મકરસંક્રાંતની પૂર્વસંધ્યાએ મોતને માત

14 January, 2021 08:33 AM IST  |  Mumbai | Bakulesh Trivedi

મકરસંક્રાંતની પૂર્વસંધ્યાએ મોતને માત

ટૂ-વ્હીલર ચલાવનારાઓ હમણાં બે-ચાર દિવસ ગળામાં જાડો દુપટ્ટો અથવા કોઈ કપડું લપેટીને રાખે એ હિતાવહ છે. - પ્રફુલ વિકમાણી

સ્કૂટર પર જઈ રહેલા કચ્છી વેપારીના ગળામાં બોરીવલી સ્ટેશન પાસે માંજો ભરાઈ જતાં તેમણે સમયસૂચકતા વાપરીને એક ક્ષણ પણ બગાડ્યા વગર ચાલુ બાઇકને પહેલાં સ્લો કર્યું, ત્યાર બાદ રોડની સાઇડ પર લઈ જઈને ચાલતા સ્કૂટર પરથી ઊતરી ગયા. પરિણામે તેમને ગળા અને અંગૂઠામાં ટાંકા આવ્યા, પણ જીવ બચી ગયો

દહિસરમાં રહેતા બૅગ સપ્લાયર મંગળવારે સ્કૂટર પર વાઇફ અને દીકરી સાથે બોરીવલી જઈ રહ્યાં હતાં ત્યારે માંજો અટવાતાં ગળામાં કાપો પડી ગયો હતો અને લોહીલુહાણ થઈ ગયા હતા. સદ્નસીબે સમયસૂચકતા વાપરી તેમણે એ હાલતમાં સ્કૂટર છોડી દીધું અને બધા રસ્તા પર પટકાયા એથી માંજો બહુ અંદર ન ગયો અને બચી ગયા. એમ છતાં તેમના ગળા પર ૮ ટાંકા લેવા પડ્યા. વળી માંજો કાઢતાં કપાયેલી આંગળીમાં પણ ચાર ટાંકા આવ્યા. જો તેમણે સમયસૂચકતા વાપરીને સ્કૂટર છોડી ન દીધું હોત તો સ્કૂટરની સ્પીડની સાથે ગળામાં માંજાનું ઘર્ષણ મોટું ટેન્શન આપી દેત.
મૂળ કચ્છી વીસા ઓસવાળ જ્ઞાતિના કચ્છના કોટડા રોહા ગામના પ્રફુલ વિકમાણી હાલ પરિવાર સાથે દહિસર-વેસ્ટમાં સ્ટેશન પાસે આવેલા સાંઈ-શક્તિ બિલ્ડિંગમાં રહે છે. તેમની સાથે બનેલી ઘટના વિશે માહિતી આપતાં તેમણે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મંગળવારે બપોરે ૩ વાગ્યે હું મારી વાઇફ રશ્મિ અને દીકરી મહેક સ્કૂટર પર બોરીવલી જોઈ રહ્યાં હતાં ત્યારે બોરીવલી-વેસ્ટમાં સ્ટેશન પાસે આવેલા બસ ડેપો પાસે મારા ગળામાં માંજો અટવાયો હતો અને તરત જ દુખાવો થતાં મેં પળભર પણ ગુમાવ્યા વગર સ્કૂટરને સ્લો કરીને રસ્તાની એક બાજુ લઈ જઈને એને છોડી દીધું હતું. જે સમયે સ્કૂટર છોડ્યું ત્યારે બહુ સ્પીડ ન હોવાથી અમે પટકાયા, પણ એમાં બહુ ઈજા ન થઈ, પરંતુ ગળામાં ફસાયેલા માંજાની જગ્યાએથી લોહી નીકળવાનું શરૂ થઈ ગયું હતું. ગળામાંથી માંજો કાઢતી વખતે મને ફરી મારા હાથની છેલ્લી આંગળીમાં ઊંડો કાપો પડ્યો હતો. મને લોહીલુહાણ જોઈ તરત જ વાઇફને ખ્યાલ આવી ગયો અને તેણે રિક્ષા રોકી. રિક્ષાવાળો અમને હૉ‌સ્પિટલ લઈ ગયો, જ્યાં તરત જ ટ્રીટમેન્ટ આપવામાં આવી હતી. મને ગળામાં આઠ ટાંકા લેવા પડ્યા છે. સદનસીબે એ ઘા બહુ ઊંડો ન હોવાથી બચી ગયો. જો સ્કૂટર સાઇડ પર કરીને અમે ઊતરી ન ગયા હોત તો માંજાની ધાર કેટલો ઊંડો કાપો કરી દેત એ વિચાર જ મને ડરાવી દે છે. દીકરીને પણ સ્કૂટર પરથી પટકાવાના કારણે થોડા ઊઝરડા આવ્યા છે. અમે તો સ્કૂટર ચાવી સાથે ત્યાં જ મૂકીને હૉસ્પિટલ દોડ્યા હતા. બાજુમાં જ ફુટપાથ પર રહેતા કોઈએ સ્કૂટર બાજુમાં પાર્ક કરી ચાવી રાખી લીધી હતી. સાંજે મારો ભત્રીજો જઈને એ લઈ આવ્યો.

mumbai mumbai news