દીપડાને ભગાવનાર આ બેસ્ટનો બહાદુર ડ્રાઇવર સ્પેશ્યલ છે

13 November, 2022 09:33 AM IST  |  Mumbai | Ranjeet Jadhav

આરેના જંગલમાં સ્ટ્રીટ-લાઇટ વગરના રસ્તા પર મહિલા પર દીપડાએ હુમલો કર્યો ત્યારે બસનું હાૅર્ન જોરજોરથી વગાડીને દીપડાને ભગાડનાર બેસ્ટના બસ-ડ્રાઇવરે મહિલાને પોતાની તરફના દરવાજામાંથી બસમાં ચડાવી અને તેના ઘર નજીક સલામત ઉતારી

ડ્રાઇવર દીપેશ અવાડે હુમલો કરાયો હતો એ સ્થળે (તસવીર : અનુરાગ આહિરે)

બેસ્ટની બસનો ડ્રાઇવર સમય પર મદદે આવતાં શુક્રવારે રાતના સમયે આરે મિલ્ક કૉલોનીમાં દીપડાના હુમલામાંથી ઈજાગ્રસ્ત મહિલાનો જીવ બચી ગયો હતો. આ ઘટના શુક્રવારે સાંજના સાત વાગ્યા આસપાસની છે. સરિતા ગુરવ નામની ૩૮ વર્ષની મહિલા જંગલની નજીક આવેલા રસ્તા પર ચાલી રહી હતી ત્યારે દીપડાએ તેના પર હુમલો કર્યો હતો.

સ્થાનિક  લોકોએ બસ-ડ્રાઇવરની બહાદુરીની પ્રશંસા કરી હતી. બસ-ડ્રાઇવરે મહિલા પર હુમલો કરતા દીપડાને જોઈને બસ રોકીને સતત હૉર્ન મારતાં દીપડો નાસી ગયો હતો. ત્યાર બાદ તેણે ડ્રાઇવરની તરફના દરવાજામાંથી મહિલાને બસમાં ચડાવી હતી અને તેને તેના ઘર નજીક સુરિક્ષત ઉતારી હતી.

શુક્રવારે સાંજે સાત વાગ્યે બેસ્ટનો ૨૪ વર્ષનો ડ્રાઇવર દીપેશ સુનીલ અવાડે ૪૫૧ નંબરની બસમાં મુસાફરોને લઈને ગોરેગામ-પૂર્વ સ્ટેશનથી આરે મિલ્ક કૉલોની નજીક આદર્શનગર તરફ જઈ રહ્યો હતો ત્યારે નવજીવન નગર બસસ્ટૉપ પાસેના નજીક આદર્શનગર નજીક એક વળાંક પાસે તેણે સરિતા ગુરવને જમીન પર પડેલી જોઈ હતી તથા તેની બાજુમાં દીપડાને ઊભો હતો. તત્કાળ પરિસ્થિતિ સમજી તેણે સતત હૉર્ન મારવા માંડ્યું હતું તથા બસના પ્રવાસીઓએ પણ બૂમાબૂમ કરતાં દીપડો ત્યાંથી નાસી ગયો હતો. આ ઘટના બની એ સ્થળ પર સ્ટ્રીટલાઇટ્સ બંધ હતી.

દીપેશ મહિલાને બચાવવા બસમાંથી ઊતરવા જતો હતો ત્યારે મહિલા દોડીને બસ-ડ્રાઇવરના દરવાજા તરફ આવી જતાં તેણે તેને બસમાં ચડાવી દીધી હતી. મહિલાને માથાના પાછળના ભાગમાં ઈજા થઈ હતી. ડ્રાઇવરે તરત જ મહિલાને તેના ઘરની નજીકના વિસ્તારમાં ઉતારી દીધી જ્યાં સ્થાનિક લોકો તત્કાળ તેને નજીકની હૉસ્પિટલમાં લઈ ગયા હતા. ત્યાં સારવાર આપ્યા બાદ તેને બીએમસી સંચાલિત ટ્રૉમા સેન્ટરમાં લઈ જવામાં આવી હતી.

અસિસ્ટન્ટ કન્ઝર્વેટર ગિરિજા દેસાઈ, રેન્જ ફૉરેસ્ટ ઑફિસર  રાકેશ ભોઈર તથા  મુંબઈ રેન્જ સ્ટાફ એસજીએનપી સ્ટાફ સાથે હૉસ્પિટલમાં પહોંચ્યા હતા અને બાદમાં સંઘર્ષ થયો એ સ્થળની મુલાકાત લીધી હતી. આ ઘટનાને કમનસીબ ગણાવતાં ડેપ્યુટી કન્ઝર્વેટર ઑફ ફૉરેસ્ટ સંતોષ સસ્તેએ કહ્યું હતું કે ‘આરે મિલ્ક કૉલોની વિસ્તારમાં હુમલો કરનાર દીપડાને ઝડપવા માટે ૩૦ કૅમેરા ટ્રેપ બેસાડવામાં આવ્યા છે. બસ-ડ્રાઇવરે પણ અનેક વાર દીપડાને જોયો છે, પણ આ ઘટના ડરામણી હતી. મહિલાને વળતર આપવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. અમારી ટીમ આ વિસ્તારમાં રાતના સમયે પણ પૅટ્રોલિંગ કરતી હોય છે.’

૨૦૨૨માં આરે મિલ્ક કૉલોનીમાં દીપડાના હુમલાના બનાવો

૪ ઑક્ટોબર : પિતા સાથે બહાર ગયેલા આરે મિલ્ક કૉલોની નજીક આદર્શનગરમાં રહેતા હિમાંશુ અવદેશ યાદવ પર દીપડાનો હુમલો.
૨૪ ઑક્ટોબર : આરે મિલ્ક કૉલોનીના યુનિટ-નંબર ૧૫માં વહેલી સવારે ૧૬ મહિનાની એતિકા અખિલેશ લોટનું દીપડાના હુમલામાં મૃત્યુ થયું હતું. 
૬ નવેમ્બર  : જંગલના પટ્ટા નજીક યુનિટ-નંબર ૧૫ નજીક ઢોરોના વાડામાં કામ કરતા ૬૧ વર્ષના રામ યાદવ રાતના આઠ વાગ્યે મોબાઇલ પર વાત કરી રહ્યા હતા ત્યારે દીપડાએ હુમલો કર્યો હતો. રામ યાદવને સધારણ ઈજા થઈ હતી.  

૨૦૨૧માં આરે મિલ્ક કૉલોનીમાં દીપડાના હુમલાના બનાવો

૨ સપ્ટેમ્બર : યુનિટ ૩૨ નજીક હુમલા બાદ પિન્ટુ પંડિતને ઈજા થઈ હતી.
૧૮ સપ્ટેમ્બર :  યુનિટ ૩૧ નજીક ૧૦ વર્ષના રોહિત તિલક બહાદુર પર એક દીપડાએ હુમલો કર્યો હતો.
૨૬ સપ્ટેમ્બર  : દીપડાએ યુનિટ ૩ ખાતે ત્રણ વર્ષના આયુષ યાદવ પર હુમલો કર્યો.
૨૯ સપ્ટેમ્બર :  વિસાવા નજીક વરિષ્ઠ નાગરિક નિર્મલ સિંહ પર હુમલો થયો હતો.
૩૦ સપ્ટેમ્બર : રાજેશ રાવત પર સુનીલ મેદાન પાસે હુમલો થયો હતો.
૮ ઑક્ટોબર : ૧૪ વર્ષના દર્શન સતીશકુમાર પર આરેના યુનિટ ૧૩માં હુમલો થયો હતો.
૨૪ ઑક્ટોબર : બળવંત યાદવ પર યુનિટ ૩૧ પાસે હુમલો કરવામાં આવ્યો.

mumbai mumbai news aarey colony ranjeet jadhav