ઓછા પગારના વિરોધમાં બેસ્ટના કર્મચારીઓએ કરી અચાનક હડતાળ

08 May, 2021 10:43 AM IST  |  Mumbai | Rajendra B Aklekar

કપરા સમયમાં મુંબઈની લાઇફલાઇન બનેલી બેસ્ટના કર્મચારીઓની સારી સુવિધાઓ આપવાની પણ માગણી

કોલોબા બસડેપોમાંથી મિડી બસો બહાર નીકળી નહોતી (તસવીરઃ સુરેશ કરકેરા)

ગઈ કાલે બેસ્ટ અન્ડરટેકિંગના વડાલા, બાંદરા અને કોલાબા ડેપોમાં રોજની માફક સવારે કન્ડક્ટર્સ અને ડ્રાઇવર્સ પહોંચ્યા તો હતા, પરંતુ તેમણે રોજનું કામ શરૂ કરવાને બદલે હડતાળ પાડી હતી. હડતાળને કારણે બસ-સર્વિસ પર અસર થઈ હતી. અનિચ્છનીય ઘટના ટાળવાના ઉદ્દેશથી વહીવટી તંત્રે પોલીસ ટુકડીઓ બોલાવી હતી.

તેમની માગણી વધુ સારી કાર્ય-સુવિધાઓ અને નિયમિત પૂર્ણ પગારની હતી. હડતાળ પર ઊતરેલા એક ડ્રાઇવરે કહ્યું હતું કે અમને ૨૦,૦૦૦ રૂપિયા પગાર ચૂકવવાની બાંયધરી આપવામાં આવી હોવા છતાં ફક્ત ૧૬,૦૦૦ રૂપિયા ચૂકવવામાં આવે છે. આ ઉપરાંત અન્ય મુદ્દાઓ પણ હોવાનું તે ડ્રાઇવરે જણાવ્યું હતું.

હડતાળને કારણે વડાલા-દાદર સહિત મધ્ય મુંબઈનાં બસ-સ્ટૉપ પર લોકોની લાઇનો જોવા મળતી હતી. વડાલા ડેપોમાંથી એક પણ મિની બસ બહાર નીકળી નહોતી. ટ્રેડ યુનિયનોના આગેવાનોએ હડતાળને સમર્થન આપ્યું હતું. બેસ્ટ કામગાર સંઘટનાના મહામંત્રી જગનારાયણ કહારે જણાવ્યું હતું કે ‘વડાલા, બાંદરા અને કોલાબા ડેપોમાં ચોક્કસ કંપનીની વેટ લીઝ પર લેવામાં આવેલી બસોના ડ્રાઇવર્સ અને કન્ડક્ટર્સ અચાનક હડતાળ પર ઊતર્યા હતા એને કારણે બસ-સર્વિસ ખોંડગાઈ છે. કર્મચારીઓની માગણીઓ બાબતે વાટાઘાટો ચાલી રહી છે.’

બેસ્ટના કોઈ પણ અધિકારીએ હડતાળના સમાચારને સમર્થન આપ્યું નહોતું. આ વર્ષમાં અલગ-અલગ ઠેકાણે કેટલીક વખત બેસ્ટના કર્મચારીઓ હડતાળ પાડી ચૂક્યા છે. કૉન્ટ્રૅક્ટ પરના ડ્રાઇવર્સ અને કન્ડક્ટર્સે એપ્રિલ મહિનામાં બે વખત વિરોધ પ્રદર્શન કર્યું હતું. કૉન્ટ્રૅક્ટર શોષણ કરતો હોવાના આરોપ સાથે મુંબઈ સેન્ટ્રલ બસડેપોના કર્મચારીઓેએ ચોથી એપ્રિલે વિરોધ પ્રદર્શન કર્યું હતું.

૨૭ એપ્રિલે બોરીવલી (ઈસ્ટ)ના માગાથાણે બસડેપોના કામગારોએ હડતાળ પાડી હતી.

mumbai mumbai news brihanmumbai municipal corporation rajendra aklekar