૨૦૧૦માં ગોયલ શૉપિંગ સેન્ટર ૨૦૨૦માં ઇન્દ્રપ્રસ્થ શૉપિંગ સેન્ટર

12 July, 2020 08:32 AM IST  |  Mumbai | Bakulesh Trivedi

૨૦૧૦માં ગોયલ શૉપિંગ સેન્ટર ૨૦૨૦માં ઇન્દ્રપ્રસ્થ શૉપિંગ સેન્ટર

તસવીર સૌજન્ય : સતેજ શિંદે

બોરીવલી-વેસ્ટમાં રેલવે-સ્ટેશન સામે આવેલા ગોયલ શૉપિંગ સેન્ટરના બેઝમેન્ટમાં ૧૦ વર્ષ પહેલાં આગ લાગી હતી અને એ વખતે ફાયરબ્રિગેડના એક જવાનનું મોત થયું હતું. જ્યારે શનિવારે ઇન્દ્રપ્રસ્થ શૉપિંગ સેન્ટરના બેઝમેન્ટમાં આગી લાગી હતી અને બેઝમેન્ટમાં આવેલી મોબાઇલ ફોનની કેટલીક દુકાનો બળીને ખાખ થઈ ગઈ હતી. બેઝમેન્ટમાં દુકાનો રાખવી એ સુરક્ષિતતાની દૃષ્ટિએ કેટલું યોગ્ય છે એ મુદ્દો ફરી ઊછળ્યો છે. જોકે એ વખતે પણ પ્રશાસન દ્વારા કહેવાયું હતું કે અમે આ બાબતે તપાસ કરી યોગ્ય પગલાં લઈશું, પણ હકીકત એ છે કે ગોયલની આગ પછી પણ બોરીવલીમાં જે નવા મૉલ કે શૉપિંગ સેન્ટર બન્યાં એમાં બેઝમેન્ટમાં દુકાનો છે. તો શું એ પ્રશાસનને કે ફાયરબ્રિગેડને નહીં દેખાતું હોય? કે પછી કાયદાની છટકબારીનો ફાયદો લઈને દુકાનો ઊભી કરી દેવાઈ અને પછી ‘જેનું જે થવાનું હોય એ થાય’ એવું વલણ અપનાવાય છે. લોકોની સેફ્ટીનું શું એવો સવાલ ઊભો થઈ રહ્યો છે. આવો સવાલ માત્ર લોકો જ નહીં, જનપ્રતિનિધિઓ પણ કરી રહ્યા છે એથી હવે ફરી એક વખત બોરીવલીના અન્ય મૉલ અને શૉપિંગ સેન્ટરના બેઝમેન્ટની દુકાનોની કાયદેસરતાની તપાસ થાય એવી શક્યતા છે.
બોરીવલીના વિધાનસભ્ય સુનીલ રાણેએ ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી. તેમણે ‘મિડ-ડે’ને કહ્યું કે ‘બેઝમેન્ટમાં દુકાનો ન હોવી જોઈએ એવું પાલિકાનું ધોરણ છે, જ્યારે અહીં તો ૭૦ જેટલી દુકાનો હતી. એ કઈ રીતે બન્યું? આ બાબતે મેં પત્ર લખીને ઉચ્ચ સ્તરીય તપાસની માગણી કરી છે, જેમાં પાલિકાના અધિકારીઓને ઇન્દ્રપ્રસ્થ જ નહીં, પણ બોરીવલીના અન્ય મૉલ અને શૉપિંગ સેન્ટર જેવાં કે ગોયલ શૉપિંગ સેન્ટર, મોક્સ પ્લાઝાના બેઝમેન્ટની ગેરકાયદે દુકાનોની ઉચ્ચ સ્તરીય તપાસ કરે.’
બોરીવલીના નગરસેવક પ્રવીણ શાહે કહ્યું કે ‘બેઝમેન્ટમાં જે દુકાનો છે એ ગેરકાયદે છે. એવું જાણવા મળ્યું છે કે ઇન્દ્રપ્રસ્થ સોસાયટી દ્વારા પાંચ-છ વર્ષ પહેલાં બેઝમેન્ટની એ જગ્યા જે મૂળ પાર્કિંગ માટેની હતી એને ગોડાઉન તરીકે વાપરવાની પાલિકામાંથી પરવાનગી મેળવાઈ હતી, પણ એ પછી ત્યાં દુકાનો ઊભી કરી દેવાઈ, જે ખોટું છે. આમાં પાલિકાનો વૉર્ડ-ઑફિસર જવાબદાર ગણાય. એની સાથોસાથ તેમની સાથે સંકળાયેલા બિલ્ડિંગ પ્રપોઝલ ડિપાર્ટમેન્ટની પણ જવાબદારી ગણાય. જો દિવસના સમયે અને નૉર્મલ દિવસો (લૉકડાઉન ન હોય એવા)માં આગ લાગી હોત તો બહુ મોટી દુર્ઘટના સર્જાઈ હોત. રોજના હજ્જારો લોકો એ માર્કેટમાં આવે છે એટલે ભારે જાનહાનિ થઈ હોત.’
બેઝમેન્ટની દુકાનોની કાયદેસરતા બાબતે જ્યારે ‘મિડ-ડે’એ ચીફ ફાયર ઑફિસર પ્રભાત રહાંગદળે સાથે વાત કરી ત્યારે તેમણે કહ્યું કે ‘પહેલાં ડીસીઆરમાં પ્રીમિયમ લઈને બેઝમેન્ટની જગ્યાનો કમર્શિયલ વપરાશ કરવા દેવાની જોગવાઈ હતી, પણ હવે શું છે એ વિશે મારે તપાસ કરવી પડશે. અમે એ સદંર્ભના ડૉક્યુમેન્ટ્સની ચકાસણી અને અભ્યાસ કરી રહ્યા છીએ. આજે જ આગ લાગી છે એટલે તપાસમાં થોડો સમય લાગશે, પણ તપાસમાં જો ગેરરીતિ થયેલી જણાશે તો અમે એ સંદર્ભે દોષી સામે કડક પગલાં લઈશું. અત્યારે પણ ફાયરને લગતી ઇતર કલમોને લઈને અમે સોસાયટીને નોટિસ મોકલાવી રહ્યા છીએ.’

mumbai mumbai news