતનનાં રાજ્યોમાં જવા માટે શહેરનાં રેલવે સ્ટેશનો પર ઉતારવા માટે બસો ઉપલબ્ધ કરાવવામાં આવે ત્યારે તેમની પાસેથી ટિકિટ ભાડું વસૂલવામાં આવશે નહીં.

બેસ્ટના પ્રવક્તાએ જણાવ્યું હતું કે આ નિર્ણય સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર લેવાયો હતો.

સર્વોચ્ચ અદાલતે ગઈ કાલે આદેશ આપ્યો હતો કે દેશભરમાં ફસાયેલા સ્થળાંતરિત શ્રમિકો પાસેથી ટ્રેન કે બસો દ્વારા પ્રવાસનું ભાડું વસૂલવામાં આવશે નહીં અને આ શ્રમિકોને ભોજન તથા પાણી પૂરાં પાડવાનાં રહેશે.

ગુરુવાર સુધી બેસ્ટ સ્થળાંતરિતોને રેલવે સ્ટેશનો પર ઉતારવા માટે તેમની પાસેથી અંતર અનુસાર નિયમિત ભાડું વસૂલતી હતી.

મુંબઇ પોલીસ પણ નોંધણીકૃત સ્થળાંતરિતોને રેલવે સ્ટેશનોએ પહોંચાડવા માટે ખાસ બસોની ગોઠવણ કરી રહી છે.

બેસ્ટ એ એક સૈકા જૂનું જાહેર પરિવહન એકમ છે જે ૩,૫૦૦ કરતાં વધુ બસોનો કાફલો ધરાવે છે. કામગીરીના સામાન્ય દિવસોમાં તે રોજ આશરે ૩૫ લાખ મુસાફરોને સેવા પૂરી પાડે છે.

coronavirus covid19 mumbai mumbai news brihanmumbai electricity supply and transport