નાલાસોપારામાં બંગલાદેશીઓની વસ્તી ટૂંક સમયમાં નહીં જોવા મળે

27 December, 2012 07:44 AM IST  | 

નાલાસોપારામાં બંગલાદેશીઓની વસ્તી ટૂંક સમયમાં નહીં જોવા મળે



નાલાસોપારામાં દિવસે-દિવસે બંગલાદેશીઓની વસ્તીમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. ઉપરાંત તેઓ અસામાજિક પ્રવૃત્તિમાં સંડોવાયેલા હોવાનું પણ જાણવા મળ્યું છે એટલે પોલીસે આ લોકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની શરૂઆત કરી દીધી છે.

નાલાસોપારામાં ગેરકાયદે બંગલાદેશીઓની વસ્તી વધી રહી છે. વસઈ-વિરારના વિસ્તારોમાં ઓછા ભાવે જગ્યા મળતી હોવાથી બંગલાદેશીઓ અહીં આવીને વસવા લાગ્યા છે એટલે આ વિસ્તારોમાં ગુનાઓનું પ્રમાણ પણ વધવા લાગ્યું છે. છેલ્લા એક મહિનાથી નાલાસોપારા પોલીસ ગેરકાયદે રહેતા બંગલાદેશીઓ સામે કાર્યવાહી કરી રહી છે. પોલીસે અગાઉ કાર્યવાહી કરીને ત્રણ બંગલાદેશીઓને પકડી પાડ્યા હતા અને ત્યાર બાદ તાજેતરમાં જ ગેરકાયદે રીતે રહેતા ૩૦ બંગલાદેશીઓને પોલીસે પકડી પાડ્યા છે.

આ વિશે નાલાસોપારા પોલીસ-સ્ટેશનના ડિટેક્શન યુનિટના ઇન્ચાર્જ સુરેન્દ્ર શિવડેએ કહ્યું હતું કે ‘અમને માહિતી મળી હતી કે નાલાસોપારામાં ગેરકાયદે રહેતા બંગલાદેશીઓની વસ્તી વધવા લાગી હતી, જેને કારણે એ વિસ્તારમાં ગુનાઓનું પ્રમાણ પણ વધવા લાગ્યું છે. આ લોકો અસામાજિક પ્રવૃત્તિઓમાં સંકળાયેલા હોવાનું પણ અમને જાણવા મળ્યું છે. નગીનદાસ પાડા અને અગ્રવાલ વિસ્તારમાં બંગલાદેશીઓ મોટી સંખ્યામાં ગેરકાયદે રહે છે તેમ જ તેઓ કોઈ અસામાજિક પ્રવૃત્તિમાં પણ સંકળાયેલા હોઈ શકે છે એવું જાણવા મળતાં અમારી ટીમે ત્યાં રેઇડ પાડીને બન્ને જગ્યાએથી ૩૦ બંગલાદેશીને પકડ્યા હતા. એ સાથે અમે બીજા વિસ્તારોની પણ તપાસ કરી રહ્યા છીએ. આ બંગલાદેશીઓ પિમબંગથી બૉર્ડર ક્રૉસ કરીને અહીં ગેરકાયદે રહેવા આવે છે. અમે ૧૮ પુરુષ, ૭ મહિલા અને ૫ બાળકોને કસ્ટડીમાં લીધાં છે તેમ જ તેમના પર કાયદા અનુસાર કાર્યવાહી કરવામાં આવી છે. તેમની ભાષા સમજાતી ન હોવાથી અમે તેમની પૂછપરછ માટે એક ટ્રાન્સલેટરની મદદ લઈ રહ્યા છીએ. ટૂંક સમયમાં નાલાસોપારામાં ગેરકાયદે રહેતા બંગલાદેશીઓની વસ્તી દૂર કરવામાં આવશે.’