દેવેન્દ્ર ફડણવીસે મહારાષ્ટ્ર સરકાર પર નિશાન સાધ્યું, બંધને રાજકીય સ્ટંટ ગણાવ્યો

12 October, 2021 03:19 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ફડણવીસે મીડિયાકર્મીઓને જણાવ્યું હતું કે, જો સરકાર ખેડૂતોના કલ્યાણ અંગે ગંભીરતાથી ચિંતિત છે, તો તેણે મહારાષ્ટ્ર બંધનું એલાન કરતા પહેલાં પૂરગ્રસ્ત વિદર્ભ અને મરાઠવાડા ખેડૂતો માટે યોગ્ય પેકેજની જાહેરાત કરવી જોઈએ.

દેવેન્દ્ર ફડણવીસ. ફાઇલ તસવીર

મહારાષ્ટ્ર વિધાનસભામાં વિપક્ષના નેતા દેવેન્દ્ર ફડણવીસે 3 ઑક્ટોબરે લખીમપુર ખેરીમાં થયેલી ચાર ખેડૂતોની હત્યાના વિરોધમાં મહા વિકાસ આઘાડી (MVA) સરકાર દ્વારા સોમવારે બોલાવેલા મહારાષ્ટ્ર બંધને રાજકીય સ્ટંટ ગણાવ્યો હતો.

ફડણવીસે મીડિયાકર્મીઓને જણાવ્યું હતું કે, જો સરકાર ખેડૂતોના કલ્યાણ અંગે ગંભીરતાથી ચિંતિત છે, તો તેણે મહારાષ્ટ્ર બંધનું એલાન કરતા પહેલાં પૂરગ્રસ્ત વિદર્ભ અને મરાઠવાડા ખેડૂતો માટે યોગ્ય પેકેજની જાહેરાત કરવી જોઈએ.

ફડણવીસે કહ્યું કે “ઉત્તરપ્રદેશમાં લખીમપુર ખેરી ઘટના સંદર્ભે કાર્યવાહી કરવામાં આવશે. સુપ્રીમ કોર્ટ પણ આ ઘટના પર નજર રાખી રહી છે. ઉત્તરપ્રદેશ સરકાર પણ કાર્યવાહી કરી રહી છે. જોકે, એમવીએ સરકારે મહારાષ્ટ્રના ખેડૂતો માટે શું કર્યું છે?”

“મહારાષ્ટ્રમાં MVA શાસનના 15 મહિના દરમિયાન ઓછામાં ઓછા 2,000 ખેડૂતોએ આત્મહત્યા કરી છે. તેમને ન તો લોન માફીનો લાભ મળ્યો છે અને ન તો વહીવટીતંત્ર દ્વારા મદદ આપવામાં આવી છે. તેમણે આરોપ લગાવ્યો કે રાજ્ય સરકારે જાહેર ઈચ્છા વિરુદ્ધ બંધને લાગુ કરવા માટે પોલીસ અને વહીવટીતંત્રનો દુરુપયોગ કર્યો છે.”

એનસીપી અધ્યક્ષ શરદ પવારે લખીમપુર ખેરી હત્યાકાંડને જલિયાંવાલા બાગ હત્યાકાંડ સાથે સરખાવ્યો હતો તે બાબતે ફડણવીસે કહ્યું કે “કોંગ્રેસ-એનસીપી શાસન દરમિયાન પુણેના માવલ ખાતે નિર્દોષ ખેડૂતો પર ગોળીબાર કરવામાં આવ્યો હતો. રાજસ્થાનમાં કોંગ્રેસ સરકારે ખેડૂતોને મારવા માટે પોલીસનો ઉપયોગ કર્યો. તે સમયે તેમણે જલિયાંવાલા બાગ સાથે કેમ સરખામણી કરી ન હતી.”

“કોવિડ-19 લોકડાઉનને કારણે તમામ કામ અને મથકો બંધ હતા. લાંબા સમય પછી, પરિસ્થિતિ સામાન્ય થઈ રહી છે, પરંતુ સરકારે લોકો પર બંધનું જોર લગાવ્યું હતું.

પ્રદેશ ભાજપના અધ્યક્ષ ચંદ્રકાંત પાટિલે કહ્યું કે “એનસીપીએ રાજ્યમાં બંધનું એલાન આવકવેરા વિભાગ દ્વારા છેલ્લા 15 દિવસથી તેના નેતાઓ અને તેમના પરિવારો પર કરવામાં આવેલા દરોડાથી લોકોનું ધ્યાન હટાવવા માટે કર્યું છે.”

ઉલ્લેખનીય છે કે IT વિભાગે ગયા અઠવાડિયે નાયબ મુખ્યપ્રધાન અજીત પવાર અને તેની બહેનો સાથે સંકળાયેલા વિવિધ મથકો પર દરોડા પાડ્યા હતા.

mumbai mumbai news maharashtra devendra fadnavis bharatiya janata party