સંતરાં ખાતી વખતે સાવધાન

22 December, 2018 05:15 PM IST  |  | Alpa Nirmal

સંતરાં ખાતી વખતે સાવધાન

સંતરા ખાતા પહેલા થઈ જજો સાવધાન

અલ્પા નિર્મલ

શિયાળાની સાથે સંતરાંની સીઝન પુરબહારમાં ખીલી છે. શહેરની બજારો સંતરાંથી ઊભરાઈ રહી છે. વિટામિન Cનો સ્ત્રોત નારંગી આરોગ્યને ગુણકારી તો છે જ, સાથે એનો ખટમીઠો સ્વાદ અને રસથી ભરપૂર હોવાથી મોટા ભાગના લોકોનું એ ફેવરિટ ફળ છે. હાલમાં ૬૦થી ૧૦૦ રૂપિયે ડઝન મળતું આ ફ્રૂટ લોકો ફળ તરીકે કે રસ કાઢીને ખાય છે; પરંતુ જોયા વગર, સુધાર્યા વગર ખવાતી પેશી કે જૂસ ડેન્જર બની શકે છે કારણ કે ઘણી વખત સંતરાની છાલમાં કે પેશીમાં એના રેસા જેવી સફેદ જીવતી ઈયળ નીકળે છે. ટપકાથી લઈ અડધો સેન્ટિમીટરની આ ઈયળ રીતસર સંતરાની પેશીઓમાં ફરે છે અને એમાંથી બહાર કાઢો તો પણ લાંબો સમય જીવતી રહે છે.

APMCના ડિરેક્ટર સંજય પાનસરેએ કહ્યું હતું કે ‘હાલમાં દરરોજ નાગપુરથી ઍવરેજ ૧૦ ટન માલ ભરીને બારથી પંદર ગાડીઓ અને પંજાબથી પંદરથી વીસ ટ્રકો ભરી ઑરેન્જિસ મુંબઈની APMC માર્કેટમાં આવે છે. પંજાબથી આવતાં સંતરાં ‘કિનુ’ તરીકે ઓળખાય છે. એ સ્વાદમાં થોડાં ખાટાં હોય છે તેમ જ એની છાલ ચમકતી, વૅક્સ કરેલી હોય છે; જ્યારે નાગપુરની નારંગી રસાળ અને ખાટી-મીઠી હોય છે.’

સંતરામાં ઈયળ નીકળવા વિશે પૂછતાં તેમણે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘બેઉ જગ્યાના પાકમાં કોઈ સડો નથી, પરંતુ ઘણી વખત ટ્રાન્સપોર્ટેશનમાં બહુ સમય લાગી જાય છે. એ દરમ્યાન ટ્રકો તડકામાં ઊભી રહે અને સંતરાં ગરમીને કારણે બફાઈ જાય તો એમાં ઈયળ થઈ શકે છે.’

જોકે સંતરાંમાં જીવતી ઈયળ નીકળવી નવું નથી. બે-ત્રણ વર્ષથી આવું બન્યાના ઘણા કિસ્સા ભારતના લોકોએ યુટ્યુબ પર અપલોડ કર્યા છે.

તો શું કરવું? સંતરાં ખાવાં કે નહીં?

આ પ્રશ્નના જવાબમાં એવું કહી શકાય કે સંતરાં ચોક્કસ ખવાય, પણ દરેક પેશી ચેક કરીને. પેશી ચેક કરવા માટે એની પહોળી બાજુ છરીથી કાપી લેવી અને થોડીક પળો માટે એ ખુલ્લી રાખી દેવી. જો ઈયળ હશે તો મૂવમેન્ટ થશે અને જો નહીં હોય તો એ ખાવા માટે સેફ છે. દરેક પેશીને આ રીતે તપાસીને જ ખાવી અથવા રસ કાઢવો. જનરલી સંતરાના વચ્ચેથી બે ભાગ કરી છાલ સહિત રસ કઢાય છે, પરંતુ ઘણી વખત ઈયળ છાલમાં પણ હોય છે.

mumbai news