કંગના રનોટ પર હિન્દુ-મુસ્લિમના નામે ભાગલા પાડવાનો આરોપ, વધુ એક FIR

17 October, 2020 02:49 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

કંગના રનોટ પર હિન્દુ-મુસ્લિમના નામે ભાગલા પાડવાનો આરોપ, વધુ એક FIR

કંગના રનોટ

બાંદ્રા કોર્ટે અભિનેત્રી અને તેની બહેન વિરુદ્ધ FIR નોંધવાનો આદેશ આપ્યો

સોશ્યલ મીડિયા પર સતત એક્ટિવ રહેતી બૉલીવુડ અભિનેત્રી કંગના રનોટ (Kangana Ranaut) આજકાલ કોઈકને કોઈક મુદ્દે હંમેશા ચર્ચામાં જ રહે છે. ખેડૂતોના અપમાન બાદ અભિનેત્રી કંગના રનોટ પર ધર્મના નામે નફરત ફેલાવવાનો આરોપ લાગ્યો છે. હવે અભિનેત્રી પર બે એફઆઈઆર દાખલ ઈથ છે. બાંદ્રા કોર્ટે અભિનેત્રી વિરુદ્ધ કોમવાદ નફરત ફેલાવવાની ધારાઓ હેઠળ FIR ફાઈલ કરવાનો આદેશ આપ્યો છે. કોર્ટે આ આદેશ સાહિલ અશરફ અલી સૈયદ નામના વ્યક્તિની યાચિકા પર સુનાવણી બાદ આપ્યો.

સાહિલ અશરફ અલી સૈયદે તેન યાચિકામાં લખ્યું છે કે, 'કંગના રનોટ છેલ્લા ઘણા મહિનાથી સતત બૉલીવુડને નેપોટિઝ્મ અને ફેવરેટિઝ્મનું હબ કહીને તેનું અપમાન કરી રહી છે. તેના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલથી ટ્વીટ કરી અને ટીવી ઇન્ટરવ્યૂ મારફતે તે હિન્દુ અને મુસ્લિમ આર્ટિસ્ટ વચ્ચે ભાગલા પડાવી રહી છે. તેમણે ઘણા જ વાંધાજનક ટ્વીટ કર્યા છે. જે માત્ર ધાર્મિક ભાવનાઓ જ નહીં પણ ઈન્ડસ્ટ્રીના ઘણા કલીગ્સની ભાવનાઓને પણ ઠેસ પહોંચાડે છે.' સાહિલે કોર્ટ સામે પુરાવા તરીકે કંગનાના ઘણા ટ્વીટ રજુ કર્યા છે.

કેસમાં 12th કોર્ટ બાંદ્રાના મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ જયદેવ વાય ઘુલેએ કંગના રનોટ વિરુદ્ધ CRPCની ધારા 156(3) હેઠળ FIR ફાઈલ કરવાની અને યોગ્ય કાર્યવાહી અને તપાસના આદેશ આપ્યા છે. આ બાબતે કંગનાની પૂછપરછ થઈ શકે છે અને જો તેના વિરુદ્ધ પૂરતા પુરાવા મળે છે તો તેની ધરપકડ પણ થઈ શકે છે.

તમને જણાવી દઈએ કે, ખેડૂતોના અપમાન બાબતે કર્ણાટકના તુમકુર જિલ્લાની એક જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટે કંગના રનોટ વિરુદ્ધ FIR ફાઈલ કરવાનો આદેશ આપ્યો છે. ક્યાથાસંદરા પોલીસ સ્ટેશનના ઓફિસરને કોર્ટે આ આદેશ વકીલ રમેશ નાઈક દ્વારા ફાઈલ કરેલી ફરિયાદના આધારે આપ્યો છે. રામ નાઈકે ફરિયાદ સેક્શન 156 (3) હેઠળ ફરિયાદ દાખલ કરી હતી. રામ નાઈકે અભિનેત્રી પર કૃષિ બિલ વિરુદ્ધ આંદોલન કરી રહેલા ખેડૂતોને આતંકવાદી કહીને તેનું અપમાન કરવાનો આરોપ લગાવ્યો છે.

mumbai mumbai news bollywood kangana ranaut bandra hinduism