બેદરકારી બેસ્ટની બસના ડ્રાઇવરની, જીવ સ્કૂલ-બસનાં બાળકોનો જોખમમાં મુકાયો

31 July, 2012 04:56 AM IST  | 

બેદરકારી બેસ્ટની બસના ડ્રાઇવરની, જીવ સ્કૂલ-બસનાં બાળકોનો જોખમમાં મુકાયો

મુલુંડ પાસે આવેલા નાહુર રેલવે-સ્ટેશનના બ્રિજ પરથી વાશીથી મરોલ જઈ રહેલી બેસ્ટની બસ એના ડ્રાઇવરની બેદરકારીને લીધે સામેથી આવી રહેલી યુરોસ્કૂલની નવી મુંબઈના ઐરોલી તરફ જતી સ્કૂલ-બસ સાથે ગઈ કાલે સવારે સાડા આઠ વાગ્યે નાહુર બ્રિજ પર અથડાઈ જતાં સ્કૂલ-બસમાં બેઠેલા ચાર શિક્ષકો, ૧૦ બાળકો, ડ્રાઇવર અને ક્લીનરને ઈજા થઈ હતી. આ બધા ઈજાગ્રસ્તોને તરત જ નજીકની ફૉર્ટિસ હૉસ્પિટલમાં સારવાર માટે દાખલ કરીને રાત સુધીમાં રજા આપી દેવામાં આવી હતી.

મુલુંડ (ઈસ્ટ)ના નવઘર પોલીસ-સ્ટેશનનાં પોલીસ-અધિકારી મનીષા રાવખંડેએ ‘મિડ-ડે’ને આ બનાવ વિશે માહિતી આપતાં કહ્યું હતું કે ‘ગઈ કાલે સવારે સાડા આઠ વાગ્યે વાશીથી મરોલ જઈ રહેલી ૭૦થી ૮૦ પૅસેન્જરથી ભરેલી બેસ્ટની બસના ૪૫ વર્ષના ડ્રાઇવર શાંતારામ નેવસેએ બેદરકારીપૂર્વક અને ફુલ સ્પીડમાં બસ ચલાવતાં એ ભાંડુપથી નવી મુંબઈના ઐરોલી તરફ જઈ રહેલી યુરોસ્કૂલની બસ સાથે અથડાઈ ગઈ હતી. એને લીધે સ્કૂલ-બસમાં જઈ રહેલાં પાંચ વર્ષથી ૧૦ વર્ષનાં ૧૦ બાળકો, ૩૮થી ૪૦ વર્ષનાં ચાર મહિલા ટીચર અને સ્કૂલ-બસના ડ્રાઇવર પ્રકાશ મોરે અને ક્લીનર રવિને ઈજા થઈ હતી. સ્કૂલનાં બાળકો અને ટીચરોને ફૉર્ટિસ હૉસ્પિટલમાંથી ગઈ કાલે રાત સુધીમાં રજા આપવામાં આવી હતી, જ્યારે બસના ડ્રાઇવર અને ક્લીનરને ઐરોલીની પ્રાઇવેટ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. બેસ્ટની બસના ડ્રાઇવર શાંતારામ નેવસેની નવઘર પોલીસ-સ્ટેશને ધરપકડ કરી તેની સામે બેદરકારીપૂર્વક અને રફ ડ્રાઇવિંગ કરવા માટેનો ગુનો દાખલ કર્યો હતો.’

આ અકસ્માતને નજરે જોનારા નાહુર બ્રિજ પાસે આવેલી પાયોનિયર સોસાયટીના એક રહેવાસીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘નાહુર બ્રિજ પરનો આ સ્પૉટ ઍક્સિડન્ટ-સ્પૉટ છે. અહીં અનેક વાર બાઇક, રિક્ષા અને કારના અકસ્માત થતા હોય છે. આ રસ્તો ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઇવેથી નાહુર સ્ટેશન પાસે આવતાં સાંકડો થઈ જાય છે. અહીં બાંધેલી બે બાજુની ફૂટપાથો પર રાહદારીઓ કરતાં વધારે સમય વાહનો જ ચાલતાં હોય છે. એ સિવાય હવે નાહુર સ્ટેશન તરફથી આવતો રસ્તો પણ આ રોડ સાથે જોડાતાં અહીં અકસ્માતો અવારનવાર થતા હોય છે.’

બેસ્ટ =  બૃહન્મુંબઈ ઇલેક્ટ્રિક સપ્લાય ઍન્ડ ટ્રાન્સપોર્ટ