BESTની વધુ એક બસમાં આગ: ડ્રાઇવરની કૅબિનમાં શૉર્ટ સર્કિટ થતાં થયો અકસ્માત

28 May, 2026 07:21 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આગ લાગતાંની સાથે જ ડેપોમાં હાજર સ્ટાફ-મેમ્બર્સ તાત્કાલિક ઍક્શનમાં આવી ગયા હતા

ઘટનાસ્થળનું દૃશ્ય

મુંબઈના સાંતાક્રુઝ ડેપોમાં મંગળવારે મોડી રાતે બૃહન્મુંબઈ ઇલેક્ટ્રિસિટી સપ્લાય ઍન્ડ ટ્રાન્સપોર્ટ (BEST)ની એક બસમાં અચાનક આગ લાગી હતી. બસ ફ્યુઅલ ભરવા માટે લઈ જવાઈ રહી હતી ત્યારે ડ્રાઇવરની કૅબિનમાં શૉર્ટ સર્કિટ થવાને કારણે આ ઘટના બની હતી. આ દુર્ઘટનામાં કોઈ પ્રવાસી કે કર્મચારીને ઈજા થઈ નથી. સાંતાક્રુઝ ડેપોની પ્રાઇવેટ ઑપરેટરની માલિકીની બસમાં અગાઉ ક્લચની ખામી સર્જાઈ હતી, જેથી એને ડેપોમાં રિપેરિંગ માટે રાખવામાં આવી હતી. રિપેરિંગ થયા બાદ મોડી રાતે ૨.૪૫ વાગ્યે ડ્રાઇવર બસને ડેપોની અંદર જ આવેલા ફ્યુઅલ સ્ટેશન પર લઈ જઈ રહ્યો હતો ત્યારે ડ્રાઇવરની કૅબિનમાં અચાનક શૉર્ટ સર્કિટ થયું હતું અને જોતજોતામાં આગ ફાટી નીકળી હતી.

આગ લાગતાંની સાથે જ ડેપોમાં હાજર સ્ટાફ-મેમ્બર્સ તાત્કાલિક ઍક્શનમાં આવી ગયા હતા. તેમણે આગ પર કાબૂ મેળવવા માટે ડેપોમાં ઉપલબ્ધ આશરે ૨૦ જેટલાં ફાયર-એક્સ્ટિંગ્વિશરનો ઉપયોગ કર્યો હતો. ત્યાર બાદ ફાયર-બ્રિગેડની ટીમની મદદથી આગ ઓલવાઈ હતી.

mumbai news mumbai santacruz fire incident mumbai fire brigade brihanmumbai electricity supply and transport