તમે રેલવેની ટિકિટ ઑનલાઇન બુક કરો છો? તો રહો સાવચેત

13 May, 2022 10:37 AM IST  |  Mumbai | Priti Khuman Thakur

અજાણી વ્યક્તિના કહેવાથી તમારા ફોનમાં ‘ઍની ડેસ્ક’ ઍપ ડાઉનલોડ ન કરો અને એવી ભૂલ થઈ જાય તો ટ્રાન્ઝૅક્શન આઇડીની માહિતી ન આપો

પ્રતીકાત્મક તસવીર

લૉકડાઉનના સમયથી સાઇબર ક્રાઇમના કેસમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. એવામાં સાઇબર ક્રાઇમથી બચવા માટે લોકોએ પોતે પણ સતર્ક રહેવાની જરૂર છે, કારણ કે સાઇબર ક્રાઇમ કોઈ પણ માધ્યમથી થઈ શકે છે. ભાઈંદર-વેસ્ટના દેવચંદનગરમાં રહેતા હાર્દિક કોઠારીએ રાજકોટ જવા માટે મોબાઇલમાં રહેલી આઇઆરસીટીસી ઍપના માધ્યમથી ટિકિટ બુક કરાવી હતી અને તેના પૈસા પણ કપાઈ ગયા હતા. જોકે પૈસા તો કપાઈ ગયા, પરંતુ ટિકિટ બુક ન થતાં તેણે તપાસ કરવા ગૂગલ પરથી આઇઆરસીટીસીનો નંબર શોધ્યો હતો. આ નંબર પર ફોન કરતાં એ બોગસ નંબર નીકળ્યો હતો અને એ ફોન બાદ હાર્દિક કોઠારીના અકાઉન્ટમાં રહેલા પૈસા જતા રહ્યા હોવાની ઘટના બની હતી.

આ ફ્રૉડ વિશે માહિતી આપતાં હાર્દિક કોઠારીએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘રાજકોટ જવા માટે મેં થ્રી ટિયર એસીમાં ટિકિટ બુક કરાવી હતી. દર વખતની જેમ આ વખતે પણ મારા મોબાઇલમાં રહેલી આઇઆરસીટીસીની ઍપથી મેં ટિકિટ બુક કરાવી હતી. ટિકિટ બુક કરાવતાં પે-એટીએમથી મારા પૈસા કપાઈ ગયા હતા. થોડા સમય પછી પણ ટિકિટ બુક થયાનો મેસેજ આવ્યો નહોતો એટલે મેં પે-એટીએમમાં ફોન કરીને પૈસા કપાઈ ગયા, પણ ટિકિટ બુક થઈ ન હોવાનું કહેતાં ત્યાંથી મને કહેવાયું કે પૈસા તો કપાઈ ગયા છે, તમે આઇઆરસીટીસીથી તપાસ કરાવો. ટિકિટ બુક થઈ ન હોવાથી મેં ગૂગલ પરથી આઇઆરસીટીસીનો નંબર શોધ્યો હતો. એ નંબર પર ફોન કરતાં મને એક વ્યક્તિએ કહ્યું કે તમે ચિંતા ન કરો, તમારા પૈસા આવી જશે.’

આ વિશે વધુ માહિતી આપતાં હાર્દિકે કહ્યું હતું કે ‘મને લાગ્યું કે હેલ્પ ડેસ્ક પરથી મદદ મળી રહી છે. તેણે મને કહ્યું કે તમે ફોન પર ‘ઍની ડેસ્ક’ ઍપ ડાઉનલોડ કરો અને ફોન ચાલુ રહેવા દો. એથી મેં એ ડાઉનલોડ કરી અને ટ્રાન્ઝૅક્શન આઇડી પૂછતાં મેં એ માહિતી આપી હતી. તરત મારા અકાઉન્ટમાંથી પહેલાં ૫૦૦૦ રૂપિયા, ત્યાર બાદ ૧૦૦૦ રૂપિયા અને ત્યાર બાદ પે-એટીએમમાં રહેલી ૭૦૦ રૂપિયાનું બૅલૅન્સ પણ લઈ લીધું હતું. મને મેસેજ આવતાં મેં તેને પૂછ્યું કે આ તો પૈસા આવવાને બદલે જઈ રહ્યા છે તો તે મને સમજાવવા લાગ્યો કે ચિંતા ન કરો, પૈસા ક્યાંય નહીં જાય. ત્યાર બાદ અકાઉન્ટમાં ફક્ત ૩૦૦ રૂપિયા હતા. તેણે કહ્યું કે પૈસા તમારા આ‍વી જશે, આ ૩૦૦ રૂપિયા ઍડ કરો. એવું બધું કંઈક બોલવા લાગતાં મને ગરબડ લાગતાં મેં તેનો ફોન જ કાપી નાખ્યો હતો. ઍની ડેસ્ક પણ તરત ડિ​લીટ કરી મૂકી હતી. ટ્રુ-કૉલરમાં પણ હેલ્પ-મી નંબર આવી રહ્યો છે. ત્યાર બાદ મેં અન્ય મોબાઇલ નંબરથી તપાસ કરી તો ગૂગલ પર આઇઆરસીટીસીનો મુખ્ય નંબર આવવા લાગ્યો અને ફ્રૉડનો નંબર દેખાતો જ નહોતો. ગઈ કાલે મને પે-એટીએમથી ટિકિટના પૈસા તો રીફન્ડ થઈ ગયા હતા, પણ ફ્રૉડે કાઢી લીધેલા પૈસા હજી મળ્યા નથી. જોકે ભાઈંદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હોવાથી એ પણ તપાસ કરી રહી છે.’ 

mumbai mumbai news Crime News mumbai crime news cyber crime preeti khuman-thakur