ત્રણ મહિનાની આહુતિના મૃત્યુકેસમાં પોલીસે કાલે કરી માતાની કરી ધરપકડ

05 October, 2012 04:56 AM IST  | 

ત્રણ મહિનાની આહુતિના મૃત્યુકેસમાં પોલીસે કાલે કરી માતાની કરી ધરપકડ



કેઈએમ હૉસ્પિટલમાં મૃત્યુ સામે એક અઠવાડિયા સુધી ઝઝૂમીને ત્રણ મહિનાની આહુતિ જોશીનું ગયા રવિવારે રાત્રે રહસ્યમય મૃત્યુ થયા પછી ગઈ કાલે બોરીવલી પોલીસે હત્યાનો ગુનો નોંધીને તેનાં માતા-પિતા ધર્મિષ્ઠા અને કલ્પેશ જોશીની આકરી પૂછપરછ કરી હતી. આ કેસમાં આકરી પૂછપરછમાં માતા ધર્મિષ્ઠા ભાંગી પડતાં તેણે આહુતિની મારપીટ કરી હોવાની કબૂલાત કરતાં બોરીવલી પોલીસે તેની ગઈ કાલે મોડી રાત્રે ધરપકડ કરી હતી.

આહુતિના પોસ્ટમૉર્ટમ રિપોર્ટમાંથી જાણવા મળ્યું હતું કે આહુતિનું મૃત્યુ થયું એના એક અઠવાડિયા પહેલાં તેની મારપીટ કરવામાં આવી હતી, જેને કારણે તેનું મૃત્યુ થયું હતું. આહુતિના ઘરે માલિશ કરવા આવતી નંદા ઉદગિરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘હું છેલ્લા એક મહિનાથી આહુતિની માલિશ કરવા તેના ઘરે જતી હતી. ૨૨ સપ્ટેમ્બરે સવારે માલિશ કરવા ગઈ એ વખતે આહુતિના માથા પર મને સોજો દેખાયો હતો એટલે એ દિવસે મેં તેની માલિશ કરી નહોતી. તેને ફક્ત પાણીથી નવડાવીને હું ઘરે ચાલી ગઈ હતી. ઘરે જતાં પહેલાં તેની માતા ધર્મિષ્ઠાને મેં આહુતિની તબિયત બગડી હોવાની જાણ કરી હતી.’

બોરીવલી પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર ભગવાન ચાટેએ કહ્યું હતું કે ‘ગોરાઈ-બેના વિસ્તારમાં રહેતી ત્રણ મહિનાની આહુતિ જોશીનું કુદરતી રીતે મૃત્યુ થયું નહોતું. આહુતિના પોસ્ટમૉર્ટમ રિપોર્ટ મુજબ તેની હત્યા કરવામાં આવી હતી. તેની છાતી અને માથામાં ગંભીર ઈજાનાં નિશાનો મળી આવ્યાં હતાં. કોઈ વજનદાર વસ્તુથી તેની મારપીટ કરવામાં આવી હોઈ શકે. જો આહુતિ પલંગ પરથી નીચે પડી હોત તો પણ તેને આટલી ગંભીર ઈજા થઈ ન હોત. એથી તેની હત્યા કરવામાં આવી હોઈ શકે.’

પોલીસ સબ-ઇન્સ્પેક્ટર શશિકાંત આયરેએ કહ્યું હતું કે ‘આહુતિના શરીર પરથી અમને કોઈ મારપીટનાં નિશાન મળી આવ્યાં નહોતાં. કેઈએમ હૉસ્પિટલના કહ્યા મુજબ આહુતિના ખોપરીની બન્ને બાજુમાં ફ્રૅક્ચર થયું હોવાથી તેના માથા સુધી લોહી પહોંચતું નહોતું એટલે તે બેહોશ થઈ ગઈ હતી. માથામાં ગંભીર ઈજા થતાં તે બચી શકે એમ નહોતી તો પણ ડૉક્ટરોએ તેને બચાવવાના ઘણા પ્રયાસ કર્યા હતા. ડૉક્ટરો માટે ઑપરેશન ઘણું મુશ્કેલ હતું.’

આહુતિનું મૃત્યુ કેવી રીતે થયું?

ગોરાઈ-બેમાં આવેલી સૃષ્ટિ સોસાયટીમાં રહેતી ગૃહિણી ધર્મિષ્ઠા જોશીને જુલાઈ મહિનામાં બે જોડિયા બાળકી જન્મી હતી. પ્રીમૅચ્યોર ડિલિવરીને કારણે તેની બન્ને બાળકીનું વજન પણ ઓછું હતું. એક બાળકીનું જન્મના ૧૨ દિવસ પછી મૃત્યુ થયું હતું, જ્યારે બીજી બાળકી આહુતિનું પણ વજન ઓછું હોવાથી તે સતત માંદી રહેતી હતી. તેને ૨૩ સપ્ટેમ્બરે મોડી રાત્રે કેઈએમ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. સી. ટી. સ્કૅન કરતાં આહુતિના માથામાં ફ્રૅક્ચર થયું હોવાનું જાણવા મળ્યું હતું. શરૂઆતમાં આહુતિની માતા ધર્મિષ્ઠાએ આહુતિ પલંગ પરથી પડી ગઈ હોવાનું કહ્યું હતું, પણ ત્યાર પછી તેણે પોતાનું સ્ટેટમેન્ટ બદલી લીધું હતું. છેવટે આહુતિનું રવિવારે રાત્રે હૉસ્પિટલમાં મૃત્યુ થયું હતું.