ટ્રાફિક કેમ જૅમ છે એ જોવા ઊતરેલા ત્રીજી બસના કન્ડક્ટરને ચોથી બસે કચડી નાખ્યો

15 May, 2026 07:20 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અંધેરીમાં ટ્રાફિકમાં BESTની ત્રણ બસ એકની પાછળ એક ઊભી હતી ત્યાં ચોથી આવીને ભટકાઈ

ચાર બસની એકમેક સાથે ટક્કર થતાં બસને ભારે નુકસાન થયું હતું.

અંધેરી-વેસ્ટમાં આઝાદનગર મેટ્રો સ્ટેશન નજીક ગુરુવારે બપોરે એક મોટી દુર્ઘટના બની હતી. BESTની ચાર બસો એકમેક સાથે અથડાતાં થયેલા ઍક્સિડન્ટમાં બાવન વર્ષના કન્ડક્ટરનું મૃત્યુ થયું છે. આ અકસ્માતને કારણે મેટ્રો વન કૉરિડોર નીચેના રસ્તા પર કલાકો સુધી ટ્રાફિક જૅમ હતો.

આ રસ્તા પર એક વિશાળ વૃક્ષ ધરાશાયી થવાને કારણે ટ્રાફિક જૅમ થયો હતો. આ ટ્રાફિકમાં BESTની રૂટ નંબર ૨૬૬, ૨૪૨ અને ૨૪૯ની ત્રણ બસો એકમેકની પાછળ ઊભી હતી. એ દરમ્યાન પાછળથી પૂરઝડપે આવી રહેલી ૨૫૧ નંબરની ચોથી બસના ડ્રાઇવરે કાબૂ ગુમાવ્યો હતો અને એ ઊભેલી બસ સાથે જોશભેર અથડાઈ હતી. આ ટક્કર એટલી જોરદાર હતી કે બસના કાચ ફૂટી ગયા હતા અને એન્જિનના ભાગે નુકસાન થયું હતું.

આ દુર્ઘટનામાં શેખર બાબુરાવ રાવતે નામના કન્ડક્ટરનું મોત થયું છે. અકસ્માત સમયે ત્યાં હાજર લોકોએ જણાવ્યું હતું કે ટ્રાફિક જૅમ કેમ છે એ જોવા માટે ત્રીજી બસના કન્ડક્ટર બસમાંથી ઊતર્યા હતા એ જ સમયે ચોથી બસે પાછળથી ટક્કર મારતાં તેઓ બે બસની વચ્ચે કચડાઈ ગયા હતા. તેમને કૂપર હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં ડૉક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા.

પોલીસ અને BEST પ્રશાસને આ મામલે તપાસ શરૂ કરી છે કે શું આ અકસ્માત બ્રેક ફેલ થવાને કારણે થયો હતો કે ડ્રાઇવરની બેદરકારીથી.

mumbai news mumbai brihanmumbai electricity supply and transport road accident andheri mumbai traffic