અજાણ્યા ઇન્ટરનૅશનલ કૉલથી છેતરાશો નહીં

06 November, 2011 10:07 PM IST  | 

અજાણ્યા ઇન્ટરનૅશનલ કૉલથી છેતરાશો નહીં


(શશાંક રાવ)

મુંબઈ, તા. ૬

તેણે ૦૦૯૨૩૪૬૭૯૦………… નંબર પરથી ફોન કર્યો હતો. તે વ્યક્તિએ રિયા ચક્રવર્તીને તેમના ૧૯ ડિજિટના સિમ-નંબરના છેલ્લા ચાર આંકડા પણ કહી બતાવ્યા હતા. રિયાએ કહ્યું હતું કે આનો અર્થ એ થયો કે આ વિગતો લીક થઈ રહી છે.

મુંબઈ પોલીસ પણ આ વાતથી મૂંઝવણમાં છે, કારણ કે તેમના કહેવા પ્રમાણે આવો આ પહેલો કેસ છે. જૉઇન્ટ પોલીસ-કમિશનર (ક્રાઇમ) હિમાંશુ રૉયે કહ્યું હતું કે અમે આ કેસનો અભ્યાસ કરી રહ્યા છીએ અને યોગ્ય પગલાં ભરીશું. તેમણે લોકોને એવી સલાહ આપી હતી કે જો કોઈને આવો ફોન આવે તો તેમણે પોલીસ સમક્ષ ફરિયાદ કરવી.

રિયા ચક્રવર્તીના કહેવા પ્રમાણે ફોન કરનાર વ્યક્તિએ તેને અભિનંદન આપતાં કહ્યું હતું કે ૨૫ લાખ રૂપિયાના જૅકપૉટ માટે તમને પસંદ કરવામાં આવ્યાં છે. આ સાથે જ તેણે ક્લિયરન્સ તથા ઔપચારિકતા માટે તેમની એક બૅન્કમાં ૩૦,૦૦૦ રૂપિયા જમા કરવાનું કહ્યું હતું.

ફોન કરનાર માણસ સરસ હિન્દી બોલતો હતો. તેણે એમ પણ કહ્યું કે ‘કૌન બનેગા કરોડપતિ’ની કૉન્ટેસ્ટના એક ભાગરૂપે તમને આ ઇનામ આપવામાં આવે છે. રિયા ચક્રવર્તીએ ‘કૌન બનેગા કરોડપતિ’ કાર્યક્રમના પ્રવક્તા સાથે વાત કરી તો જાણવા મળ્યું કે આવી કોઈ કૉન્ટેસ્ટ છે જ નહીં.

આ નંબર પાકિસ્તાનમાંની કોઈ વ્યક્તિનો છે, વોડાફોનનો નહીં. વોડાફોનના એક પ્રવક્તાએ કહ્યું હતું કે ‘આવા ફોન દ્વારા ગ્રાહકો સાથે છેતરપિંડી કરવામાં આવી રહી હોવાનું અમને જાણવા મળ્યું છે. કંપનીનો ઇન્ટરનૅશનલ વિભાગ પણ આ વિશે તપાસ કરી રહ્યો છે.’

દરમ્યાન સાઇબર એક્સપર્ટ વિજય મુખીએ કહ્યું હતું કે ‘આ નવા પ્રકારનો સાઇબર ફ્રૉડ છે. નવી ટેક્નૉલૉજીનો ઉપયોગ કરીને તેઓ મોબાઇલના સિમ હૅક કરવા માગતા હોય એ શક્ય છે.’