બેસ્ટને પણ બસભાડામાં ૧ રૂપિયો વધારવો છે

12 November, 2012 03:25 AM IST  | 

બેસ્ટને પણ બસભાડામાં ૧ રૂપિયો વધારવો છે



સીએનજીના ભાવમાં કિલોએ ૮૫ પૈસાના થયેલા વધારાને જોતાં ખોટમાં ચાલતી બેસ્ટે બસભાડામાં એક રૂપિયાનો વધારો કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. જોકે ૧૯ નવેમ્બરથી આ વિશે ચર્ચા થશે. બેસ્ટના અધિકારીઓએ કહ્યું હતું કે ‘આવતા સપ્તાહે જે ચર્ચા થશે એની અમલબજાવણી એપ્રિલ ૨૦૧૩માં થશે. આ ભાવવધારાને કારણે વર્ષે ફ્યુઅલના ખર્ચમાં ૬.૦૮ કરોડ રૂપિયાનો વધારો થશે.’

બેસ્ટના કાફલામાં અત્યારે ૪૫૨૪ બસો છે જેમાંથી સીએનજી સંચાલિત બસો ૨૯૭૯ છે અને બાકીની ડીઝલથી ચાલે છે. ૧ નવેમ્બરથી થયેલા વધારાને કારણે એણે કિલોદીઠ ૩૨.૪૦ રૂપિયાને બદલે ૩૩.૨૫ રૂપિયા ચૂકવવા પડશે.  બેસ્ટને ઓપન માર્કેટ કરતાં સીએનજી પ્રતિ કિલો ૭૦ પૈસા સસ્તો મળે છે. બેસ્ટ કમિટીના સભ્ય સુનીલ ગણાચાર્યે કહ્યું હતું કે ૧ રૂપિયાનો ભાડાવધારો ઑક્ટોબરમાં માગવામાં આવ્યો હતો અને ત્યારે સીએનજીના ભાવમાં પણ વધારો થયો નહોતો. શક્ય છે કે બેસ્ટ હવે ૧ રૂપિયાને બદલે ૨ રૂપિયાનો ભાડાવધારો માગે.

બેસ્ટે તાજેતરમાં પોતાની શૉર્ટ ટર્મ લોન તથા કર્મચારીઓના પગાર ચૂકવવા માટે સુધરાઈ પાસેથી ૧૦ ટકા વ્યાજે ૧૬૦૦ કરોડ રૂપિયાની લોન લીધી હતી. ૨૭૦૦ કરોડ રૂપિયાની એની ખોટ છે અને એ માટે તેણે વિવિધ લાંબા તથા ટૂંંકા ગાળા માટેની લોન લીધી છે. અત્યાર સુધી તેમણે ૯૦૦ કરોડ રૂપિયાની લોનની ચુકવણી કરી છે.

સીએનજી = કૉમ્પ્રેસ્ડ નૅચરલ ગૅસ