દેશ ઉપર મોટું આર્થિક સંકટ : શરદ પવાર

31 March, 2020 11:17 AM IST  |  Mumbai | Agencies

દેશ ઉપર મોટું આર્થિક સંકટ : શરદ પવાર

શરદ પવાર

દેશમાં વ્યાપેલા કોરોના વાઇરસના પ્રસારને કારણે વ્યવસાય લગભગ બંધ પડ્યા હોવાથી એનસીપી સુપ્રીમો શરદ પવારે દેશની જનતાને દેશના અર્થતંત્ર પર પડનારી અસરો માટે તૈયાર રહેવા જણાવ્યું હતું.

હાલમાં દેશની આર્થિક સ્થિતિ એકદમ નબળી છે, નિષ્ણાતોના મતે જીડીપી ઘટીને બે ટકાએ પહોંચવાની સંભાવના છે.

ફેસબુક પર લાઇવ ચર્ચા દરમ્યાન ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાને લોકોને બિનજરૂરી ખર્ચ ન કરવા જણાવી ઘરમાં જ રહીને જીવલેણ વાઇરસથી બચવા કહ્યું હતું. ઘરમાં જ રહીને કોરોના વાઇરસના પ્રસારને રોકવાની સલાહ આપતાં તેઓએ લૉકડાઉનનું પાલન ન કરનાર માટે સરકારે બળપ્રયોગ કરવો પડશે એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું. બધા જ વ્યવસાય ઠપ થઈ ગયા છે એવા સંજોગોમાં દેશના અર્થતંત્રને આ કટોકટીમાંથી બહાર આવવામાં સમય લાગશે એમ જણાવતાં તેમણે હાલતને ગંભીરતાથી લેવા અને કામ સિવાય રસ્તા પર ન નીકળવા અનુરોધ કર્યો હતો.

રાજ્ય સરકારના સમજદારીભર્યા અભિગમને તેની નબળાઈ ન ગણવી જોઈએ એમ પણ જણાવતાં વધુમાં ઉમેર્યું હતું કે સરકાર અનાજ અને આવશ્યક ચીજવસ્તુઓનો પર્યાપ્ત પુરવઠો ધરાવે છે, કેટલાક લોકો રૅશન કાર્ડ ધરાવતા નથી તેમ છતાં સરકાર રાજ્યના દરેક નાગરિક સુધી રાહત પહોંચાડવા પ્રયાસ કરી રહી છે. લૉકડાઉન દરમ્યાન કામદારો ઘરે જઈને કામ પર પાછા ફરે એ સંભવ ન હોવાથી શુગર મિલના માલિકોને આગામી બે-ત્રણ અઠવાડિયાં માટે તેમના કામદારો માટે મિલના જ પરિસરમાં રહેઠાણ અને ખોરાકની વ્યવસ્થા કરવા જણાવાયું છે.

રાજ્યમાં કુલ ૧૭૦ શુગર મિલ છે જેમાં એક લાખ જેટલા કામદારો દર વર્ષે નવેમ્બરથી એપ્રિલ દરમ્યાન મરાઠવાડમાંથી પશ્ચિમ મહારાષ્ટ્રમાં રોજગાર માટે પ્રવાસ કરતા હોય છે.

mumbai mumbai news sharad pawar coronavirus