વધુ બસ દોડાવવાની મુસાફરોની ડિમાન્ડ

31 October, 2012 05:09 AM IST  | 

વધુ બસ દોડાવવાની મુસાફરોની ડિમાન્ડ



મુસાફરો દ્વારા બેસ્ટને બસની સંખ્યા વધારવા માટે ઘણી ડિમાન્ડ કરવામાં આવી રહી છે, કારણ કે તાજેતરમાં જ રિક્ષા તથા ટૅક્સીમાં કરવામાં આવેલા ભાડાવધારાને કારણે મુસાફરોનું બજેટ ખોરવાઈ ગયું છે. નવાઈની વાત એ છે કે હવે મુસાફરોની રાહ જોતા હોય એવા રિક્ષા તેમ જ ટૅક્સી-ડ્રાઇવરો નજરે પડી રહ્યા છે.

બેસ્ટના અધિકારીઓના મતે મુંબઈના અમુક ચોક્કસ વિસ્તારોમાં બસ-સર્વિસ વધારવાની ઘણી માગણીઓ મુસાફરો દ્વારા કરવામાં આવી રહી છે. જ્યાં અગાઉ ૨૫ રૂપિયા ભાડું આપવું પડતું હતું એમાં વધારો થતાં એ ૪૦ રૂપિયા થયું છે. પરિણામે મુસાફરોએ રિક્ષા કે ટૅક્સી કરવાને બદલે ચાલતા અથવા બસમાં જવાનું પસંદ કર્યું છે. કેઈએમ હૉસ્પિટલની નજીક કામ કરતી જ્યોત્સ્ના દાદર ઊતરીને ટૅક્સી કરતી હતી, પરંતુ ભાડું વધી જતાં તેણે કરી રોડથી ચાલતા જવાનો અથવા તો અડધા રસ્તા સુધી બસમાં જવાનો વિકલ્પ પસંદ કર્યો છે. સુનીલ ભંડારકર પણ પોતાના ઘરે બોરીવલીથી દહિસર રિક્ષા કરીને જતો હતો, પરંતુ હવે રિક્ષાના ભાડાના ૩૦ રૂપિયા ચૂકવવા પડતા હોવાથી માગાથાણે બસડેપોથી વધારે બસ શરૂ થાય એવું તે ઇચ્છે છે. તેના મતે અત્યારે બસો તો છે, પરંતુ પીક-અવર્સ દરમ્યાન એમાં પ્રવેશી શકાતું નથી.

બેસ્ટ કમિટીના સભ્ય રવિ રાજાએ કહ્યું હતું કે ‘બપોર દરમ્યાન સર્વિસની સંખ્યા ઓછી છે જે અમે વધારીશું તેમ જ પીક-અવર્સ દરમ્યાન પણ બસ-સર્વિસની સંખ્યા વધારવાનો પ્રયત્ન કરીશું. મુસાફરોને તેમની ક્ષમતા દર્શાવવાની આજે સારી તક છે. અમે અહીં મુસાફરોની સેવા માટે જ તો છીએ.’

દરમ્યાન છેલ્લા કેટલાક દિવસથી ૩૧ ઑક્ટોબરે ‘નો ઑટો-ટૅક્સી ડે’ ઊજવવાનો મેસેજ પણ ફરી રહ્યો છે. અથક સેવા સંઘ નામની સંસ્થાના ચૅરમૅન અનિલ ગલગલીએ કહ્યું હતું કે ‘ભાડાં વધારવાના વિરોધમાં રિક્ષા તથા ટૅક્સીનો બહિષ્કાર કરવાનો સંદેશો અમે લોકોને મોકલી રહ્યા છીએ. આપણે સાથે મળીને તેમને નમાવી શકીએ છીએ.’

આજે રિક્ષા તથા ટૅક્સીનો બહિષ્કાર કરવાનો પત્ર રાજ્ય સરકારનાં વિવિધ કર્મચારી સંગઠનો તથા મહારાષ્ટ્ર સ્ટેટ ગૅઝેટેડ ઑફિસર ફેડરેશન દ્વારા લોકોને મોકલવામાં આવી રહ્યો છે. આ પત્રમાં કહેવામાં આવ્યું છે કે ‘આ વિરોધ ભાડાં માટે આવવાની ના પાડનારા રિક્ષા તથા ટૅક્સી-ડ્રાઇવરો માટે તેમ જ મીટર સાથે છેડછાડ કરનારાઓ સામે છે. આજે લોકોને રિક્ષા તથા ટૅક્સીમાં મુસાફરી ન કરવા માટે અમે જણાવીએ છીએ.’

રિક્ષા-ટૅક્સી પર પ્રતિબંધ મૂકનારાઓનું ફેસબુક ગ્રુપ

આજે હજારો લોકોએ શહેરમાં રિક્ષા તથા ટૅક્સીમાં ન બેસવાનો નિર્ણય લીધો છે. ભાડાવધારાનો વિરોધ કરવા આ ગ્રુપના કુલ ૭૬૧ સભ્યો આજે રિક્ષા તથા ટૅક્સીમાં પ્રવાસ નહીં કરે.

કેઈએમ = કિંગ એડવર્ડ મેમોરિયલ