દેવેન્દ્ર ફડણવીસની વિનંતીને પગલે શરૂ થઈ બારામતી વિમાન-દુર્ઘટનાની તપાસ

30 January, 2026 09:43 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ભવિષ્યમાં આવા અકસ્માતો અટકાવવા માટે તાત્કાલિક પગલાં લેવાની વિનંતી પણ કરી હતી

ગઈ કાલે ડિરેક્ટરેટ જનરલ ઑફ સિવિલ એવિયેશન અને ફૉરેન્સિક ડિપાર્ટમેન્ટના અધિકારીઓએ બારામતીમાં ક્રૅશ-સાઇટ પર જઈને તપાસ શરૂ કરી હતી.

યુનિયન સિવિલ એવિએશન મિનિસ્ટર કે. રામમોહન નાયડુએ બારામતી ઍરપોર્ટ પર થયેલી વિમાન-દુર્ઘટનાની તપાસ ઝડપી બનાવવા માટે મહારાષ્ટ્ર સરકારનો સહયોગ માગ્યો છે.
દુર્ઘટનાના એક દિવસ પછી મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને એક પત્રમાં જણાવ્યું હતું કે તેમને દુર્ઘટનાના સ્થળ સુધી પહોંચવા, સ્થાનિક વહીવટી સહાય અને ગ્રાઉન્ડ એજન્સીઓ સાથે સંકલન કરવા સહિત અન્ય પગલાં લેવા માટે સરકારના સહયોગની જરૂર પડશે તેમ જ તપાસનાં મુખ્ય પરિણામો રાજ્ય સરકાર સાથે શૅર કરવામાં આવશે.

સિવિલ એવિએશન મિનિસ્ટ્રી હેઠળ કાર્યરત ઍરક્રાફ્ટ ઍક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB)એ વિમાન-દુર્ઘટનાની ઔપચારિક તપાસ શરૂ કરી છે.

અગાઉ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે યુનિયન સિવિલ એવિએશન મિનિસ્ટરને દુર્ઘટનાનું ચોક્કસ કારણ શોધવા માટે વિગતવાર તપાસનો આદેશ આપવા વિનંતી કરી હતી અને ભવિષ્યમાં આવા અકસ્માતો અટકાવવા માટે તાત્કાલિક પગલાં લેવાની વિનંતી પણ કરી હતી. એની નોંધ લઈને તપાસ શરૂ કરવામાં આવી છે. તપાસનાં તારણોના આધારે AAIB અને ડિરેક્ટરેટ જનરલ ઑફ સિવિલ એવિએશન (DGCA) સાથે મળીને કાર્યકારી પગલાં લેવામાં આવશે એવી કે. રામમોહન નાયડુએ ખાતરી આપી છે.

સુમિત કપૂર ફ્લાઇટ ઉડાડવાના શેડ્યુલમાં જ નહોતા?

અજિત પવારને મુંબઈથી બારામતી લઈ જનાર પ્લેનના પાઇલટ સુમિત કપૂર એ ફ્લાઇટના શેડ્યુલ્ડ પાઇલટ નહોતા એવી જાણકારી સામે આવી છે. તેમની એ ફ્લાઇટ ઉડાડવા જે પાઇલટને શેડ્યુલ કરાયો હતો તે ટ્રાફિકમાં ફસાયો હોવાને કારણે આવી શકે એમ નહોતો એટલે ફ્લાઇટ ઊપડવાના એક કલાક પહેલાં જ સુમિત કપૂરને ફ્લાઇટ ઉડાડવાનું અસાઇનમેન્ટ અપાયું હતું એવું કહેવાઈ રહ્યું છે. સુમિત કપૂર હૉન્ગકૉન્ગથી વહેલા આવી ગયા હતા એટલે તેમને એ ફ્લાઇટ અસાઇન કરવામાં આવી હતી એવું ચર્ચાઈ રહ્યું છે.  

પ્લેન-ક્રૅશની ઘટનામાં પોલીસે ઍક્સિડેન્ટલ ડેથ રિપોર્ટ નોંધ્યો, તપાસ CIDને સોંપવામાં આવી

અજિત પવાર ઉપરાંત અન્ય ૪ લોકોનો ભોગ લેનારી પ્લેન-ક્રૅશની ઘટના સંદર્ભે બારામતી તાલુકા પોલીસ-સ્ટેશનમાં ઍક્સિડેન્ટલ ડેથ રિપોર્ટ નોંધવામાં આવ્યો છે એમ જણાવતાં પુણે રૂરલ પોલીસના એક ઑફિસરે કહ્યું હતું કે પ્રોસીજર પ્રમાણે આ કેસની તપાસ ક્રિમિનલ ઇન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટ (CID)ને સોંપવામાં આવી છે. CID આ કેસની તપાસ ઍરક્રાફ્ટ ઍક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB)ની તપાસમાં જે કોઈ માહિતી બહાર આવશે એના આધારે કરશે. AAIB એવિએશન મિનિસ્ટ્રી હેઠળ કામ કરે છે. એણે આ અકસ્માતની તપાસ ચાલુ કરી દીધી છે. 

mumbai news mumbai baramati maharashtra government maharashtra news maharashtra ajit pawar nationalist congress party celebrity death devendra fadnavis plane crash