એક્સપ્રેસ ટ્રેનના ટૉઇલેટમાં પાઇપ પર શર્ટથી લટકીને આત્મહત્યા

23 December, 2014 03:16 AM IST  | 

એક્સપ્રેસ ટ્રેનના ટૉઇલેટમાં પાઇપ પર શર્ટથી લટકીને આત્મહત્યા




વિરાર પાસે શનિવારે ચેઇન ખેંચાતાં અચાનક એક એક્સપ્રેસ ટ્રેનને ઊભી રાખવી પડી હતી. વસઈ ગવર્નમેન્ટ રેલવે પોલીસે તપાસ કરીને જ્યાંથી ચેઇન ખેંચાયેલી એ ડબ્બાના ટૉઇલેટનો દરવાજો તોડતાં એક માણસ ટૉઇલેટની પાણીની પાઇપ પર પોતાના શર્ટ સાથે લટકતો જોવા મળ્યો હતો. પોલીસે ઍક્સિડેન્ટલ ડેથનો કેસ નોંધ્યો હતો અને બે કલાક બાદ ટ્રેનને રવાના કરવામાં આવી હતી. પોલીસે ડેડ-બૉડીને પોસ્ટમૉર્ટમ માટે મોકલી આપી હતી.

બૅન્ગલોર-અજમેર ગરીબ નવાઝ એક્સપ્રેસ શનિવારે રાતે નીકળી હતી. એ પ્રવાસીએ મીરજથી ટ્રેન પકડી હતી. આ ટ્રેનના એક ડબ્બામાં ૩૩ વર્ષના છગનલાલ કામરામે ટૉઇલેટમાં સુસાઇડ કર્યું હતું. બીજા પ્રવાસીઓ ટૉઇલેટ માટે ગયા ત્યારે દરવાજો લાંબો સમયથી બંધ હોવાનું જણાતાં તેમણે પોલીસને જાણ કરી હતી. ટ્રેન જ્યારે વિરાર પહોંચી ત્યારે પ્રવાસીઓએ ચેઇન ખેંચીને ટ્રેનને ઊભી રખાવી હતી. ટ્રેનને વિરાર સ્ટેશનના પ્લૅટફૉર્મ-નંબર ૪ પર ઊભી રાખવામાં આવી હતી. જોકે તેની પાસેથી પોલીસને સુરત મેલ એક્સપ્રેસની ટિકિટ મળી હતી. પોલીસે વધુ તપાસ કર્યા બાદ તેની પાસેથી આધાર કાર્ડ મળ્યું હતું જેમાં તે રાજસ્થાનના અહોર વિલેજમાં રહેતો હોવાનું જાણવા મળ્યું હોવાથી તેનાં સગાંસંબંધીને જાણ કરવામાં આવી હતી. જોકે પોલીસને કોઈ સુસાઇડ-નોટ નહોતી મળી, પણ પોલીસ એ વિશે વધુ તપાસ કરી રહી છે.