ઑનલાઇન પેમેન્ટની લેતી-દેતી કરતા હો ત્યારે નઝર હટી તો દુર્ઘટના ઘટી

17 February, 2021 12:32 PM IST  |  Mumbai | Mehul Jethva

ઑનલાઇન પેમેન્ટની લેતી-દેતી કરતા હો ત્યારે નઝર હટી તો દુર્ઘટના ઘટી

આવું મુલુંડના કેમિકલના વેપારી સાથે બન્યું. ચીટરે ઍડ્વાન્સ પેમેન્ટ આપવા માટે ફોન પે ઍપ પર રિક્વેસ્ટ મોકલી જે આ વેપારીની ઑફિસમાં કામ કરતી છોકરીએ પૈસા આવવાના છે એમ સમજીને ઍક્સેપ્ટ કરી લીધી, પણ હકીકતમાં તેણે પોતાના અકાઉન્ટમાંથી પૈસા છેતરપિંડી કરનારના ખાતામાં મોકલવાની રિક્વેસ્ટ ઍક્સેપ્ટ કરી લીધી હતી. પોતાનાથી ભૂલ થઈ છે અને હું તમને પૈસા પાછા મોકલું છું એવું કહીને ચીટરે ત્રણ વખત છેતરપિંડી કર્યા બાદ વેપારીએ કરી પોલીસમાં ફરિયાદ

ઑનલાઇન છેતરપિંડી કરતા ગઠિયાઓ રોજ નવા-નવા પેંતરાથી લોકો સાથે છેતરપિંડી કરતા હોય છે. એમાં મુલુંડના કેમિકલના એક વેપારીએ ઑનલાઇન ઑર્ડર આવેલા ૨૯,૦૦૦ રૂપિયાના માલનો ઑર્ડર મેળવવા જતાં ૪૬,૦૦૦ રૂપિયા ગુમાવી દેવાનો કિસ્સો સામે આવ્યો છે. આ વિશે વેપારીએ મુલુંડ પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ કરી છે.

ઘટના અનુસાર મુલુંડના જે. એન. રોડ પર કેમિકલનો વેપાર ધરાવતા અભય શાહને સોમવારે બપોરે એક યુવકનો ફોન આવ્યો હતો. તેણે અભયભાઈ પાસે પડેલા એક કેમિકલને લેવાની ઇચ્છા બતાવી હતી. એ ઑર્ડરની કુલ કિંમત ૨૯,૦૦૦ રૂપિયા થતાં તેમણે યુવક પાસે ઍડ્વાન્સ પેમેન્ટની માગણી કરી હતી. ત્યાર બાદ યુવકે તેમને કહ્યું હતું કે તમારો ગૂગલ પે નંબર મને આપો, જેથી હું તમને પૈસા ટ્રાન્સફર કરી શકું. જોકે અભયભાઈ ગૂગલ પે યુઝ કરતા ન હોવાથી તેમણે તેમની પાસે કામ કરતી વિરાલી મણિયારનો નંબર આપ્યો હતો. થોડી જ વારમાં વિરાલીને પણ ફોન આવ્યો હતો. ફોન કરનારા યુવકે તેની પાસે ફોન પે નંબર માગ્યો હતો જેમાં તેને યુવક દ્વારા કહેવામાં આવ્યું હતું કે હું તને પૈસા મોકલવાની એક રિક્વેસ્ટ મોકલું છું, તું એ ઍક્સેપ્ટ કર. એ ઍક્સેપ્ટ કરવાની સાથે જ વિરાલીના અકાઉન્ટમાંથી ૧૦,૦૦૦ રૂપિયા ઊપડી ગયા હતા.

૧૦,૦૦૦ રૂપિયા ડેબિટ થયા કે તરત વિરાલીએ તે યુવકને ફોન કર્યો હતો કે મારા અકાઉન્ટમાંથી રૂપિયા કેમ નીકળી ગયા છે? ત્યાર બાદ યુવકે તેને કહ્યું હતું કે મારી ભૂલ થઈ ગઈ છે, તમારો બીજો કોઈ ફોન પે નંબર આપો તો એમાં હું તમને પાછા પૈસા અને ઍડ્વાન્સ મોકલું છું. વિરાલીએ તરત તેની બહેનનો નંબર આપ્યો હતો. તેને પણ સેમ રિક્વેસ્ટ આવી હતી જેમાં તેના અકાઉન્ટમાંથી એક વાર ૩૦,૦૦૦ રૂપિયા અને બીજી વાર ૫૯૯૯  રૂપિયા ડેબિટ થઈ ગયા હતા. આની ફરિયાદ મુલુંડ પોલીસ-સ્ટેશનમાં કરવામાં આવી છે.

આ ફ્રૉડ કઈ રીતે થયો એ બાબતે વિરાલી મણિયારે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સોમવારે અભયસર સાથે કન્ફર્મ કર્યા બાદ મેં તે ભાઈને મારો નંબર શૅર કર્યો હતો. કામમાં વ્યસ્ત હોવાથી પૈસા મારા અકાઉન્ટમાં આવવાના છે એટલે વધારે કંઈ વિચાર્યા વગર મેં તેની પેમેન્ટ ઍક્સેપ્ટની રિક્વેસ્ટ ઍક્સેપ્ટ કરી લીધી. જેવી આ રિક્વેસ્ટ ઍક્સેપ્ટ કરી કે તરત જ મારા અકાઉન્ટમાંથી દસ હજાર રૂપિયા ડેબિટ થઈ ગયા હતા. ત્યાર બાદ તેણે ભૂલથી આ થઈ ગયું છે એવું કહીને પેમેન્ટ કરવા માટે બીજા નંબર માગ્યો અને આ જ રીતે મારી કઝિન બહેનના અકાઉન્ટમાંથી પણ પૈસા જતા રહ્યા. આટલું થયા બાદ પણ તે એમ જ કહેતો હતો કે ભૂલ થઈ ગઈ છે, હવે હું જે લિન્ક મોકલું છું એમાં જઈને હું કહું એમ કરો તો બધા પૈસા હું તમને રિટર્ન કરી શકીશ. જોકે અમે સમજી ગયા હતા કે તે ચીટિંગ કરી રહ્યો છે એટલે અમે પોલીસમાં ફરિયાદ કરી.’

આ વિશે અભય શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ ઘટના બાબત લોકોને હું એક જ અપીલ કરવા માગું છું કે જો તમને કોઈ આવી રીતે ઑર્ડર આપે અને ઍડ્વાન્સ પૈસા આપે તો તેના માટે તમારે તમારા મોબાઇલમાં કોઈ રિક્વેસ્ટ ઍક્સેપ્ટ કરવાની જરૂર નથી.’

મુલુંડ પોલીસ-સ્ટેશનના સાઇબર વિભાગના એક અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ કેસની તપાસમાં અમને જાણવા મળ્યું છે કે ટ્રાન્ઝૅક્શનના પૈસા સીસી ઍવન્યુ નામની કંપનીમાં ગયા છે. અમે આ કંપનીને ઈ-મેઇલ કરીને પૈસા બ્લૉક કરી દેવા કહ્યું છે.’

mumbai mumbai news mulund mehul jethva