19 October, 2026 11:07 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બસ સાથે સામસામે થયેલી ટક્કરમાં કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો.
મહારાષ્ટ્રના બીડ જિલ્લામાં રવિવારે સવારે એક કાર ખાડાથી બચવા જતાં સ્ટેટ ટ્રાન્સપોર્ટની બસ સાથે અથડાઈ હતી, જેમાં ૧૧ વર્ષના બાળક સહિત પાંચ લોકોનાં મોત થયાં હોવાનું પોલીસે જણાવ્યું હતું.
એક અધિકારીએ જણાવ્યું હતું કે આ અકસ્માત ખામગાવ-પંઢરપુર નૅશનલ હાઇવે પર શિંદેવાડી ક્રૉસ રોડ પાસે સવારે ૧૧ વાગ્યાની આસપાસ થયો હતો. મૃત્યુ પામેલા લોકો મજલગાવના રહેવાસી હતા અને તુળજાપુર માતાજીનાં દર્શન કરવા જઈ રહ્યા હતા ત્યારે તેમની કાર સામેથી આવી રહેલી મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કૉર્પોરેશન (MSRTC)ની બસ સાથે અથડાઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો અને એમાં સવાર પાંચેય લોકોનાં ઘટનાસ્થળે જ મોત થયાં હતાં. CCTV કૅમેરાના ફુટેજમાં જોવા મળે છે કે એક પુલ પર ખાડાથી બચવાના પ્રયાસમાં પૂરપાટ ઝડપે જઈ રહેલી કાર પરથી ડ્રાઇવરે કાબૂ ગુમાવ્યો હતો, જેને કારણે એ સામેથી આવતી બસ સાથે સીધી અથડાઈ હતી. આ ગમખ્વાર અકસ્માત બાદ માર્ગની ખરાબ હાલતને લઈને સ્થાનિક લોકોએ રસ્તો રોકીને વિરોધ-પ્રદર્શન કર્યું હતું. આ વિરોધ-પ્રદર્શનને કારણે હાઇવે પર કલાકો સુધી વાહનવ્યવહાર ઠપ થઈ ગયો હતો.